11 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુપ્રસિદ્ધ ગાયક કુમાર સાનુએ છેલ્લે 2018ની ફિલ્મ સિમ્બાના ગીત ‘આંખ મારે’માં પોતાનો અવાજ આપ્યો હતો. ત્યારથી ગાયકનું કોઈ ગીત રિલીઝ થયું નથી. હવે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં સિંગરે કહ્યું છે કે તેમને ઈન્ડસ્ટ્રીમાં કોઈ કામ નથી મળી રહ્યું.
હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં સિંગરને પૂછવામાં આવ્યું કે તેમના ગીતો હવે કેમ રિલીઝ થતા નથી. તેમના જવાબમાં કુમાર સાનુએ કહ્યું કે, મારી અત્યાર સુધીની સફર ઘણી સારી રહી છે. ઈન્ડસ્ટ્રીમાં બધા મને માન આપે છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે લોકો અમારા ગીતોને માન આપે છે, પ્રેમ કરે છે અને સાંભળે છે, પરંતુ મને ખબર નથી કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ગીતોમાં મારા અવાજનો ઉપયોગ કેમ નથી કરી રહી.
તેમણે વધુમાં કહ્યું કે, આ પ્રશ્ન મનમાં ઉઠે છે. જ્યારે હું તેમની સામે હોઉં છું, ત્યારે તે મને ઘણો પ્રેમ બતાવે છે, પરંતુ મને ખબર નથી કે તે અસલી છે કે નહીં. ગમે તે હોય, તેઓ ખૂબ માન આપે છે. જો અમે ગાઈ શકીએ તો અમે તમને ગાવા કેમ ન આપીએ? એમના મગજમાં કેમ નથી આવતું? હું શો કરી રહ્યો છું. મારી ફેન ફોલોઈંગ છે. હું જ્યાં પણ જાઉં છું ત્યાં જોઉં છું કે આખો શો વેચાઈ ગયો છે. જાહેર માગ છે. આ વર્ષે પણ હું ઓક્ટોબર, નવેમ્બરમાં મારા શો લાવી રહ્યો છું. ઈન્ડસ્ટ્રીના લોકો સમજે તો સારું, નહીં તો કમનસીબી.
કુમાર સાનુ 90ના દાયકાના સૌથી પ્રખ્યાત ગાયકો પૈકી એક છે. હિન્દી, તમિળ, તેલુગુ, મલયાલમ, બંગાળી, નેપાળી, પંજાબી, ઉડિયા, ઉર્દૂ, ભોજપુરી, ગુજરાતી, કન્નડ જેવી વિવિધ ભાષાઓમાં ગીતોને અવાજ આપનાર કુમાર સાનુને વર્ષ 2009માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.
એક દિવસમાં 28 ગીતો રેકોર્ડ કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ કુમાર સાનુના નામે છે. ગાયકે છેલ્લે ‘દમ લગા કે હઈશા’ના ગીત ‘દર્દ કરારા’ને અવાજ આપ્યો હતો. આ સિવાય તેમણે સિમ્બાના ગીત ‘આંખ માંરે’માં પણ અવાજ આપ્યો છે. ત્યારથી ગાયકનું કોઈ ગીત રિલીઝ થયું નથી.