1 કલાક પેહલા
- કૉપી લિંક
- વર્ષમાં માત્ર એકવાર ખૂલે છે મંદિરના દરવાજા, માત્ર દર્શન કરવાથી વ્યક્તિને કાલસર્પ દોષમાંથી મળે છે મુક્તિ
શ્રાવણ મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની યોગ્ય રીતે પૂજા કરવાથી દરેક પ્રકારનાં દુઃખ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. દેશભરના શિવ મંદિરોમાં ભક્તોનો અવિરત પ્રવાહ રહે છે. આ વર્ષે હિન્દી પંચાંગ પ્રમાણે દેશના કેટલાક ભાગોમાં નાગપંચમીનો તહેવાર 9 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે નાગ દેવતાની પૂજા કરવાની સાથે દૂધ અર્પણ કરવાની પરંપરા છે. તેવી જ રીતે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં નાગ પંચમીના દિવસે લાખો ભક્તો પહોંચે છે. આ મંદિરનું નામ નાગચંદ્રેશ્વર મંદિર છે, જે ઉજ્જૈનમાં આવેલું છે. આ એકમાત્ર એવું મંદિર છે કે જેના દરવાજા માત્ર શ્રાવણ સુદ પાંચમ એટલે નાગ પંચમીના દિવસે જ ખૂલે છે અને તે માત્ર 24 કલાક જ ખુલ્લાં રહે છે. એવું માનવામાં આવે છે કે માત્ર આ મંદિરની મુલાકાત લેવાથી વ્યક્તિ કુંડળીમાં રહેલા કાલસર્પ દોષથી મુક્તિ મેળવે છે. ચાલો જાણીએ આ મંદિર વિશે…
આ મંદિરના દરવાજા વર્ષમાં માત્ર એક જ વાર એટલે કે નાગ પંચમીના દિવસે ખોલવામાં આવે છે. આ મંદિરના દરવાજા રાત્રે 12 વાગે ખોલવામાં આવે છે. બીજા દિવસે, રાત્રે 12 વાગ્યે આરતી કર્યા પછી આ મંદિરના દરવાજા ફરીથી બંધ કરવામાં આવે છે. આ મંદિરમાં સાપનો રાજા તક્ષક પણ રહે છે.
નાગચંદ્રેશ્વર મંદિર ક્યાં આવેલું છે?
શ્રી મહાકાલેશ્વર મંદિરના બીજા માળે આવેલા શ્રી નાગચંદ્રેશ્વર મંદિરના દરવાજા વર્ષમાં એક વખત માત્ર નાગપંચમીના દિવસે જ 24 કલાક ખુલ્લા રહે છે. હિન્દુ ધર્મમાં સદીઓથી સાપની પૂજા કરવાની પરંપરા છે. હિંદુ પરંપરામાં સાપને ભગવાન શિવના આભૂષણ પણ માનવામાં આવે છે. આ મંદિર શ્રી મહાકાલ મંદિરના ગર્ભગૃહની ઉપર સ્થાપિત છે. શ્રી નાગચંદ્રેશ્વર મંદિરમાં 11મી સદીની અદભુત પ્રતિમા સ્થાપિત છે, પ્રતિમામાં શ્રી નાગચંદ્રેશ્વર સ્વયં તેમના સાત ફેણોથી સુશોભિત છે. આ સાથે શિવ અને પાર્વતીના બંને ગણ, નંદી અને સિંહ પણ હાજર છે. આ એકમાત્ર મંદિર છે જ્યાં ભગવાન શિવ તેમના સમગ્ર પરિવાર સાથે સાપના આસન પર બિરાજમાન છે.
નાગચંદ્રેશ્વર મંદિર શા માટે ખાસ છે?
નાગચંદ્રેશ્વર મંદિર ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના બીજા માળે છે. જ્યાં નાગચંદ્રેશ્વર મહાદેવ બિરાજમાન છે. આ એકમાત્ર મંદિર માનવામાં આવે છે જ્યાં ભોલેનાથ ભગવાન શિવ, માતા પાર્વતી અને તેમના સમગ્ર પરિવાર સાથે દસ મુખવાળા સાપના આસન પર બિરાજમાન છે. આખી દુનિયામાં આ એકમાત્ર મંદિર છે, જેમાં ભગવાન વિષ્ણુની જગ્યાએ ભગવાન ભોલેનાથ સાપના આસન પર બિરાજમાન છે. મંદિરમાં સ્થાપિત પ્રાચીન મૂર્તિમાં, ભગવાન શિવ, ભગવાન ગણેશ અને માતા પાર્વતી સાથે આસન પર દસમુખી નાગ બિરાજમાન છે. ભુજંગ શિવ શંભુના ગળા અને હાથની આસપાસ વીંટળાયેલ છે.
મંદિરનો ઇતિહાસઃ આ અદભુત પ્રતિમા નેપાળથી આવી છે
એવું કહેવાય છે કે માળવા સામ્રાજ્યના પરમાર રાજા ભોજે ઈ.સ. 1050માં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ સાથે આ અદભુત મૂર્તિ નેપાળથી લાવવામાં આવી હતી. આ પછી, આ મંદિરનો જીર્ણોદ્ધાર સિંધિયા પરિવારના મહારાજ રાણોજી સિંધિયા દ્વારા 1732 ઈ.સ.માં કરવામાં આવ્યો હતો. આ મૂર્તિમાં ભગવાન શિવ તેમના બે પુત્રો ગણેશજી અને સ્વામી કાર્તિક સાથે બિરાજમાન છે. પ્રતિમાની ટોચ પર સૂર્ય અને ચંદ્ર પણ દર્શાવવામાં આવ્યા છે.
નાગચંદ્રેશ્વર મંદિર વર્ષમાં માત્ર એક જ વાર કેમ ખૂલે છે?
નાગચંદ્રેશ્વર મંદિર નાગપંચમીના દિવસે જ ખૂલે છે. તેની પાછળ એક પૌરાણિક કથા છે. આ પ્રમાણે નાગ રાજા તક્ષકે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. આવી સ્થિતિમાં ભોલે બાબાએ પ્રસન્ન થઈને અમરત્વનું વરદાન આપ્યું. કહેવાય છે કે ત્યારથી તક્ષક રાજા ભગવાન શિવના સાંનિધ્યમાં રહેવા લાગ્યા. પરંતુ ભોલે બાબાને આ પસંદ ન હતું કારણ કે તેમને એકાંતમાં ધ્યાન કરવાનું પસંદ હોય છે. રાજા તક્ષક ભગવાનનો આ ઈરાદો સમજી ગયા અને ભોલે બાબાના એકાંતમાં કોઈ પણ પ્રકારનો ખલેલ ન પહોંચે તે માટે તેઓ વર્ષમાં માત્ર એક જ વાર તેમને મળવા આવવા લાગ્યા. આ કારણે આ મંદિર નાગ પંચમીના દિવસે જ ખોલવામાં આવે છે.
માત્ર દર્શન કરવાથી કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે
એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સર્પદોષ, કાલ સર્પદોષ હોય તો નાગ પંચમીના દિવસે નાગચંદ્રેશ્વર મંદિરમાં જઈને પૂજા કરવી જોઈએ. આમ કરવાથી નાગ દોષ સમાપ્ત થાય છે અને વ્યક્તિને કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે. આ મંદિરનાં દર્શન કર્યા પછી, વ્યક્તિ કોઈપણ પ્રકારના સર્પદોષથી મુક્ત થઈ જાય છે, તેથી આ મંદિરની બહાર ભક્તોની લાંબી કતાર લાગે છે, દરેક વ્યક્તિ નાગરાજ પર બેઠેલા શિવશંભુનાં દર્શન કરવા ઈચ્છે છે. એક જ દિવસમાં બે લાખથી વધુ ભક્તો નાગદેવનાં દર્શન કરે છે. નાગચંદ્રેશ્વર મંદિરની પૂજા અને વ્યવસ્થા મહાનિર્વાણી અખાડાના સાધુઓ દ્વારા કરવામાં આવે છે.
ભગવાનના ગળામાં સાપનો હાર
ભુજંગ ભગવાનના ગળા અને હાથની આસપાસ વીંટળાયેલા છે. એવું માનવામાં આવે છે કે ઉજ્જૈન સિવાય દુનિયામાં ક્યાંય પણ આવી પ્રતિમા નથી. આ પ્રતિમાને જોયા પછી અંદર પ્રવેશતાં જ શ્રી નાગચંદ્રેશ્વરની મુખ્ય પ્રતિમા એટલે કે શિવલિંગ દેખાય છે. નાગપંચમીના દિવસે શ્રી નાગચંદ્રેશ્વર મહાદેવના અવિરત 24 કલાક દર્શન થશે. શુક્રવારની રાત્રે 12 વાગે મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવશે.
ભગવાન શ્રી નાગચંદ્રેશ્વરની ત્રિકાલ પૂજા
નાગપંચમીના તહેવાર પર ભગવાન શ્રી નાગચંદ્રેશ્વરની ત્રિકાલ પૂજા કરવામાં આવે છે. મધ્યરાત્રિએ 12 વાગ્યે દરવાજા ખોલ્યા પછી, મહંત પૂજા કરે છે. ત્યાર બાદ બપોરે 12 વાગ્યે પૂજા થશે. ત્યારબાદ નાગ પંચમીની રાત્રે 12 વાગે અખાડા પૂજા કર્યા બાદ મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે.