પત્ની નોકરી પર જાય તો નોકરી કરવાની ના કહી અવારનવાર ઝઘડાઓ કરતા પતિએ પત્ની અને તેની દાદી સાસુને માર માર્યો હતો. આ સમગ્ર મામલે પત્નીએ પતિ સામે પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
.
પતિએ પત્ની અને દાદી સાસુને માર માર્યો
સુરતમાં પતિએ તેની પત્ની અને દાદી સાસુમાંને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. પત્ની તેની દાદી સાથે રિક્ષામાં ગોગા ચોક ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહી હતી. આ દરમિયાન તેનો પતિ હિતેષ બાલુભાઈ પરમાર ત્યાં પહોંચ્યો હતો અને ચાલુ રિક્ષામાં ચડી મહિલા પાસેની છત્રી ખેંચી લઈ પત્નીને માર માર્યો હતો. જોકે, મહિલાના દાદી તેને બચાવવા વચ્ચે પડતા દાદીને પણ છત્રીથી માર માર્યો હતો. રિક્ષા ઉભી રહેતા મહિલા ભાગવા લાગી હતી અને ત્યાં હાજર લોકો એકઠાં થઇ ગયા હતા. પતિએ તેની પત્નીને ધમકી આપી ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનામાં મહિલાને ઈજાઓ થઇ હતી. જ્યારે તેના દાદીને ડાબા હાથની આંગળી ઉપર ફ્રેકચર થયું હતું અને જમણી આંખ ઉપર બે ટાંકા લેવા પડ્યા હતા.
પત્નીને નોકરી કરવાની ના કહી ઝઘડો કરતો હતો
મહિલાના જણાવ્યા મુજબ તેનો પતિ હાલ કોઈ કામધંધો કરતો નથી અને મહિલા નોકરી પર જાય તો નોકરી કરવાની ના કહી અવાર નવાર ઝઘડાઓ કરતો હતો. જેથી મહિલા તેના પિયરમાં રહેવા આવી ગયી હતી. હાલ આ સમગ્ર મામલો પાલ પોલીસ મથકે પહોંચ્યો છે, જેમાં પાલ પોલીસે મહિલાની ફરિયાદના આધારે સગરામપુરા વિસ્તારમાં રહેતા તેના પતિ હિતેષ બાલુભાઈ પરમાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.