2 કલાક પેહલા
- કૉપી લિંક
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણી ઘણા સમયથી શોમાં જોવા મળી નથી. તાજેતરની વાતચીતમાં, શોમાં બબીતાનું પાત્ર ભજવતી મુનમુન દત્તાએ દિશાની ખોટ સાલતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે તે તેમને ખૂબ મિસ કરે છે.
ઈ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં મુનમુન દત્તાએ કહ્યું, ‘અમે હંમેશા તેમને યાદ કરીએ છીએ જે અમને છોડીને ચાલ્યા ગયા છે, ત્યાં સુધી કે એમને પણ જેમણે શો છોડી દીધો છે. હું દિશાને ખૂબ મિસ કરું છું. અમે જ્યારે પણ આનંદથી વાતો કરતા હોઈએ છીએ ત્યારે તેને યાદ કરીને કહીએ છીએ કે, દિશાએ આ ક્યારે કહ્યું હતું તે યાદ છે? અમારી પાસે તેની ઘણી સારી યાદો છે. જ્યારે પણ દિશાને અજાણ્યા નંબરો પરથી કોલ આવતા ત્યારે તે ઉપાડતા પહેલા પોતાનો અવાજ બદલી નાખતી હતી.’
દયાબેનના રોલમાં દિશા વાકાણીને દર્શકોએ ખૂબ વખાણી હતી. જોકે, તે 2017થી શોમાં જોવા મળી નથી. દિશા પ્રસૂતિ રજા પર ગઈ હતી અને ત્યારથી તે પાછી ફરી નથી.
શોના નિર્માતા અસિત મોદીએ ઘણી વખત દિશાની વાપસી અથવા નવી દયાબેનને લાવવાની વાત કરી છે. ગયા વર્ષે તેણે કહ્યું હતું કે દર્શકો તેમના પ્રિય દયાબેનને શોમાં પાછા જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પાત્ર માટે કાસ્ટિંગ પડકારજનક છે. દિશાનું સ્થાન લેવું કોઈપણ અભિનેત્રી માટે આસાન નહીં હોય. આ માટે એક તેજસ્વી કલાકારની જરૂર પડશે.
નોંધનીય છે કે, દિશા વાકાણી એકમાત્ર એવી નથી જેણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને અલવિદા કહ્યું હતું. રાજ અનડકટ, ગુરુચરણ સિંહ, જેનિફર મિસ્ત્રી અને શૈલેષ લોઢા સહિત બીજા ઘણા સ્ટાર્સ શોમાંથી વિદાય લઈ ચૂક્યા છે. હાલમાં જ ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહે પણ શો છોડી દીધો છે.