બેંગલુરુ49 મિનિટ પેહલા
- કૉપી લિંક
કર્ણાટકના રાજ્યપાલે 17 ઓગસ્ટે સિદ્ધારમૈયા સામે કાર્યવાહી કરવા અંગે નોટિસ જારી કરી હતી.
કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા દ્વારા રાજ્યપાલ થાવરચંદ ગેહલોત વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર આજે (19 ઓગસ્ટ) હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે કહ્યું- જ્યાં સુધી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યાં સુધી ટ્રાયલ કોર્ટે MUDA કેસમાં સિદ્ધારમૈયા વિરુદ્ધ કાર્યવાહી ન કરે. આગામી સુનાવણી 21 ઓગસ્ટે થશે.
રાજ્યપાલે 17 ઓગસ્ટે સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. તેમના પર મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA)ની જમીનના વળતર માટે નકલી દસ્તાવેજો સબમિટ કરવાનો આરોપ છે.
સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું- રાજ્યપાલે વિચાર્યા વિના અને બંધારણીય નિયમોની વિરુદ્ધ આદેશ આપ્યો છે. મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં મેં કંઈ ખોટું કર્યું નથી. ભાજપને વિરોધ કરવા દો, હું નિષ્કલંક છું.
MUDA કૌભાંડમાં સીએમ સિદ્ધારમૈયા, તેમની પત્ની, સાળા અને કેટલાક અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક્ટિવિસ્ટ ટી.જે. અબ્રાહમ, પ્રદીપ અને સ્નેહમયી ક્રિષ્નાનો આરોપ છે કે મુખ્યમંત્રીએ MUDA અધિકારીઓ સાથે મળીને નકલી દસ્તાવેજો સબમિટ કરીને મોંઘી સાઇટ હસ્તગત કરી હતી.
ભાજપનો સીએમ અને કોંગ્રેસનો રાજ્યપાલ સામે વિરોધ

કોંગ્રેસના કાર્યકરો રાજ્યપાલના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

મુડા કૌભાંડ મામલે ભાજપ વિરોધ પ્રદર્શન કરી રહી છે અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના રાજીનામાની માગ કરી રહી છે.
કર્ણાટકમાં આજે સોમવારે ભાજપ અને કોંગ્રેસ બંને મુડા કૌભાંડનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તાઓ સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાના રાજ્યપાલના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. તે જ સમયે, ભાજપ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના રાજીનામાની માગ સાથે વિરોધ કરી રહ્યું છે.
ભાજપે કહ્યું- સિદ્ધારમૈયા રાજીનામું આપે
કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા આર અશોકે કહ્યું- અમે સીએમ સિદ્ધારમૈયાના રાજીનામાની માંગ કરી રહ્યા છીએ. તેઓએ ગરીબ લોકોને લૂંટ્યા છે. કર્ણાટક સરકાર કોંગ્રેસ હાઈકમાન્ડ માટે એટીએમ છે. બીજેપી નેતા સીટી રવિએ કહ્યું કે સિદ્ધારમૈયા પર ભ્રષ્ટાચારનો આરોપ છે. સૌ જાણે છે કે MUDA કૌભાંડ થયું છે. રાજ્યપાલે બંધારણ મુજબ તપાસના આદેશ આપ્યા છે.
કોંગ્રેસે કહ્યું- સિદ્ધારમૈયા સરકારને તોડી પાડવાનું ષડયંત્ર
કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું- મુડા કૌભાંડ એ સિદ્ધારમૈયા સરકારને તોડી પાડવાનું બીજેપી અને જેડીએસનું ષડયંત્ર છે. તેઓ મુખ્યમંત્રીની છબી ખરાબ કરવા માંગે છે. કોંગ્રેસ આ મુદ્દે કાયદાકીય અને રાજકીય રીતે લડશે.
MUDA કેસ શું છે
વર્ષ 1992માં શહેરી વિકાસ સંસ્થા મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) એ રહેણાંક વિસ્તાર તરીકે વિકસાવવા માટે ખેડૂતો પાસેથી કેટલીક જમીન લીધી. બદલામાં MUDAની પ્રોત્સાહક 50:50 યોજના હેઠળ સંપાદિત જમીન માલિકોને વિકસિત જમીનમાં 50% સાઇટ અથવા એક વૈકલ્પિક સાઇટ આપવામાં આવી હતી.
1992માં MUDAએ આ જમીનને ડિનોટિફાઈડ કરી ખેતીની જમીનથી અલગ કર્યું હતું. 1998માં MUDA એ સંપાદિત જમીનનો એક ભાગ ડિનોટિફાઇડ કરી પરત કરી દીધો. એટલે કે ફરી એકવાર આ જમીન ખેતીની જમીન બની ગઈ.

કર્ણાટક રાજ્યપાલ સચિવાલય દ્વારા સિદ્ધારમૈયા સામે કાર્યવાહી કરવા 17 ઓગસ્ટે નોટિસ જારી કરવામાં આવી હતી.
સિદ્ધારમૈયાની પત્નીની 3 એકર જમીન સાથે જોડાયેલું છે MUDA કૌભાંડ
હકીકતમાં, સિદ્ધારમૈયાની પત્ની પાર્વતી પાસે મૈસુર જિલ્લાના કેસારે ગામમાં 3 એકર અને 16 ગુંટા જમીન હતી. આ જમીન પાર્વતીના ભાઈ મલ્લિકાર્જુનને 2010માં ભેટમાં આપી હતી. MUDAએ આ જમીન સંપાદિત કર્યા વિના જ દેવનૂર સ્ટેજ 3 લેઆઉટ વિકસાવ્યો હતો.
જો કે, આ જમીનના બદલામાં 2022માં બસવરાજ બોમાઈ સરકારે દક્ષિણ મૈસુરના પોશ વિસ્તારમાં પાર્વતીને 14 સાઇટ્સ આપી હતી. 50:50 રેશિયો સ્કીમ હેઠળ તેમનો કુલ વિસ્તાર 38,283 ચોરસ ફૂટ હતો.
સિદ્ધારમૈયા પર શું છે આરોપ?
- સિદ્ધારમૈયાની પત્નીને MUDA તરફથી વળતર તરીકે જે વિજયનગરમાં પ્લોટ મળ્યો હતો તેની કિંમત કેસારે ગામમાં આવેલી તેમની જમીન કરતાં ઘણી વધારે છે.
- સ્નેહમયી કૃષ્ણાએ સિદ્ધારમૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આમાં તેમણે સિદ્ધારમૈયા પર MUDA સાઇટને પારિવારિક સંપત્તિ તરીકે દાવો કરવા માટે બનાવટી દસ્તાવેજો બનાવવાનો આરોપ મૂક્યો છે.
- 1998થી 2023 સુધી સિદ્ધારમૈયા કર્ણાટકમાં ડેપ્યુટી સીએમ અથવા સીએમ જેવા પ્રભાવશાળી હોદ્દા પર હતા. આ કૌભાંડમાં તે સીધા સંડોવાયેલા ન હોવા છતાં, તેમણે પોતાની શક્તિનો ઉપયોગ તેમના નજીકના લોકોને મદદ કરવા માટે કર્યો હતો.
- સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીના ભાઈ મલ્લિકાર્જુને 2004માં 3 એકર ડિનોટિફાઈડ જમીન ગેરકાયદેસર રીતે ખરીદી હતી. 2004-05માં સિદ્ધારમૈયા કર્ણાટકમાં કોંગ્રેસ-JDS ગઠબંધન સરકારમાં ડેપ્યુટી સીએમ હતા.
- યોજના હેઠળ, જે જમીન માલિકોની જમીન MUDA દ્વારા સંપાદિત કરવામાં આવી છે. તેમને વળતર તરીકે ઊંચા મૂલ્યની વૈકલ્પિક જગ્યાઓ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત રિયલ એસ્ટેટ એજન્ટોને પણ આ યોજના હેઠળ જમીન આપવામાં આવી છે.
- જમીન ફાળવણી કૌભાંડનો ખુલાસો એક RTI કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં 50:50 સ્કીમ હેઠળ 6,000થી વધુ સાઇટ્સ ફાળવવામાં આવી છે.
- ભાજપના સાંસદ અને પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે આ 3 હજારથી 4 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ છે. આમાં સિદ્ધારમૈયાનો પરિવાર સામેલ છે. કોંગ્રેસ આ અંગે મૌન સેવી રહી છે. રાજ્યપાલનો આભાર કે જેમણે તપાસના આદેશ આપ્યા છે.