અમારા ઈ ટાઈમસર ઓફિસ પહોંચી શકે એટલે હું સુરજ ઉગે એ પહેલાં ઉઠી જાવ, એને મોજ પડી જાય એટલે એને ભાવતું ટિફિન રોજ બનાવું, એના માથે ટેન્શન ન આવે એટલે બાળકો સાથે હું જ માથાકૂટ કરી લવ, પરિવારને ચલાવવાનો ભાર એમના એકલા માથે ન રહે એટલે નવરાશે કામ પણ કરી લવ…આ સ્
.
મોંઘી લિપણ આર્ટિસ્ટ હોય છે. જીવનમાં છેતરાયાનું અને લાગણી દુભાયાનું જે પૂર આવ્યું’તું, તેનાથી ઉગરવા મોંઘીને કળા રૂપી તણખલું મળી ગ્યું. જીવનમાં મળેલા આ ઊંડા ઘામાંથી તે આ કળાના સહારે થોડી ઘણી બહાર આવી. હવે બધું અહીં નહીં કવ ફિલ્મ જ જોઈ લેજો.
કચ્છ એક્સપ્રેસ ફિલ્મ અત્યારે સમાચારમાં છવાયેલી છે. બે દિવસ પહેલાં 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત થઈ અને તેમાં આ ફિલ્મને ત્રણ -ત્રણ નેશનલ એવોર્ડ મળ્યા.
કચ્છ એક્સપ્રેસ ફિલ્મનું પોસ્ટર
‘કચ્છ એક્સપ્રેસ’ને (સામાજિક-પર્યાવરણિય મૂલ્યોને ઉજાગર કરતી કેટેગરીમાં) શ્રેષ્ઠ ફીચર ફિલ્મ, માનસી પારેખ ગોહિલને શ્રેષ્ઠ અભિનેત્રી અને નિક્કી જોશીને શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનરની કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે.strong>. આ સાંભળીને કોઈ પણ ગુજરાતીને ગર્વ થાય. એમાં કોઈ બે મત નથી.આ ફિલ્મ અને તેની મેકિંગ વિશે વધુ જાણવાની પણ ઈચ્છા થાય એ પણ સ્વભાવિક છે.
કચ્છ એક્સપ્રેસ ફિલ્મનાં પ્રોડ્યુસર અને જેમને ‘બેસ્ટ એક્ટ્રેસ’નો નેશનલ એવોર્ડ મળ્યો છે એવાં માનસી પારેખને મળવા અમે પહોંચ્યાં. અમેં પહોંચ્યા ત્યારે તે એક ફિલ્મનું શૂટ કરી રહ્યાં હતાં. આ વચ્ચે બ્રેક દરમિયાન અમે વેનિટી વાનમાં માનસી પારેખ સાથે ખાસ વાતચીત કરી.
ઝમકુડી સોંગના કોસ્ચ્યુમમાં માનસી પારેખ
‘જ્યારે નેશનલ એવોર્ડ મળે ત્યારે દેશ-દુનિયાની નજર ઈન્ડસ્ટ્રી તરફ જાય’
પોતાની ફિલ્મને ત્રણ નેશનલ એવોર્ડ મળવા બદલ માનસી પારેખ કહે છે કે, આ અમારા માટે, ગુજરાત માટે અને આ ઈન્ડસ્ટ્રી માટે પણ ખૂબ ગર્વની વાત છે. જ્યારે કોઈ એક રિજનલ ફિલ્મને નેશનલ એવોર્ડ મળે ત્યારે આખા દેશની નજર એ ઈન્ડસ્ટ્રી તરફ જાય છે. સાઉથની ફિલ્મોને નેશનલ એવોર્ડ્સ મળ્યા પછી તે કોમર્શિયલી પણ સુપર ડુપર હીટ જઈ રહી છે. ગુજરાતમાં પણ આપણે ખૂબ સારી ફિલ્મો બનાવીએ છીએ. કચ્છ એક્સપ્રેસને એકસાથે ત્રણ નેશનલ એવોર્ડ મળતાં એક એક્ટ્રેસ અને પ્રોડ્યુસર તરીકે પણ હું ખૂબ ગર્વની લાગણી અનુભવું છું.
‘કચ્છ એક્સપ્રેસ એ મોંઘીના જીવનમાં બદલાવની સ્ટોરી છે’
કચ્છ એકસપ્રેસ એક મોંઘી નામની સ્ત્રીની વાર્તા છે. તે સ્ત્રી કચ્છના એક નાનકડા ગામમાં રહેતી હોય છે. તે સ્ત્રીને અચાનક ખબર પડે છે કે 20 વર્ષથી જે લગ્નજીવનને તે બધું જ માનીને જીવી રહી છે. તે લગ્ન જીવન જ ખોટા ફાઉન્ડેશન પર છે. તેના પતિને તો કોઈ બીજી સ્ત્રી સાથે પ્રેમ હોય છે.મોંઘી સાથે રહેવાનો તો તે માત્ર ઢોંગ કરતો હોય છે. આ વાતની ખબર પડ્યા પછી મોંઘીના જીવનમાં શું ફેરફાર આવે છે. કચ્છ એક્સપ્રેસ એ બદલાવની સ્ટોરી છે. આ ફિલ્મમાં મોંઘીના સાસુનો રોલ રત્ના પાઠક શાહે કર્યો છે. આ ફિલ્મમાં અમે તેને લિંપણ આર્ટિસ્ટ તરીકે પણ દર્શાવ્યાં છે. ધીરે ધીરે તેને સમજાય છે કે પોતાના આર્ટની મદદથી તેને પોતાની વાત રજૂ કરવાની પૂરેપૂરી તક મળે છે અને સ્વતંત્રતા મળે છે. અમે કચ્છ એક્સપ્રેસની મદદથી એ પણ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે તમારા મેં જે કોઈ કળા હોય તેને જીવનભર સાચવીને રાખવી જોઈએ. તેની સાથે જીવવું જોઈએ. તે ખૂબ મદદરૂપ સાબિત થાય છે. આજકાલ આપણે આપણી વ્યસ્તતાની વચ્ચે આપણી અંદર છૂપાયેલી કળાને ખીલવતા નથી પરંતુ તે કરવું ખુબ જરૂરી છે.
મોંઘી જેવી સ્ત્રી આજે પણ સંસારમાં છે તેનું ઉદાહરણ અમે અમેરિકામાં જોયું
હા સમાજમાં આજે પણ અનેક મોંઘીઓ જીવે છે. આપણને એમ લાગે કે ખાલી નાનકડા ગામડાંમાં કે પ્રદેશમાં આવું થતું હશે પરંતુ શહેરોમાં અને વિદેશમાં પણ આવી મોંઘીઓ જીવે છે. માનસી પારેખ કહે છે, તમને એક સત્યઘટના જણાવું. અમે અમેરિકા ગયા હતાં. ત્યાંના એક મોટા શહેરમાં અમને મોંઘી જેવું જ કેરેક્ટર મળ્યું. ત્યાંના એક મોટા ઘરમાં આવી જ એક સ્ત્રી હતી જે અનેક રીતે સક્ષમ હતી તેની પાસે પણ ભરપૂર કળા હતી પરંતુ તેને ક્યારેય કોઈ તક નહોતી મળી. તેના જીવનમાં પણ મોંઘીના જીવન જેવી ઘટનાઓ બની હતી. તેણે અમારી સામે જ્યારે કચ્છ એક્સપ્રેસનું ટ્રેલર જોયું ત્યારે તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી. આ દૃશ્ય જોયું પછી અમને લાગ્યું કે આ કોઈ ગામડાં કે શહેરની નહીં પરંતુ યુનિવર્સલ સ્ટોરી છે.
‘બુલેટને ક્યાં ખબર છે કે એ સ્ત્રી ચલાવે છે કે પુરૂષ ચલાવે છે’
કચ્છ એક્સપ્રેસમાં એક સીન આવે છે જ્યાં હું (માનસી પારેખ) બુલેટ ચલાવવાની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે ધર્મેન્દ્ર ગોહિલ (ફિલ્મમાં પતિનો રોલ કર્યો છે) કહે છે કે આ તમારું કામ નહીં. ત્યારે મારા સાસુનો રોલ કરી રહેલા રત્ના પાઠકે આ વાત સાંભળી અને તેમણે કહ્યું કે બુલેટને થોડી ખબર હોય કે તેને ભાઈ ચલાવે છે કે બાઈ ચલાવે છે. આ પ્રસંગને લઈ સાસુ વહુના સંબંધ વિશે વાત કરતાં માનસી જણાવે છે કે, આજે પણ અનેક ઘરોમાં સાસુ અને વહુ વચ્ચે આટલા સારા સંબંધો છે પરંતુ આપણે સિરિયલોમાં હમેંશા સાસુ-વહુને સામસામે જોઈ છે. હકિકતમાં આવું નથી હોતું. મેં ઘણા સાસું-વહુના મા દીકરી જેવા સંબંધો જોયા છે. મારા જ સાસુનું ઉદાહરણ લઈએ તો તેઓ હંમેશા મારા સપોર્ટમાં હોય છે. હું કોઈ પણ વાતચીત તેમની સાથે બિંદાસ રીતે કરી શકું છું. અમારે ફિલ્મમાં પણ એ જ દર્શાવવું હતું કે સાસુ અને વહુ બેસ્ટ ફ્રેન્ડ્સ બની શકે છે.
લંડનના ગ્લોબ થિયેટરની એ ઘટનાએ ફિલ્મ બનાવતી કરી દીધી
હું પહેલેથી સિંગર જ બનવા ઈચ્છતી હતી અને સિંગર તો હું છું જ. ક્યારે એક્ટ્રેસ બની ગઈ મને પણ ખબર ન રહી. જાણે કે કુદરતે જ મારા માટે બધું પ્લાન કર્યું હોય તેમ હું એક્ટ્રેસ તરીકે કામ કરવા લાગી. અને પ્લાન કર્યા વગર એક્ટ્રેસ તરીકે શરૂઆત કરી હતી. તો પણ નેશનલ એવોર્ડ મળ્યા પછી મને લાગી રહ્યું છે કે કુદરત પણ કંઈક આવું જ ઈચ્છી રહી છે. પ્રોડ્યુસર હું એટલે બની કે ગુજરાતીમાં મેં એક નાટક કર્યું હતું અને તે ગ્લોબ થિયેટર લંડનમાં આંતરરાષ્ટ્રીય લેવલે ભજવવામાં આવ્યું હતું. તે ખૂબ વખણાયું અને તેને જોવા પુષ્કળ પ્રમાણમાં ગુજરાતીઓ આવેલા એ દૃશ્ય જોઈને મને લાગ્યું કે લંડનમાં આટલા બધા ગુજરાતીઓ છે. એ નાટક એટલું હિટ ગયું કે બીજા વર્ષે અમને ફરીવાર ગ્લોબ થિયેટરમાં બોલાવવમાં આવ્યા અને ત્યાં બીજીવાર જનાર અમે પહેલા પ્રોડ્કશન હાઉસ હતાં. આ ઘટના પછી લાગ્યું કે આપણી માતૃભાષામાં કામ કરવાની ખૂબ મજા પડે છે. તે પછી મેં ગુજરાતીમાં જ કામ કરવાનું વિચાર્યું. હું પહેલાં હિન્દી સિરિયલ્સ કરતી હતી. તે મેં મૂકી દીધી. અમે અમારું જ પ્રોડ્કશન હાઉસ શરૂ કરવાની વિચાર્યું કારણ કે હું અને પાર્થિવ પહેલેથી જ આ ઈન્ડસ્ટ્રીમાં છીએ અમારા સારા કોન્ટેક્ટ્સ છે અને અમને કામ કરવાની ધગસ પણ છે તો પોતાનું જ પ્રોડક્શન હાઉસ કેમ નહીં? આ રીતે પ્રોડ્યુસર તરીકેની અમારી જર્નીની શરૂઆત થઈ.
‘અત્યાર સુધી ત્રણ ફિલ્મ બનાવી, ત્રણેય સુપર હીટ ગઈ છે’
અમે સૌથી પહેલાં ગોળકેરી નામની ફિલ્મ બનાવી જેમાં મલ્હાર ઠાકર લીડ રોલમાં છે. તે ફિલ્મને ખૂબ પ્રેમ મળ્યો અને કોમર્શિયલી પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. આ પછી અમે બીજી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ બનાવી જેને હાલમાં જ ત્રણ નેશનલ એવોર્ડ્સ મળ્યા. આ પછી અમે ત્રીજી ફિલ્મ ઝમકૂડી બનાવી હતી. જે હાલમાં જ રિલિઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર સુપર ડુપર 25 કરોડની કમાણી કરી. આમ અત્યાર સુધી બનાવેલી અમારી ત્રણેય ફિલ્મ ખૂબ હિટ ગઈ છે. આ જોઈને અમને લાગી રહ્યું છે કે અમે સાચા રસ્તે ચાલી રહ્યાં છીએ.
માનસી અને પાર્થિવની નિર્માતા તરીકેની પહેલી ફિલ્મ ‘ગોળકેરી’નું પોસ્ટર
સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા, ઈનામ ન મળ્યું હમસફર મળી ગયો
હું સ્કૂલમાં હતી ત્યારે ભાવનગરનો એક છોકરો સોનુ નિગમના સારે ગામા… શોમાં સેમી ફાઈનલ સુધી પહોંચી ગયો. તેની ચારે-કોર ચર્ચા હતી. એ વખતે મેં તેનું નામ સાંભળેલું અને તેના વિશેની વાતો સાંભળેલી. આ ઘટનાના થોડા વર્ષો પછી તે સારે..ગામા… ગુજરાતી હોસ્ટ કરી રહ્યો હતો અને હું તેમાં ભાગ લેવા સ્પર્ધક તરીકે ગઈ હતી. આ દરમિયાન અમારી વાતચીત થઈ હતી. આમ પણ પાર્થિવ ખૂબ સ્વીટ છે એટલે તેની જોડે વાતચીત કરવાની ખૂબ મજા પડે છે. થોડા સમય પછી પાર્થિવ ગોહિલની મુંબઈના નહેરુંમાં કોન્સર્ટ હતી. હું ત્યાં ગઈ હતી. તે સમયે નવા નવા મોબાઈલ ફોન આવ્યા હતા. હું પણ તે કોન્સર્ટમાં ગઈ હતી. કોન્સર્ટ પત્યા પછી પાર્થિવ ગોહિલનો ફોન આવ્યો કે રેડ ડ્રેસમાં તું ખૂબ સરસ લાગતી હતી. આ પછી અમારા બન્નેની વાતો શરૂ થઈ. આ પછી તો અમે અનેક સિંગિગ શો સાથે કર્યા અને ધીરે ધીરે પ્રેમ થઈ ગયો. પ્રેમ થયાના થોડા સમય પછી અમે લગ્ન કરવાનું નક્કી કર્યું
પતિ પાર્થિવ ગોહિલ સાથે માનસી પારેખ
‘તીણો અવાજ અને પીચ હાઈ હોય તો જ સારા સિંગર બની શકાય એવું મનાય છે’
હું ચાર વર્ષની હતી ત્યારથી જ સિંગર બનવાનું વિચારી લીધું હતું. મારા નાની તે વખતે મ્યુઝિક શીખી રહ્યા હતા. મારા નાની સાઉથ ઈન્ડિયન હતા પરંતુ તેમના લગ્ન ગુજરાતી પરિવારમાં થયા હતાં. તે કોંકણી, તમિલ, તેલુગુ અને બેંગોલી એમ ચાર ભાષામાં ગીતો ગાતા હતાં. તેઓ મ્યુઝિક શીખતા ત્યારે હું પણ બાજુમાં બેસતી હતી. હું પણ તેમને જોઈને ગીતો ગાતી હતી આ જોઈને નાનીના ટીચરે તેમને કહ્યું કે આ છોકરીનો સૂર તો ખૂબ સારો છે. તેને ચોક્કસ સંગીત શીખવું જોઈએ. ત્યારથી સિંગર તરીકેની શરૂઆત થઈ. મે ટ્રેનિંગ લીધી અને પછી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે દેશભરમાં અનેક સ્ટેજ શો કર્યા. મેં વિશારદ સુધીની તાલીમ લીધી. છતાં પણ મેં ઘણી સ્ટ્રગલ કરી છે. ભારતમાં એવું મનાય છે કે જો તમારો અવાજ તીણો અને હાઈ પીચ હોય તો જ તમે સારા સિંગર છો એવું મનાય છે. પરંતુ મારો અવાજ થોડો થીક અને લૉ પીચ છે એટલે એવું થયા કરતું હતું કે હું કેમ હાઈ પીચ પર નથી ગાઈ શકતી? આ વાતને લઈ શરૂઆતના વર્ષોંમાં ખૂબ સ્ટ્રગલ રહી. જો કે, હવે મને સારી રીતે એ સમજાયું કે તમારી રેન્જમાં પણ જો તમે સારું ગાવ તો પણ તમે સારા સિંગર બની શકો અને તમારો યુનિક અવાજ લોકોને પિરસી શકો. જો કે, હવે મારા અનેક ગીત પોપ્યુલર થયા છે. હાલમાં જ વાત કરીએ તો રાજા અને રાણી, ઝમકુડી અને કચ્છડો યાદ કરીએ જેવા ગીતો સાભળીને લોકોએ ખૂબ મજા કરી છે.
‘માતા-પિતા મારામાં પડેલી છૂપી આવડતને જોઈ શક્યા’
મારો જન્મ મુંબઈમાં જ થયો છે.હું મારા માતા-પિતા સાથે વડાલીમાં રહેતી હતી. મારું બાળપણ ત્યાં જ વિત્યું છે.મારા પિતા જ્વેલરીનો બિઝનેસ કરે છે અને મારા મમ્મીએ ટ્યુશન ટીચર છે. જ્યારે નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે મે મમ્મીને મેસેજ કરીને કીધું કે આ એવોર્ડ તમારા અને પપ્પાના કારણે મળ્યો છે. કારણ કે, બાળકમાં કોઈક આવડત હોય તેને પારખવી એ પણ મોટી બાબત છે. કારણ કે ઘણી વાર બાળકો ભણવા સીવાય કંઈક કરતા હોય ત્યારે માં-બાપ તેમને ટોકતા હોય છે. હું ભણવામાં પણ ખૂબ સારી હતી પરંતુ સિંગર તરીકે મારા રહેલી ખૂબીને તેમને ઓળખી અને મને એ ક્ષેત્રમાં આગળ વધવા દીધી. જ્યારે મેં એક્ટ્રેસ તરીકે કામ શરૂ કરવાની વાત કહી ત્યારે પણ કોઈ આનાકાની કર્યા વગર તેમણે મને હા પાડી દીધી. એટલે અત્યારે હું જ્યાં છું એ એમના સપોર્ટને લીધે છે. લગ્ન પછી પાર્થિવે પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે.
‘મોટા-મોટા પ્રોડ્યુસરે કહ્યું હતું કે ફિમેલ ઓરિયન્ટેડ સ્ક્રિપટ છે, કચ્છ એક્સપ્રેસ નહીં ચાલે’
માનસી પારેખ કહે છે કે ગુજરાતી સિનેમા એ ખૂબ યંગ ઈન્ડસ્ટ્રી છે. અભિષેક જૈનની ફિલ્મ (હેલ્લારો) જોઈ લો. છેલ્લાં 10 વર્ષથી આપણે ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છીએ. મને એવું લાગે છે કે લોકોને નવી-નવી સ્ટોરીઝમાં ખૂબ રસ છે. અમે જ્યારે કચ્છ એક્સપ્રેસ બનાવી રહ્યા હતા ત્યારે મોટા-મોટા પ્રોડ્યુસરે એમ કીધું હતું કે ફિમેલ ઓરિયન્ટેડ સ્ક્રિપ્ટ બિલકુલ નહીં ચાલે.લોકોને આવું નથી જોવું. લોકોને ફેમેલી ડ્રામા અને કોમેડી પીરસવું જોઈએ. પણ તમે જોયું ને એમની વાત ખોટી પડી. લોકો હવે ખૂબ કન્ટેન્ટ જોઈ રહ્યા છે. તેમને નવી સ્ટોરી જોવામાં રસ છે. તેમને જો તમે કંઈક અલગ સેન્સિબલ અને એન્ટરટેઈનિંગ બતાવશો તે જોશે, અને સારી રીતે વધાવશે. મને એવું લાગે છે કે હવે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સુવર્ણ યુગ આવવાનો છે. જેમાં અનેક નવા ડિરેક્ટર્સ અને રાઈટર્સ પણ આવશે અને લોકોને નવી સ્ટોરી અને કેરેક્ટર્સ જોવા મળશે.
‘ઝમકુડી’ પછી હવે કંઈક આવું આવશે
મારો આગામી પ્રોજેક્ટનું હું હાલ શૂટ કરી રહી છું. એ પ્રોજેક્ટનું જે શૂટિંગ ચાલી રહ્યું છે ત્યાં જ વેનિટી વાનમાં બેઠાં છીએ. આ ફિલ્મનું નામ ‘મિસરી’ છે. જેના પ્રોડ્યુસર સંજયભાઈ સોની અહીંયા જ છે. સંજયભાઈ સાથે એક્ટર અને સિંગર પણ છે. આ ફિલ્મમાં રોનક કામદાર, હિતુ કનોડિયા,ટીકુ તલસાણીયા અને પ્રિન્સી સોની સહિતના કલાકારો કામ કરી રહ્યા છીએ. આ ફિલ્મની સ્ટોરી ખૂબ અનોખી છે. ગુજરાતમાં આવો સબ્જેક્ટ પહેલીવાર આવ્યો છે. હું હમેંશા એ જ ફિલ્મોમાં કામ કરવાનું પસંદ કરું છું જેમાં કંઈક નવું છે
માનસી પારેખ અને પાર્થિવ ગોહિલના સપનાંની ગુજરાતી ફિલ્મ
મારા અને પાર્થિવનું એક સપનું છે કે અમારે એક પિરિયોડિકલી ફિલ્મ બતાવવી છે. જે ગુજરાતના ઈતિહાસમાં બનેલી ઘટનાઓ અંગે વાત કરે. કારણે ગુજરાતના ઈતિહાસમાં અનેક મોટી ઘટનાઓ બની ચૂકી છે જે વિશે ઓછી ચર્ચાઓ થાય છે. આ વિષયને લઈને અમારી પાસે બે-ત્રણ આઈડિયા પણ છે. જેમાં આપણી સંસ્કૃતિ, ભાષા અને મ્યુઝિકની વાત કરશે. મારી એવી ઈચ્છા છે કે આ ફિલ્મ જાયન્ટ બજેટની ફિલ્મ હશે. અત્યારે એવું છે કે ગુજરાતી ફિલ્મ બે કે અઢી કરોડની જ બનાવવી પડે તો જ પૈસા રિકવર થઈ શકે. પરંતુ હું ઈચ્છું છું કે એવું ભવિષ્યના નહીં હોય અને અમારા સપનાંની આ ફિલ્મ અમે આંતરરાષ્ટ્રીય સ્તરે તેને રિલિઝ કરીશું
છેલ્લે પોતાની વાત પૂરી કરતાં માનસી પારેખે જણાવ્યું કે ઓડિયન્સને હવે ખબર પડી છે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે. આ વર્ષે ગુજરાતી ફિલ્મ ફેસ્ટીવલ ઓસ્ટ્રેલિયામાં યોજાયો હવે તે કેનેડામાં યોજાવાનો છે. દુનિયાભરના ગુજરાતીઓ જાગૃત થઈ રહ્યા છે. સારું કન્ટેન્ટ બની રહ્યું છે અને લોકો જોઈ રહ્યા છે. ગુજરાતીઓ જેટલો પ્રેમ કલાકારોને આપે છે અને સંગીતને આપે છે એટલો જ પ્રેમ ફિલ્મને આપતા થઈ જશે ત્યારે ગુજરાતી ફિલ્મો આંતરરાષ્ટ્રીય સ્તરે છવાઈ જશે તેમાં કોઈ બે મત નથી.