નર્મદાની મુખ્ય કેનાલ બનાસકાંઠા જિલ્લામાં થઈને પસાર થાય છે. ત્યારે આ કેનાલ પહેલાથી જ પોતાની નબળી કક્ષાની કામગીરીને લઈ ચર્ચામાં રહે છે. જેમાં નર્મદાની મુખ્ય કેનાલમાં અવારનવાર ભંગાણના સમાચાર સામે આવતા રહે છે અને કેનાલની આસપાસના ખેતરોમાં તેના કારણે પાણી
.
સરહદી થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ભંગાણ સર્જાયુ છે. જમડા અને લેડાઉ બ્રિજ વચ્ચે મુખ્ય કેનાલમાં ભંગાણ સર્જાતા ખેડૂતોમાં ચિંતા વધી જવા પામી છે. મુખ્ય કેનાલમાં વરસાદને પગલે મોટું પોલાણ થતાં કેનાલ ટુટવાની દહેશતે ખેડૂતોમાં અને આજુબાજુના ગામોમાં ભારે નુકસાન કરી શકે છે. જો મુખ્ય કેનાલમાં પાણીનો પ્રવાહ વધે અને કેનાલ ટુટે તો ખેડૂતોના ખેતરો જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી શકે છે જેને લઈને ખેડૂતો માં ચિંતા જોવા મળી છે.
કેનાલ નજીક રહેતા સ્થાનિક ખેડૂતો એ જણાવ્યું હતું કે, જમડા અને લેડાઉ પુલ વચ્ચે મુખ્ય કેનાલમાં મોટું ગાબડું પડેલ છે. જેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે એવી માંગ છે. વરસાદ વધુ આવવાથી જમડા લેડાઉ ગામોને નુકસાન થઈ શકે છે. વધારે વરસાદ આવે તો અમારે બાજુમાં રહેણાંક ઘર આવેલ છે જેથી ભારે નુકસાન થઈ શકે છે. જેથી નર્મદા વિભાગના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.
નર્મદા નિગમના અધિકરી આનંદ પટેલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગઇકાલે આવેલા વરસાદને કારણે ભંગાણ પડ્યું છે. અમારી કામગીરી કેનાલ પર ચાલું છે. વધુમાં જણાવ્યું હતું કે, પાઇપલાઇનના કારણે આ ભંગાણ પડ્યું છે. જે બાબતે અમે તાત્કાલિક ધોરણે સમારકામ કરાવી નાખીશું.
આ સાથે ફરી એકવાર નર્મદા વિભાગના ભ્રષ્ટાચારની પોલ ખોલી જવા પામી છે. આમ આગામી સમયમાં નર્મદા વિભાગ દ્વારા સત્વરે આ ખાડાનું પુરાણ કરી યોગ્ય સમારકામ હાથ ધરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.