ન્યૂયોર્ક19 મિનિટ પેહલા
- કૉપી લિંક
રોહન બોપન્ના અને ઈન્ડોનેશિયાના એલ્ડિલા સુતજિયાદીએ ક્રેજિકોવા અને એબ્ડેનને હરાવ્યા હતા.
ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્ના અને તેની ઇન્ડોનેશિયન પાર્ટનર અલ્દિલા સુતજિયાદી યુએસ ઓપન 2024ની મિક્સ્ડ ડબલ્સ કેટેગરીની સેમિફાઈનલમાં પ્રવેશી ચૂક્યા છે. આ જોડીએ એક કલાક અને 33 મિનિટ સુધી ચાલેલી મેચમાં ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેન અને ચેક રિપબ્લિકની બાર્બોરા ક્રેજિકોવાને 7-6, 2-6, 10-7થી હરાવ્યા હતા.
ન્યૂયોર્કમાં ચાલી રહેલા વર્ષના છેલ્લા ગ્રાન્ડ સ્લેમની મેન્સ સિંગલ્સમાં ઈટાલિયન ખેલાડી જેનિક સિનરે અમેરિકાના ટોમી પોલને 7-6, 7-6, 6-1થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડી મીનૌરે તેના જ દેશના જોર્ડન થોમ્પસનને 6-0, 3-6, 6-3, 7-5થી હરાવીને ટૉપ-8માં સ્થાન મેળવ્યું હતું. મહિલા સિંગલ્સમાં ટોચની ક્રમાંકિત ઇગા સ્વાઇટેકે રશિયાની લુડમિલા સેમસોનોવાને 6-4, 6-1થી અને બ્રાઝિલની બીટ્રિઝ હદ્દાદ માયાએ ડેનમાર્કની કેરોલિન વોઝનિયાકીને 6-2, 3-6, 6-3થી હરાવી હતી.
બોપન્ના અને સુતજિયાદીની જોડીએ પ્રથમ સેટમાં 0-3થી પાછળ રહીને પરત ફરી હતી.
સેમિફાઈનલમાં અમેરિકન જોડી સાથે સ્પર્ધા
44 વર્ષીય બોપન્ના અને 29 વર્ષીય સુતજિયાડી સેમિફાઈનલમાં અમેરિકાના ટેલર ટાઉનસેન્ડ અને ડોનાલ્ડ યંગ સામે ટકરાશે, જેમણે ક્વાર્ટર ફાઈનલમાં ફિનલેન્ડના હેરી હેલીઓવારા અને કઝાકિસ્તાનની અન્ના ડેનિલિનાને 6-7 (3-7), 6-3, 10-8થી હરાવ્યાં હતાં.
સિનરનો સામનો પાંચમા ક્રમાંકિત મેદવેદેવ સાથે થશે
ટોચનો ક્રમાંકિત જાનિક સિનર યુએસ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે. ધીમી શરૂઆત બાદ, સિનરે પ્રથમ બે સેટના અંતે ટાઈબ્રેકરમાં 14 નંબરના ટોમી પોલને 7-6, 7-6, 6-1થી હરાવ્યો હતો. ક્વાર્ટર ફાઈનલમાં તેનો મુકાબલો પાંચમાં ક્રમાંકિત ડેનિલ મેદવેદેવ સામે થશે.
સિનરે 2 સેટમાં ટ્રાયબ્રેકર રમવું પડ્યું હતું.
સ્વિટેકે સીધા સેટમાં મેચ જીતી લીધી હતી
ટોચની ક્રમાંકિત અને વિશ્વની નંબર-1 ઇગા સ્વાઇટેકે મહિલા સિંગલ્સની ટોપ-8માં જગ્યા બનાવી છે. તેનો સામનો અમેરિકાની છઠ્ઠી ક્રમાંકિત જેસિકા પેગુલા સામે થશે.
પોલિશ સ્ટાર સ્વાઇટેક પ્રથમ સેટમાં રશિયાની સેમસોનોવા સાથે 4-4થી બરાબરી પર રહી હતી, ત્યારબાદ સતત 7 ગેમ જીતીને વિજય પર મહોર મારી હતી. અહીં જેસિકા પેગુલાએ રશિયાની ડાયના સ્નાઈડર પર 6-4, 6-2થી જીત મેળવી હતી. પેગુલા સાતમી વખત ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે.