29 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુપરહિટ ફિલ્મો ‘રાઝી’, ‘કેસરી’ અને ‘મિશન મજનૂ’માં જોવા મળેલા એક્ટર અશ્વથ ભટ્ટ સાથે તાજેતરમાં ઈસ્તંબુલમાં લૂંટ થઈ હતી. અભિનેતાએ પોતાના કડવા અનુભવ વિશે વાત કરી છે. અભિનેતાએ જણાવ્યું હતું કે, લૂંટારાઓની ટોળકીએ તેને એક લોકપ્રિય પર્યટન સ્થળ પર માર માર્યો હતો અને લૂંટ કરી હતી.
હાલમાં જ ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ને આપેલા ઈન્ટરવ્યૂમાં અભિનેતા અશ્વથ ભટ્ટે જણાવ્યું હતું કે ઈસ્તંબુલ વેકેશન દરમિયાન તેમના મિત્રએ તેમને ચેતવણી આપી હતી કે તેઓ જ્યાં જઈ રહ્યા છે ત્યાં લૂંટફાટ સામાન્ય છે. અભિનેતાએ તેના મિત્રની સલાહની અવગણના કરી અને ઇસ્તાંબુલના પર્યટન સ્થળ ગલાટા ટાવર તરફ રવાના થયો. તે રસ્તા પર ચાલી રહ્યો હતો ત્યારે ચેઈન લઈને એક શખ્સ તેને ધમકાવવા આવી ગયો. અભિનેતા કંઈ સમજે તે પહેલાં લૂંટારાએ તેની પીઠ પર હુમલો કર્યો. થોડી જ વારમાં તેની ટોળકી ત્યાં એકઠી થઈ ગઈ, જેઓ રસ્તા પર ચાલતા લોકોનો સામાન લૂંટી લેતા હતા.
ઇસ્તંબુલનું વેકેશન અભિનેતા અશ્વથ ભટ્ટને ભારે પડી ગયું
અભિનેતાએ આગળ કહ્યું કે, જ્યારે તેમણે પોતાનો બચાવ કરતા તેની સાથે લડવાનું શરૂ કર્યું ત્યારે આ ઘટના દરમિયાન ત્યાં હાજર એક કેબ ડ્રાઈવરે તેને જોયો અને તે અભિનેતાને બચાવવા આવ્યો. કેબ ડ્રાઇવર આવતાંની સાથે જ લૂંટારુઓ ભાગી ગયા, ત્યારબાદ અશ્વથ નજીકના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગયો અને મામલાની જાણ કરી. હાલમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. અભિનેતાના જણાવ્યા મુજબ, તે વિસ્તારમાં આવી ઘણી ઘટનાઓ બને છે, જોકે મોટાભાગના લોકો તેના વિશે ફરિયાદ કરતા નથી.
અશ્વથ ભટ્ટ અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’નો ભાગ રહી ચૂક્યા છે
અભિનેતાએ કહ્યું છે કે, હું ઘણી વખત મધ્ય પૂર્વ, ઇજિપ્ત અને યુરોપમાં ઘણી જગ્યાએ ગયો છું, પરંતુ મારી સાથે આવી ઘટના પહેલા ક્યારેય બની નથી.
મહત્ત્વનું છે કે, એક્ટર અશ્વથ ભટ્ટ ‘રાઝી’, ‘મિશન મજનૂ’, ‘સીતા રામમ’, ‘ફેન્ટમ’, ‘કેસરી’ અને ‘હૈદર’ જેવી શાનદાર ફિલ્મોનો ભાગ રહી ચૂક્યો છે. અશ્વથ એક કાશ્મીરી પંડિત છે, જેનો જન્મ શ્રીનગરમાં થયો હતો. NSD (નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા)માંથી અભ્યાસ કર્યા બાદ તેણે લંડન એકેડમીમાંથી સંગીત અને ડ્રામેટિક આર્ટનો અભ્યાસ કર્યો હતો.