સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોથા માળે આવેલી હોટલમાંથી રહસ્યમય રીતે નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું. અજાણ્યા શખસ તરીકે આ યુવકનું મોત થયું હતું. પોલીસ પણ આ ઘટનાને લઈને મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસ તેના પરિવારજનો સુધી પહોંચતા જે હકીકત સામે
.
પદ્માવતી કલેક્શનના નામથી સાડીનો વેપાર કરતો હતો
મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનનો 35 વર્ષીય રાકેશ પાંચારામ ચૌધરી મહારાષ્ટ્રના પુણે ખાતે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા-પિતા, પત્ની અને એક છ વર્ષની દીકરી છે. રાકેશે 8 વર્ષ પહેલા પૂજા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. રાકેશ પદ્માવતી કલેક્શનના નામથી કાપડની દુકાન ધરાવતો હતો અને સાડીનો વેપારી હતો. રાકેશનો વેપાર-ધંધો સુરત, કર્ણાટક આ તમામ જગ્યાઓ પર હતો. વેપાર-ધંધાને લઈને તે કર્ણાટક, સુરત, તમિલનાડુ સહિતની જગ્યાઓ પર તે આવતો જતો રહેતો હતો.
4 વેપારીઓ પૂણે એરપોર્ટથી તેને બળજબરીપૂર્વક લઈ ગયા
ગત 6 ઓગસ્ટના રોજ રાકેશ પુણેથી તમિલનાડુના મદુરાઈ જવા માટે ઘરેથી નીકળ્યો હતો. એરપોર્ટ પર તેની ફ્લાઈટ હોવાથી સવારે 11:30 વાગે ઘરેથી એરપોર્ટ જવા રવાના થયો હતો. ત્યારબાદ સાંજે સાડા પાંચ વાગ્યે રાકેશે તેની પત્ની પૂજાને જાણ કરી હતી કે, સુશીલ જોશી, હરીશ, ગૌતમ અને જયેશ એરપોર્ટ જતા સમયે રસ્તામાં મળી ગયા હતા. ત્યારબાદ આ ચારેય જબરદસ્તી મને સુરત લઈને જઈ રહ્યા છે. જેથી, મધુરાઈ જવાનું કેન્સલ કરી દીધું છે.
તું ગમે તેમ 40 લાખની વ્યવસ્થા કરી સુરત આપી જા
એક કલાક બાદ રાકેશે પત્નીને કોલ કરીને જણાવ્યું હતું કે, તેઓ મુંબઈ પહોંચી ગયા છે. ત્યારબાદ પત્નીએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રાકેશનો કોલ લાગ્યો ન હતો. બીજા દિવસે એટલે કે 7 ઓગસ્ટના રોજ સવારે 8:30 વાગ્યે રાકેશને પત્નીએ કોલ કરતા જણાવ્યું હતું કે, હું ઠીક છું અને સુરત પહોંચી ગયો છું. ત્યારબાદ બપોરના ત્રણ વાગ્યા પછી પત્નીને કોલ કરીને જણાવ્યું હતું કે, આ ચારેય લોકો મારી પાસે 40 લાખ રૂપિયા માંગે છે તેઓને 40 લાખ રૂપિયા આપવા પડશે. તું ગમે તેમ કરીને 40 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી સુરત આપી જા.
શેની મેટર છે, શેના 40 લાખ?
રાકેશ ડરામણા અવાજે પત્ની સાથે ફોન પર વાત કરતો હતો. ત્યારબાદ એક કલાક પછી પત્નીએ રાકેશને કોલ કરીને પૂછ્યું હતું કે, કઈ વાતના 40 લાખ, એક દિવસમાં હું 40 લાખ ક્યાંથી લાવું? તમારી પાસે 40 લાખ રૂપિયા કોણ માગે છે? તેની સાથે વાત કરાવવાનું કહેતા જ ચાલુ ફોને હરીશ નામના વ્યક્તિએ વાત કરી હતી. હરીશે જણાવ્યું હતું કે, બેન ચાલીસ લાખ રૂપિયા તો ગમે તેમ કરીને આપવા જ પડશે. જેથી, સામે રાકેશની પત્નીએ જણાવ્યું હતું કે, શેની મેટર છે, શેના 40 લાખ તો હરીશે જણાવ્યું હતું કે, 40 લાખ તો આપવા જ પડશે.
રાકેશને અમે કાંઈ નહીં કરીએ પણ પૈસા આપવા જ પડશે
હરીશે ધમકીના રૂપમાં વાત કરતા રાકેશની પત્ની પૂજાએ કહ્યું હતું કે, તમે ડરાવી ધમકાવીને કેવી રીતે 40 લાખ રૂપિયા માગી શકો? તે મરી જશે તો 40 લાખ રૂપિયા ક્યાંથી આપશે? જેથી હરીશે કહ્યું હતું કે, રાકેશને અમે કાંઈ નહીં કરીએ, તેને બે ટાઈમ ખવડાવી પીવડાવીએ છીએ પરંતુ, 40 લાખ રૂપિયા આપવા જ પડશે. જેથી પૂજાએ કહ્યું હતું કે, થોડો સમય આપો. ત્યારબાદ ફોન કટ કરી નાખ્યો હતો.
40 લાખ નહી તો અડધા પૈસાની પણ વ્યવસ્થા કરીને આપવા પડશે
7 ઓગસ્ટના રોજ રાત્રે 8:30 વાગ્યે પત્નીએ રાકેશને ફોન કરી જણાવ્યું હતું કે, આ લોકોને તમે કહો કે થોડો સમય આપે, 40 લાખ રૂપિયા જમીન-મકાન વેચીશું તો પણ નહીં આવે, 40 લાખ રૂપિયા હું ક્યાંથી લાવું. જેથી રાકેશે જણાવ્યું હતું કે, તું ગમે તે કર પણ આ લોકોને 40 લાખ રૂપિયા આપવા જ પડશે તેમ કહીને ફોન મૂકી દીધો હતો. 8 ઓગસ્ટના રોજ સવારે 10:00 વાગ્યા પછી રાકેશે પત્નીને ફોન કરીને જણાવ્યું હતું કે, 40 લાખ રૂપિયાનું શું થયું? આ લોકો મારી પાસે જબરજસ્તી પૈસા માગે છે અને 40 લાખની વ્યવસ્થા ન થાય તો અડધા પૈસાની વ્યવસ્થા કરીને પણ પૈસા તો આપવા જ પડશે.
આ મારો છેલ્લો કોલ છે, તું પૈસાની વ્યવસ્થા કરી શક તો કરી લે
પતિ રાકેશ ટેન્શનમાં હતો અને આ રીતે વાત કર્યા બાદ ફોન કટ કરી નાખતો હતો. જેથી, પત્ની પણ ટેન્શનમાં આવી ગઈ હતી. આ દરમિયાન ફરી રાકેશે પત્નીને કોલ કરીને જણાવ્યું હતું કે, હું ડીંડોલી પોલીસ સ્ટેશનની બહારથી બોલું છું. આ લોકો મારું કંઈ સાંભળતા નથી અને મને પોલીસ સ્ટેશનની અંદર લઈ જાય છે. તેથી પત્નીએ કહ્યું હતું કે, તમે તે લોકોને સમજાવો કે જેવો ધંધો ચાલુ થશે તેવા તેમના પૈસા આપણે આપી દઈશું. આ વાત થયા બાદ ફોન બંધ કરી દીધો હતો. અડધો કલાક બાદ ફરી રાકેશે પત્નીને કોલ કરીને કહ્યું હતું કે, પૂજા આ મારો છેલ્લો કોલ છે, તું પૈસાની વ્યવસ્થા કરી શકતી હોય તો કરી લે.
સવારે 11 વાગ્યે કોલ આવ્યોને પત્ની બેભાન થઈને ઢળી પડી
પત્નીને રાકેશે છેલ્લો કોલ હોવાનું કહેતા જ ખૂબ જ ટેન્શનમાં આવી ગઈ હતી. પત્ની પૂજાએ અડધા અડધા કલાકે પતિ રાકેશને ફોન ઉપર ફોન કર્યા હતા પણ રાકેશની ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો. ત્યારબાદ પત્નીને 9 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યા આસપાસ પોલીસ દ્વારા રાકેશના મોત અંગે જાણ કરવામાં આવી હતી. પતિના મોતની જાણ થતાં પત્ની પૂજા બેભાન થઈને ઢળી પડી હતી. ત્યારબાદ 10 ઓગસ્ટના રોજ પત્ની સંબંધીઓ સાથે સુરત ખાતે પહોંચી હતી.
આખી ઘટના હોટેલના CCTVમાં કેદ થઈ
7 ઓગસ્ટથી રાકેશને ડિંડોલી વિસ્તારમાં મધુરમ આર્કેડના ચોથા માળે આવેલી હોટલ ડીલાઈટ ઈનના રૂમ નંબર 104માં ગોંધી રાખવામાં આવ્યો હતો. સુશીલ જોશી, હરીશ, ગૌતમ અને જયેશ આ ચાર લોકોએ રાકેશને પુણેથી અપહરણ કરી લાવીને અહીં હોટલમાં ગોંધી રાખી 40 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી રહી હતી. આ રૂપિયાની માગણીથી કંટાળીને રાકેશે 8 ઓગસ્ટના રોજ 5 વાગ્યા આસપાસ હોટલના રૂમના બાથરૂમની બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ ગઈ હતી.
એકની એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી
રાકેશની પત્ની પૂજાએ આ ચારેય સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. આ સાથે જ આરોપીઓએ મૃતક રાકેશની પત્નીના એટીએમ કાર્ડમાંથી 40,000 પણ ઉપાડી લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતક રાકેશની પત્નીની ફરિયાદના આધારે ડીંડોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, રાકેશના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને એકની એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ સાથે જ પરિવારે આધાર સ્તંભ ગુમાવ્યો છે.
48 કલાક બાદ પણ હજુ પોસ્ટમોર્ટમ કરાયું નથી
8 ઓગસ્ટના રોજ રાકેશના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 48 કલાક બાદ પણ હજુ પણ રાકેશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નથી. રાકેશની પત્ની સહિતના પરિવારજનો 10 ઓગસ્ટ સાંજે પહોંચ્યા હતા. જેથી, 11 ઓગસ્ટ રવિવારના રોજ રાકેશના મૃતદેહનું સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવશે. રાકેશ 6 ઓગસ્ટના રોજ ઘરેથી નીકળ્યો હતો અને 11 ઓગસ્ટના રોજ પરિવારને તેનો મૃતદેહ મળશે.