નવી દિલ્હીઅમુક પળો પેહલા
- કૉપી લિંક
મંકીપોક્સના વિવિધ પ્રકોપમાં મૃત્યુદરમાં ફેરફાર જોવા મળ્યો છે. ઘણી વખત એ 10%થી વધુ રહ્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ બુધવારે Mpox, એટલે કે મંકીપોક્સને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઈમર્જન્સી જાહેર કરી છે. બે વર્ષમાં આ બીજી વખત છે, જ્યારે આ રોગને હેલ્થ ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. કોંગોમાં આ રોગનો પ્રકોપ ફેલાયો છે, જેના કારણે પાડોશી દેશો પણ ઝપેટમાં આવી ગયા છે.
મંકીપોક્સ શીતળા જેવો વાઇરલ રોગ છે. આ વાઇરસના ચેપમાં સામાન્ય રીતે ઘણી આડઅસર થતી નથી, પરંતુ ભાગ્યે જ કિસ્સાઓમાં એ જીવલેણ બની શકે છે. આના કારણે ફ્લૂ જેવાં લક્ષણો દેખાય છે અને શરીર પર પરૂ ભરેલા ફોલ્લા, લાલ ચકતાં પડે છે. આ વાઇરસ ઓર્થોપોક્સ વાઇરસ જીનસ ફેમિલીનો સભ્ય છે, જે શીતળા માટે પણ જવાબદાર છે.
WHO પણ ચિંતિત છે, કારણ કે મંકીપોક્સના વિભિન્ન પ્રકોપમાં મૃત્યુદરમાં તફાવત છે. ઘણી વખત એ 10%થી વધુ થઈ ગયો છે. એ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે એ ચેપી રોગ છે, તેથી WHOએ આ અંગે એલર્ટ જાહેર કર્યુ છે.
આ વાઇરસના ચેપમાં સામાન્ય રીતે ઘણી આડઅસર થતી નથી, પરંતુ ભાગ્યે જ કિસ્સાઓમાં એ જીવલેણ બની શકે છે.
આફ્રિકામાં અત્યારસુધીમાં મંકીપોક્સના 17,000થી વધુ કેસ નોંધાયા છે
આફ્રિકા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (Africa CDC) અનુસાર, આ વર્ષે અત્યારસુધીમાં આફ્રિકન ખંડમાં મંકીપોક્સના 17,000થી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે, જ્યારે 517 મૃત્યુ નોંધાયા છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ આ વર્ષે કેસોમાં 160%નો વધારો થયો છે. કુલ મળીને 13 દેશોમાં મંકીપોક્સના કેસ નોંધાયા છે.
આ વાઇરસ સામાન્ય સંપર્ક દ્વારા ફેલાય છે
કોંગોમાં આ રોગ ફાટી નીકળવાની શરૂઆત ક્લેડ Iના નામે ઓળખાતા રોગના ફેલાવાથી થઈ હતી, પરંતુ એક નવો સ્ટ્રેન ક્લેડ-Ib સામે આવ્યો છે, જે સામાન્ય સંપર્ક દ્વારા ઝડપી ફેલાય છે. આમાં જાતીય સંપર્કનો પણ સમાવેશ થાય છે. એ કોંગોના પાડોશી દેશો, જેમ કે બુરુન્ડી, કેન્યા, રવાન્ડા અને યુગાન્ડામાં ફેલાયો છે, જેના કારણે WHOને આ કાર્યવાહી કરવી પડી.
WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમ ગેબ્રેયસે કહ્યું હતું કે એ સ્પષ્ટ છે કે આ રોગના ફેલાવાને રોકવા અને જીવન બચાવવા માટે વિશ્વએ સાથે મળીને કામ કરવું પડશે. આ અઠવાડિયાની શરૂઆતમાં આફ્રિકાની ટોચની જાહેર આરોગ્ય સંસ્થાએ આફ્રિકામાં મંકીપોક્સના રોગના કારણે ઈમર્જન્સી જાહેર કરી છે, સાથે જ ચેતવણી પણ આપી છે કે આ વાઈરલ ઈન્ફેક્શન ભયજનક દરે ફેલાઈ રહ્યું છે.
મંકીપોક્સનાં લક્ષણો શું છે?
- કોઈ વ્યક્તિ વાઇરસના સંપર્કમાં આવ્યા પછી લક્ષણો દેખાવામાં ઘણા દિવસો અથવા થોડાં અઠવાડિયાં લાગી શકે છે.
- એનાં લક્ષણો સામાન્ય રીતે એક્સપોઝરના 3થી 17 દિવસ પછી દેખાવા લાગે છે. જ્યારે કોઈ વ્યક્તિ વાઇરસના સંપર્કમાં આવે છે અને જ્યારે લક્ષણો દેખાવાનું શરૂ થાય છે એ વચ્ચેનો સમય ઇન્ક્યુબેશન પિરિયડ કહેવાય છે.
- મંકીપોક્સનાં લક્ષણો સામાન્ય રીતે 2થી 4 અઠવાડિયાં સુધી રહે છે.
- મંકીપોક્સનું સૌથી પહેલું લક્ષણ તાવ છે. પછી તાવની શરૂઆતના લગભગ 1થી 4 દિવસ પછી, ત્વચા પર ફોલ્લીઓ દેખાવા લાગે છે.
- આમાં દેખાતી ફોલ્લીઓ ઘણીવાર ચહેરા પર પહેલા દેખાય છે. આ પછી એ હાથ અથવા પગ પર દેખાય છે અને પછી શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે.
- જોકે 2022માં શરૂ થયેલા પ્રકોપના કિસ્સામાં ફોલ્લીઓ ઘણીવાર જનનાંગની આસપાસમાં શરૂ થાય છે. કેટલાક લોકોની ફોલ્લીઓ મોં કે ગળામાંથી શરૂ થઈ રહી હતી.
- મંકીપોક્સ ફોલ્લીઓ ઘણા તબક્કાઓમાંથી પસાર થાય છે. શરૂઆતમાં નીકળતા દાણાઓ ફોલ્લીઓમાં ફેરવાય છે. પછી આ ફોલ્લીઓ પરૂથી ભરાઈ જાય છે. પછી સ્કેબ્સ 2થી 4 અઠવાડિયાના સમયગાળામાં બને છે અને સુકાઈ જાય છે.
- આ ફોલ્લીઓ મોં, ચહેરો, હાથ, પગ, લિંગ, યોનિ અથવા ગુદા પર ગમે ત્યાં થઈ શકે છે. કેટલીકવાર એ ગળામાં પણ થાય છે.
- મંકીપોક્સનાં લક્ષણો દેખાવાનું શરૂ થાય ત્યારથી તમારી ફોલ્લીઓ મટે ત્યાં સુધી, ચેપગ્રસ્ત વ્યક્તિ એને ફેલાવી શકે છે. આ ઉપરાંત એ લક્ષણો દેખાય એ પહેલાં જ ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ફેલાઈ શકે છે.
દરેક ચેપગ્રસ્ત વ્યક્તિ માટે લક્ષણો જુદાં-જુદાં હોઈ શકે છે
- મંકીપોક્સવાળી દરેક વ્યક્તિમાં બધાં લક્ષણો નથી દેખાતાં. સામાન્ય રીતે ચેપગ્રસ્ત લોકો આવાં લક્ષણોમાંથી પસાર થાય છે.
- ત્વચા પર માત્ર ફોલ્લીઓ દેખાય છે, અન્ય કોઈ લક્ષણો દેખાતાં નથી. કેટલીકવાર કેટલાંક લક્ષણો મોડાં દેખાય છે.
- આમાં, ફ્લૂ જેવાં લક્ષણો દેખાય છે, પછી ફોલ્લીઓ થાય છે. કેટલાક લોકોને મંકીપોક્સનો ચેપ હોવા છતાં કોઈ ફોલ્લીઓ થતી નથી.
- કેટલાક લોકોમાં ફોલ્લીઓ ખૂબ જ હોઈ શકે છે, એટલે કે આખા શરીરમાં ફેલાય છે અને ખૂબ મોટા કદની ફોલ્લીઓ હોય છે. જ્યારે કેટલાક લોકોમાં માત્ર થોડી ગાંઠો અથવા ફોલ્લાઓ દેખાય છે.
- કેટલાક લોકોને મંકીપોક્સ ચેપ હોવા છતાં એની જાણ હોતી નથી. આવું એટલા માટે થાય છે, કારણ કે કેટલાક લોકોમાં એનાં લક્ષણો દેખાતાં નથી. એ હજુ પણ શક્ય છે કે ચેપગ્રસ્ત લોકો નજીકના સંપર્ક દ્વારા એને અન્ય લોકોમાં ફેલાવી શકે છે.
મંકીપોક્સ કોને અસર કરે છે?
આ વાઇરસ કોઈપણ વ્યક્તિને અસર કરી શકે છે. જોકે આફ્રિકામાં મોટા ભાગના કિસ્સાઓમાં, 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો સૌથી વધુ ભોગ બન્યાં હતાં. આનું એક કારણ એ પણ હોઈ શકે છે કે મોટા ભાગના પુખ્ત વયના લોકોએ શીતળાની રસી લીધી હતી, જે મંકીપોક્સમાં અસરકારક હતી. જ્યારે આ બાળકોને આપી શકાતી નથી.
આફ્રિકાની બહાર, સમલૈગિંકોમાં આ રોગના કેસ વધુ જોવા મળે છે. જોકે વાઇરસ એવા લોકોમાં પણ ફેલાય છે, જેઓ બાયસેક્સ્યૂઅલ અથવા સમલૈગિંક ન હતા.
મંકીપોક્સની સારવાર શું છે?
- સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, હાલમાં મંકીપોક્સ ચેપ માટે કોઈ ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી. જોકે કેટલીક દવાઓની મદદથી એના ફેલાવાને નિયંત્રિત કરી શકાય છે.
- કેટલીક દવાઓ પહેલેથી જ બજારમાં ઉપલબ્ધ છે, જે મંકીપોક્સની સારવારમાં ઉપયોગ માટે માન્ય છે અને એ રોગ સામે ઘણી હદ સુધી અસરકારક છે.
- એની સારવારમાં સામાન્ય રીતે સિડોફોવિર, ST-246 અને વેક્સિનિયા ઇમ્યુનોગ્લોબ્યુલિનનો ઉપયોગ થાય છે.
શું મંકીપોક્સથી બચવાનો કોઈ રસ્તો છે?
ઘણી રસીઓ આપણને મંકીપોક્સના પ્રકોપથી બચાવી શકે છે. કેટલીક રસીઓ આ માટે જ તૈયાર કરવામાં આવી છે, જ્યારે કેટલીક રસી શીતળા માટે તૈયાર કરવામાં આવી હતી, જે એને રોકવામાં અસરકારક છે.
- મંકીપોક્સને રોકવા માટે JYNNEOSTM રસી પણ બજારમાં ઉપલબ્ધ છે, જે ઇમ્યૂન અથવા ઇમવેનેક્સના નામથી મળી શકે છે.
- આફ્રિકામાં એનો મોટા પાયે ઉપયોગ થાય છે. એના ડેટા દર્શાવે છે કે આ રસી મંકીપોક્સને રોકવામાં 85% સુધી અસરકારક છે.
- શીતળાની રસી, ACAM2000, પણ એને રોકવામાં ખૂબ અસરકારક સાબિત થઈ છે.
- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર, શીતળા સામે આપવામાં આવેલી રસી લોકોની રોગપ્રતિકારક શક્તિ તેમને મંકીપોક્સ વાઇરસથી બચાવવામાં ઘણી હદ સુધી અસરકારક છે.
- સમસ્યા એ છે કે શીતળાનો ચેપ બંધ થવાને કારણે લગભગ 40 વર્ષ પહેલાં ઘણા દેશોમાં એની સામે રસીકરણ બંધ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં અહીંના લોકો એની અસરમાં આવી શકે છે.