16 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજકાલ યુટ્યુબર્સ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર તેમના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે નવી યુક્તિઓ અપનાવે છે. કેટલાક ડાન્સ કરીને ચાહકોનું દિલ જીતે છે તો કેટલાક ફની રીલ્સ બનાવીને લોકોનું ધ્યાન ખેંચે છે. તે જ સમયે, કેટલાક લોકો એવા છે જેઓ તેમની કલાત્મકતા બતાવવા માટે એવા કામ કરે છે, જેમાં તેમને જેલ પણ થાય છે. હૈદરાબાદના પ્રખ્યાત યુટ્યુબર પાવર હર્ષ ઉર્ફે મહાદેવે આવું જ એક પરાક્રમ કર્યું. હકીકતમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં પાવર હર્ષ નામનો યુવક રસ્તા પર હવામાં નોટોના બંડલ ઉડાડતો જોવા મળે છે. જો કે હવે તેનો આ શોખ તેના પર ભારે પડી રહ્યો છે. વીડિયો વાઇરલ થયા બાદ લોકો યુવક પર ગુસ્સો ઠાલવી રહ્યા છે. લોકોએ યુટ્યુબર સામે કડક કાર્યવાહીની પણ માગ કરી છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ
તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો હૈદરાબાદના કુકટપલ્લી વિસ્તારનો છે, જ્યાં યુટ્યુબર અને ઈન્સ્ટાગ્રામર પાવર હર્ષ ચાલતો ટ્રાફિક રોડ પર ચલણી નોટો ઉડાવતો જોવા મળે છે. યુટ્યુબર્સ રસ્તા પર નોટો ઉડાડતાની સાથે જ ત્યાં ટ્રાફિક થંભી જાય છે. સ્થિતિ એવી છે કે લોકો બાઇક અને ઓટો રિક્ષામાંથી નીચે ઉતરીને હવામાં ઉડતી નોટો પકડવા લાગે છે. દરમિયાન રસ્તા પર ભીડ જોવા મળે છે, જેના કારણે ટ્રાફિક જામ થાય છે. સાથે જ અકસ્માત થવાની ગંભીરતા પણ દેખાય છે.
યુટ્યુબર સામે કડક કાર્યવાહીની માગ
વાઇરલ થયેલા વીડિયોમાં જોવામાં આવ્યું હતું કે, યુટ્યુબર એક વ્યક્તિની બાઇકની પાછળ બેઠો હતો. આ પછી, તે ચાલતા વાહનમાંથી નોટોને હવામાં ફેંકી દે છે, જેને લૂંટવા માટે ભીડ રસ્તા પર દોડવા લાગે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થતાં જ લોકોએ પોતાની નારાજગી દર્શાવવાનું શરૂ કરી દીધું હતું. સોશિયલ મીડિયા પર પબ્લિસિટી મેળવવા માટે આવો સ્ટંટ કરવા બદલ લોકો આ યુવકની ટીકા કરી રહ્યા છે. એટલું જ નહીં, તેમણે યુટ્યુબર સામે કડક કાર્યવાહીની પણ માગ કરી છે.
ઈનામનું વચન આપ્યું
આ સ્ટંટ સાથે યુવકે તેના ફેન્સને તેની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા. તેણે લોકોને ઈનામ આપવાનું વચન આપ્યું હતું અને કહ્યું હતું કે, જે કોઈ હવામાં ફેંકવામાં આવેલી નોટો વિશે સાચું અનુમાન લગાવશે તેને ઈનામ મળશે. તેણે ચાહકોને તેની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે પણ વિનંતી કરી અને કહ્યું કે તમે લોકો પણ મારી જેમ ઘણા પૈસા કમાઈ શકો છો. જોકે હાલમાં વાઇરલ થયેલા વીડિયો સામે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.