6 મિનિટ પેહલા
- કૉપી લિંક
પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીતનારી મનુ ભાકર ઓક્ટોબરમાં યોજાનારી વર્લ્ડ કપ ફાઈનલમાં પોતાનું નામ પાછી ખેંચી શકે છે. વર્લ્ડ કપની ફાઈનલ 13 થી 18 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીની કરણી સિંહ શૂટિંગ રેન્જમાં યોજાવાની છે.
ન્યૂઝ એજન્સી અનુસાર, મનુના કોચ જસપાલ રાણાએ આ જાણકારી આપી છે. મનુએ ત્રણ મહિના માટે શૂટિંગમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું છે. રાણાએ કહ્યું- ‘મને ખાતરી નથી કે તે ઓક્ટોબરમાં શૂટિંગ વર્લ્ડ કપમાં ભાગ લેશે, કારણ કે તે ત્રણ મહિનાનો બ્રેક લેવા જઈ રહી છે. આ એક સામાન્ય વિરામ છે. તે લાંબા સમયથી તાલીમ લઈ રહી છે. વિરામ પછી, તે 2026 એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ માટે ટ્રેનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે.’
10 મીટર એર પિસ્તોલની 2 ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો
22 વર્ષની મનુ પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા શૂટર બની હતી. પેરિસ ઓલિમ્પિકના બીજા જ દિવસે ભારતીય શૂટર મનુ ભાકરે ભારત માટે બ્રોન્ઝ જીત્યો હતો. તેણે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં 221.7 પોઈન્ટ સાથે મેડલ જીત્યો હતો.
મનુએ અંબાલાના શૂટર સરબજોત સાથે 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ સ્પર્ધામાં તેનો બીજો મેડલ જીત્યો હતો. આ જોડીએ કોરિયન ટીમને 16-10થી હરાવી હતી. એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી મનુ પ્રથમ ભારતીય બની હતી. મનુ મંગળવારે વહેલી સવારે પેરિસથી પરત ફરી હતી.
શૂટિંગના મેડલ વિજેતાઓ પણ શૂટિંગ વર્લ્ડ કપ ફાઈનલમાં ભાગ લેશે
આ વર્ષે યોજાયેલા 6 વર્લ્ડ કપની દરેક ઈવેન્ટમાંથી બેસ્ટ-8 શૂટર્સ, ગયા વર્ષના વર્લ્ડ કપ ફાઇનલમાં વિજેતા અને પેરિસ ઓલિમ્પિક્સમાં મેડલ જીતનારા શૂટર્સ શૂટિંગ વર્લ્ડ કપ ફાઇનલમાં ભાગ લેશે. આ સિવાય યજમાન દેશના બે શૂટર્સને પણ આ ઈવેન્ટમાં તક મળે છે.
પેરિસ ઓલિમ્પિક પહેલા મનુ, જસપાલ રાણા પાસે ટ્રેનિંગ માટે પરત ફરી
પેરિસ ઓલિમ્પિકના થોડા મહિના પહેલા મનુએ તેના કોચ જસપાલ રાણા સાથેના તમામ વિવાદોનો અંત લાવ્યો અને તેમના માર્ગદર્શન હેઠળ તાલીમ લેવાનું નક્કી કર્યું. હકીકતમાં ટોકિયો ઓલિમ્પિક પહેલા મનુનો જસપાલ રાણા સાથે વિવાદ થયો હતો. મનુ સાથેના વિવાદને કારણે નેશનલ રાઈફલ અને શૂટિંગ ફેડરેશને જસપાલ રાણાને કોચિંગમાંથી હટાવી દીધા હતા. મનુએ આરોપ લગાવ્યો કે રાણા ઇચ્છતા ન હતા કે તે ત્રણ ઇવેન્ટમાં ભાગ લે. રાણા ઇચ્છતા હતા કે ચિંકી યાદવ ટોકિયોમાં 25 મીટર એર પિસ્તોલમાં ભાગ લે.
માતા ડોક્ટર બનાવવા માગતી હતી, શિક્ષકે કહ્યું કે ડોક્ટરને કોણ ઓળખશે
મનુની માતા ડો. સુમેધા ભાકર શાળાના આચાર્ય રહી ચૂક્યા છે. તેઓ ઈચ્છતાં હતાં કે તેમની દીકરી ડોક્ટર બને. શાળાના શારીરિક શિક્ષકે મનુને સ્પોર્ટ્સમાં જવા કહ્યું. શિક્ષકે કહ્યું કે ડોક્ટરને કોણ ઓળખશે, જો મનુ દેશ માટે મેડલ જીતશે તો આખી દુનિયા તેને ઓળખશે. ડોક્ટર સુમેધાને શારીરિક શિક્ષકની સલાહ સાચી લાગી. મનુની સ્પોર્ટ્સની યાત્રા અહીંથી શરૂ થઈ હતી.