13 મિનિટ પેહલા
- કૉપી લિંક
મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. ઘણી મલયાલમ અભિનેત્રીઓ અને કલાકારોએ પીઢ કલાકારો પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. આ મામલાની તપાસ માટે હેમા કમિટીની રચના કરવામાં આવી છે, જે બાદ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા આવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. સમિતિની રચના કર્યા પછી, મલયાલમ અભિનેત્રી મીનુ મુનીરે હવે વરિષ્ઠ કલાકારો દ્વારા શાબ્દિક અને શારીરિક શોષણની ઘટનાનો ખુલાસો કર્યો છે.
અભિનેત્રી મીનુ મુનીરે તેના ફેસબુક પેજ પર તેનું શોષણ કરનારા કલાકારોની તસવીરો અને નામ પોસ્ટ કરતા લખ્યું છે કે, હું મારી સાથે થયેલી શાબ્દિક અને શારીરિક શોષણની ઘટનાઓને પ્રકાશિત કરવા માટે આ લખી રહી છું, જેમાં અભિનેતા મુકેશ, મનિયન પિલ્લુ રાજુ, ઇડાવેલા બાબુ, જયાસૂર્યા, એડવોકેટ ચંદ્રશેખરન, પ્રોડક્શન કંટ્રોલર નોવેલ અને વિચુ સામેલ છે. 2013માં એક પ્રોજેક્ટ પર કામ કરતી વખતે આ લોકોએ મારી સાથે શાબ્દિક અને શારીરિક શોષણ કર્યું હતું. મેં કોર્પોરેટમાં જવાનો અને સતત કામ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પછી તે સહન કરવા માટે ખૂબ જ વધી ગયું. ત્યાર બાદ મને મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને ચેન્નાઈ શિફ્ટ થવાની ફરજ પડી હતી.
અભિનેત્રીએ આગળ લખ્યું કે, મેં એક લેખમાં આ શોષણ સામે મારો અવાજ ઉઠાવ્યો હતો, જેનું શીર્ષક હતું ‘મીનુ લેફ્ટ મલયાલમ ઈન્ડસ્ટ્રી ફોર અનેબલ ટુ કોર્પોરેટ એન્ડ એડજસ્ટમેન્ટ’. હું હવે મારા પર થયેલા દુર્વ્યવહાર અને મને જે આઘાત સહન કરવો પડ્યો છે તેના માટે ન્યાયની માંગ કરું છું. હું તમને આ લોકોની જઘન્ય ક્રિયાઓ સામે લડવામાં મદદ માટે અપીલ કરું છું.
મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી કેમ વિવાદમાં છે?
છેલ્લા ઘણા સમયથી પ્રાદેશિક સિનેમાને લગતી ઘણી એવી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં મહિલા કલાકારોએ ખુલાસો કર્યો છે કે ઘણા મોટા ફિલ્મ નિર્માતાઓએ તેમને ફિલ્મોમાં કામ આપવાના બદલામાં તેમની પાસેથી વાંધાજનક માંગણી કરી છે. કેટલીક મહિલા કલાકારોએ કહ્યું છે કે શૂટિંગ દરમિયાન તેમનું યૌન શોષણ થયું હતું. વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, 2019 માં નિવૃત્ત જસ્ટિસ હેમાની અધ્યક્ષતામાં 3 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી, જે આવા કેસોની નજીકથી દેખરેખ રાખી રહી હતી. 19 ઓગસ્ટના રોજ, સમિતિની રચનાના લગભગ 4 વર્ષ પછી, હેમા સમિતિએ કેરળ સરકારને 233 પાનાનો અહેવાલ સોંપ્યો, જેમાં તે ઘણા મોટા કલાકારો દ્વારા શોષણની વાત સામે આવી. રિપોર્ટ્સ આવતા જ ઘણી અભિનેત્રીઓ તેમની સાથે થયેલા શોષણનો ખુલાસો કરી રહી છે.
હેમા કમિટિ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને પોતાનો રિપોર્ટ સોંપી રહી છે.
તાજેતરમાં, મલયાલમ અભિનેત્રી સોનિયા મલ્હારે ખુલાસો કર્યો હતો કે 2013 માં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન એક અભિનેતાએ તેના પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. અભિનેત્રી ગીતા વિજયન અને શ્રીદેવિકાએ પણ નિર્દેશક તુલસીદાસ પર ફિલ્મના શૂટિંગ દરમિયાન જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તે જ સમયે, એક જુનિયર કલાકારે સિનિયર બાબુરાજ પર એવો પણ આરોપ લગાવ્યો છે કે વર્ષ 2019માં બાબુરાજે તેને ઘરે બોલાવીને બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. દિગ્ગજ મલયાલી અભિનેતા સિદ્દીકી પર પણ એક અભિનેત્રી દ્વારા બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે, જે પછી તેણે AMMA (મલયાલમ મૂવી કલાકારોના સંગઠન)ના મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું છે. અભિનેતા બાબુરાજ પણ આ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી છે.