આંખનાં નંબર આવે નજીકનું જોવામાં કે વાંચવામાં થોડી તકલીફ પડે એટલે અડધો કે એક નંબરવાળા ચશ્મા પહેરવા પડે. ખાસ કરીને બેતાલા આવે ત્યારે નજીકનું જોવામાં સમસ્યા થાય, પણ ચશ્મા ન પહેરવા હોય તો? ચશ્મા વગર જોવું કે વાંચવું હોય તો? આ શક્ય નથી પણ તેનું ઓપ્શન માર્
.
સવાલ : આંખના નવાં ટીપાં આવી રહ્યાં છે તે શું છે?
જવાબ : જેમને બેતાલાં આવ્યાં હોય અથવા 40ની ઉંમર પછી તરત નંબર આવ્યા હોય ને ચશ્મા ન પહેરવા હોય તેવા લોકો આ ટીપાં નાખી શકે.
સવાલ : કઈ ઉંમરના લોકો ટીપાં નાખી શકે?
જવાબ : 40થી 55 વર્ષની ઉંમરના લોકો આ ટીપાં નાખી શકે.
સવાલ : ક્યારથી બજારમાં મળશે?
જવાબ : આવતા મહિને ઓક્ટોબરથી. લગભગ દિવાળી આસપાસથી મળતા થઈ જશે.
સવાલ : ટીપાંનો ભાવ શું હશે?
જવાબ : 350 રૂપિયા
સવાલ : આ ટીપાં દિવસમાં કેટલીવાર નાખવાનાં?
જવાબ : દિવસમાં એકવાર કે બે વાર, ડૉક્ટરની સલાહ મુજબ.
સવાલ : ટીપાં કેટલાં નાખવાનાં?
જવાબ : બંને આંખમાં એક-એક ટીપું જ નાખવાનું.
સવાલ : આ ટીપાંની અસર કેટલીવારમાં શરૂ થાય?
જવાબ : ટીપાં નાખ્યાની 15 મિનિટમાં.
સવાલ : કેટલા કલાક અસર રહે?
જવાબ : 6 કલાક
સવાલ : 6 કલાકથી વધારે સમય સુધી અસર રાખવી હોય તો?
જવાબ : પહેલીવાર એક ટીપું નાખ્યું હોય તેની અસર ઓસર્યા પછી બીજું ટીપું નાખવાનું.
સવાલ : બીજું ટીપું નાખ્યા પછી કેટલી કલાક અસર રહે?
જવાબ : પછી બીજી 3 કલાક સુધી અસર રહે છે. કુલ 9 કલાક અસર રહે.
સવાલ : ટીપાં રોજ નાખવાનાં?
જવાબ : જ્યારે જરૂર હોય ત્યારે જ નાખવાનાં. ડૉક્ટરની સલાહ મુજબ.
સવાલ : ટીપાંની કોઈ આડઅસર થઈ શકે?
જવાબ : હા. આંખ લાલ થવી અથવા માથું દુ:ખવું, તેવી આડઅસર થઈ શકે.
સવાલ : ટીપાં ચાલુ હોય ત્યારે ખાસ શું ધ્યાન રાખવાનું?
જવાબ : દર બે મહિને આંખના ડૉક્ટરને બતાવી દેવાનું.
આ તો થયા બેઝિક સવાલો અને તેના જવાબો. હવે એ જાણીએ કે આ ટીપાંમાં એવું તે શું છે કે, ચશ્મા પહેરવાની જરૂર રહેતી નથી? આ પ્રકારના પહેલાં ટીપાં છે કે, અગાઉ પણ આવાં ટીપાં હતાં? આ સવાલોના જવાબ જાણવા માટે અમે અમદાવાદના આંખના બે વરિષ્ઠ ડૉક્ટર ડૉ. રશ્મિન પટેલ અને ડૉ. હિતેશ રામાનુજ સાથે વાતચીત કરી. બંને એક્સપર્ટ ડૉક્ટર્સે વિસ્તારથી આ ટીપાં અને તેની અસરની સમજણ આપી.
ટીપાંથી નંબર ઉતરતા નથી, પણ ટેમ્પરરી ઈફેક્ટ થાય છે
અમદાવાદના આંખના સિનિયર સર્જન ડૉ. રશ્મિન પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવા આંખના ટીપાંને જે મંજૂરી મળી છે તે પાઈલોકાર્પિનવાળી ડ્રગ છે. તેને માયોટિન ડ્રગ કહેવાય. આંખની કીકી (પૂતળી) હોય તેને સંકોચે. કીકી સંકોચાય એટલે આંખનો ક્રિસ્ટલાઈન લેન્સ એટલે આંખમાં નેત્રમણિ હોય તે ફૂલે એટલે વ્યક્તિ સ્પષ્ટ જોઈ શકે. આ ડ્રગ અમેરિકામાં ઘણા સમયથી વપરાય છે પણ ત્યાં રેગ્યુલર કોઈ વાપરતું નથી. હવે ભારતની કંપનીએ જે ટીપાં બનાવ્યાં છે તેને હવે મંજૂરી મળી છે. એટલે અમેરિકામાં જે આ પ્રકારના આંખના ટીપાં મળે છે તેવાં જ ટીપાં ભારતની કંપનીએ બનાવ્યાં છે. આ ટીપાંમાં એવું છે કે, એક ટીપું નાખો તો છ કલાક સુધી સ્પષ્ટ દેખાય. છ કલાક પછી ફરી એક ટીપું નાખો તો ત્રણ કલાક વધારે દેખાય. આખા દિવસમાં બે વાર યુઝ કરી શકાય અને પેશન્ટ 9 કલાક માટે જોઈ શકે. આનાથી નંબર ઉતરી જાય એવું નથી. ટેમ્પરરી ઈફેક્ટ થાય.
નોંધી રાખો, આ સાઈડ ઈફેક્ટ થઈ શકે
ડૉ. રશ્મિન પટેલ કહે છે, આ ટીપાંમાં જે ડ્રગ છે તેની આડઅસર પણ ઘણા લોકોમાં થઈ શકે છે. જેમ કે, આંખ લાલ થઈ જવી, કીકી સંકોચાય એટલે માથામાં દુ:ખાવો થઈ શકે. એનાથી ય આગળ વાત કરું તો લાંબો સમય આ ટીપાં નાખવાથી આંખની પૂતળી (કીકી) સંકોચાયેલી જ રહે. પછી પહોળી ન થઈ શકે. એટલે ક્યારેક કોઈ ઓપરેશન કરવાનું થાય, મોતિયો ઉતારવાનો હોય, આંખનું નિદાન કરવાનું હોય ત્યારે કીકી પહોળી કરવામાં તકલીફ પડે. જરૂર પડે ત્યારે કીકી પહોળી પણ ન થાય. આ ટીપાં આવ્યાં છે તે જામર માટે લાંબા સમયથી વપરાતાં હતા. એમાં કંપનીએ દવામાં પાઈલોકાર્પિન હાઈડ્રોક્લોરાઈડની માત્રા (કોન્સન્ટ્રેશન) વધારીને ટીપાં લોન્ચ કર્યાં છે. જામરમાં કોન્સન્ટ્રેશન 1 ટકો હતું. આ નવાં ટીપાંમાં કોન્સન્ટ્રેશન વધારીને 1.25 ટકા કરવામાં આવ્યું છે. આ ટીપાંની સૌથી વધારે અસર 40થી 55 વર્ષની વય સુધીનામાં વધારે થાય. એટલે 42થી 55 સુધીની ઉંમરના જ લોકોને વધારે આપી શકાય. કંપનીએ હજી અમુક ડેટા ડિક્લેર નથી કર્યા. માનો કે 40ની ઉંમર હોય તો પ્લસ વનનો નંબર હોય અને 45ની ઉંમર હોય તો દોઢ નંબર હોય, 55ની ઉંમર હોય તો નજીકનો અઢી નંબર હોય. આ ટીપાંથી કેટલો નંબર ન્યૂટ્રલ થાય તે કેમ કહી શકાય? એ રેગ્યુલર લાઈફમાં ટીપાં યુઝ થવા લાગે પછી જ ખબર પડે.
ટીપાં નાખ્યા પછી ઓછી લાઈટમાં ન દેખાય!
માનો કે કોઈને 6થી 9 કલાક વિઝન લેવું છે અને ટીપાં નાખે છે તો રાત્રે ચોખ્ખું દેખાય? સાંજે ટીપાં નાખી શકાય કે સવારે જ નાખવાનાં? જવાબમાં ડૉ. રશ્મિન પટેલ કહે છે, માનો કે પ્રકાશ ઓછો હોય ને કેમેરાથી ફોટો પાડો તો ફ્લેશ એકદમ બ્રાઈટ થાય છે અને શટર વધારે ખુલે છે, અને પ્રકાશ વધારે હોય તો શટર ઓછું ખુલે છે ને ફોટો પડી જાય છે. આંખની કીકીનું કામ કેમેરા જેવું જ છે. જો તમે તડકામાં જાવ તો કીકી સંકોચાઈ જાય ને અંધારામાં જાવ તો કીકી (પૂતળી) પહોળી થાય. તમે પાઈલોકાર્પિનનાં ટીપાં નાખ્યા હોય તો કીકી પહોળી થવાની શક્યતા ઓછી થઈ જાય, એટલે ટીપાં નાખેલી વ્યક્તિ અંધારામાં જાય તો તેને જોવામાં તકલીફ પડવાની જ છે કારણ કે ટીપાં નાખ્યા પછી કીકી સંકોચાયેલી હોય. આ ટીપાં નાખવાથી ઓછી લાઈટમાં પેશન્ટને ન દેખાય. એટલે ડૉક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ જ આ ટીપાંનો ઉપયોગ કરવાનો. મેળે લઈને નાખવાનાં નહીં. ટીપાં નાખવાનાં ચાલુ હોય ત્યારે દર બે મહિને આંખના ડૉક્ટરને બતાવવું.
‘આ ટીપાં નાખવાથી કીકી સાંકડી થાય…’
અમદાવાદના મણિનગર વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા સિનિયર આઈ કન્સલટન્ટ ડૉ. હિતેશ રામાનુજે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ આઈડ્રોપ આમ તો પાઈલોકાર્પિન ડ્રોપ કહેવાય. જામરની સમસ્યા માટે પાઈલોકાર્પિન વપરાતું હતું. આપણે જેને પ્યુપીલ કહીએ છીએ એટલે વચ્ચેની કીકી હોય તે પ્રકાશમાં સાંકડી થતી હોય છે અને અંધારું હોય ત્યારે પહોળી થતી હોય છે, એટલે પ્રકાશમાંથી અંધારામાં જઈએ તો થોડીવાર કાંઈ દેખાય નહીં. કારણ કે તેને નાની થતાં વાર લાગે. એ જ્યારે સાંકડી થાય ત્યારે નજીકનું વાંચે ને જુએ. જ્યારે તે પહોળી થાય ત્યારે સ્પષ્ટ જુએ ને વાંચે. જ્યારે તે નાની થતી હોય ત્યારે એકોમોડેશનરી ઈફેક્ટ કરે. ઘણાને 45થી 50 વર્ષ સુધી નજીકની ચશ્માની જરૂર જ નથી પડતી, કારણ કે તેનું એકોમોડેશન પાવરફૂલ હોય. આંખના મસલ્સ પાવરફૂલ હોય. આ આઈડ્રોપ્સ પ્યુપીલ (કીકી)ને સાંકડી કરે એટલે લોઅર પ્રેસ્બાયોપીયા (દ્રષ્ટિ) પર અસર કરે. માનો કે તમને 42 વર્ષ થયા છે ને અડધો, પોણો કે એક નંબરની જરૂર પડે છે તો ત્યારે આ ડ્રોપ યુઝ કરી શકાય. જેથી ચશ્મા પહેરવાની જરૂર ન રહે. પણ આ ડ્રોપ જ્યારે અમારા હાથમાં આવશે અને વાપરશું એ પછી પ્રેક્ટિકલી ખબર પડશે. સામાન્ય રીતે એની સાઈડ ઈફેક્ટમાં એવું થઈ શકે કે, કોઈને માથાનો દુ:ખાવો થઈ શકે અને બીજા કોઈને અન્ય સમસ્યા થઈ શકે. પણ કઈ સાઈડ ઈફેક્ટ, ક્યાં થાય છે તે ટીપાં વાપર્યા પછી જ વધારે જાણી શકાશે. હા, ઉંમર વધારે હોય. માનો કે 60 વર્ષ કે તેનાથી વધારે હોય તો આ ટીપાં એટલી બધી અસર કરી શકે તેવું લાગતું નથી.
ભારતના લોકોની કીકી ડાર્ક બ્રાઉન હોય એટલે ટીપાંની માત્રામાં પણ ફેર પડે
ડૉ. હિતેશ રામાનુજ વાત આગળ વધારતાં કહે છે, આ પ્રકારની દવા પહેલાં જામરમાં વપરાતી જ હતી. વધારે ખરાબ જામર હોય, જેને ઝેરી જામર કહેવાય. તેવા કેસમાં પાઈલોકાર્પિન તત્વવાળાં આઈડ્રોપ્સ નાખતા હતા. તેની ઈફેક્ટ અલગ અલગ કોન્સન્ટ્રેશન (માત્રા)માં અલગ અલગ હોય છે. માની લો કે, કોઈ યુરોપીયન કે અમેરિકન હોય તો તેની આઈરિશ (આંખની કીકી)નો કલર અલગ હોય. ભારતીયોની કીકીનો કલર પણ અલગ હોય. તો તેના કલર ઉપર પણ ઈફેક્ટ પડે. ભારતીય લોકોની ડાર્ક બ્રાઉન જેવી કીકી હોય તો તેમાં વધારે કોન્સન્ટ્રેશન (માત્રા)ની જરૂર પડે. જેમ કે બ્લૂ કીકી હોય તો 2 ટકા ડ્રોપ આપવા પડે, ડાર્ક બ્રાઉન હોય તો 4 ટકા ટીપાં આપવા પડે. આ ટીપાં કીકીને સાંકડી કરે એટલે એંગલમાં ફેર પડે. પાઈલોકાર્પિન જામરમાં વપરાતાં જ હતાં પણ નવા સ્ટડી પ્રમાણે હવે પ્રેસ્બાયોપીયા (સ્પષ્ટ દ્રષ્ટિ)માં પણ અસર કરે છે એવું કહેવાય છે. આ ટીપાં જરૂર પડે ત્યારે લાઈફ ટાઈમ નાખવા પડે. જ્યાં સુધી મોતિયો ન આવે અને તેનું ઓપરેશન ન થાય ત્યાં સુધી નાખી શકાય.
બાળકોને ચશ્માના નંબર ન વધે તે માટેનાં ટીપાં પણ મળે છે
બાળકોના ચશ્માના નંબર ઉતારવા પણ એક ટીપાં મળે છે. તેની માહિતી આપતાં ડૉ. હિતેશ રામાનુજ કહે છે, નજીકનું જોવા અને વાંચવા માટે ચશ્માની જરૂર નહીં પડે તેના માટે આ ડ્રોપ આવી રહ્યાં છે પણ તેનાથી વિપરિત બાળકોને ચશ્માના નંબર વધે નહીં તેના માટેના ટીપાં પણ ઓલરેડી આવે જ છે. બાળકોના નંબર ન વધે તેના માટે એટ્રોપિન ડ્રોપ લોઅર કોન્સન્ટ્રેશન (ઓછી માત્રા)માં આવ્યાં છે. એટ્રોપિન આની વિરુદ્ધ એક્શન કરે. એ કીકીને પહોળી કરે. લોઅર કોન્સન્ટ્રેશન એટલે કીકીને એટલી બધી પહોળી ન કરે, નહીંતર તો આંખ અંજાઈ જાય. પણ બાળકોને નંબર વધે નહીં એટલે આ ડ્રોપ રાત્રે એક વખત નાખવા અપાય છે. બાળક 14 વર્ષનું થાય ત્યાં સુધી આ ડ્રોપ નાખી શકે છે. આનાથી તેના નંબર વધતા નથી. એટ્રોપિન ડ્રોપ આજકાલના નવા નથી પણ કીકી પહોળી કરવા વપરાતા જ હતા. પણ તેનું કોન્સન્ટ્રેશન (માત્રા) અલગ હોય. તેમાં તત્વની માત્રા વધ-ઘટ હોય. બાળકો માટે જે ટીપાં છે તેમાં કોન્સન્ટ્રેશન માઈલ્ડ હોય. એટલે બીજી કોઈ સાઈડ અસર ન કરે.
આ જ ડ્રોપ્સ અંગે ડૉ. રશ્મિન પટેલ કહે છે, એટ્રોપિન લો-કોન્સન્ટ્રેશન દવા છે. જે બાળકોમાં માઈનસ નંબરને વધતો અટકાવવાનાં ટીપાં છે. આ દવા છેલ્લા દસ વર્ષથી માર્કેટમાં છે પણ તેનો કોઈ ચોક્કસ ડેટા અવેલેબલ નથી. હકીકતે ડેટા હોય તો કોને, ક્યારે, કેટલી ઉંમર સુધી ડ્રગ આપી શકાય, તે જાણવામાં સરળતા રહે.
ડૉક્ટર પ્રિસ્ક્રીપ્શનમાં લખી આપશે તો જ મેડિકલ સ્ટોરવાળા ડ્રોપ આપશે
આ આઇ ડ્રોપ્સ પર બે વર્ષથી કામ કરવામાં આવ્યું હતું. એ પછી કંપનીને સફળતા મળી. હવે ડ્રગ રેગ્યુલેટરી એજન્સીએ આ આઇ ડ્રોપ્સને મંજૂરી આપી દીધી છે. તે 3 સપ્ટેમ્બર 2024ના દિવસે મુંબઈમાં ફાર્માસ્યુટિકલ્સ કેમ્પસમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રકારના ટીપાં ભારતમાં બનેલી પહેલી દવા છે, જેનું પરિક્ષણ માત્ર ભારતીયો પર કરવામાં આવ્યું હતું. આ ટીપાં ભારતીયોની આનુવંશિક વસ્તીના આધારે બનાવવામાં આવ્યાં છે. રજીસ્ટર્ડ ડૉકટરોની ભલામણ પર જ તે ખરીદી શકશે. એટલે કે પ્રિસ્ક્રીપ્શનમાં લખેલાં હશે તો જ મેડિકલ સ્ટોરવાળા ડ્રોપ આપી શકશે. કંપનીએ 2022ની શરૂઆતમાં દવા માટે DCGI પાસેથી મંજૂરી માંગી હતી. એ પછી કંપનીને ફેઝ-3 ક્લિનિકલ ટ્રાયલ માટે કહેવામાં આવ્યું હતું. દેશભરમાં 10 સ્થળોએ 250 દર્દીઓ પર તેનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું.
(નોંધ : આ ટીપાં ડૉક્ટરને પૂછીને જ નાખવા, ડૉક્ટરના ઓબ્ઝર્વેશનમાં જ નાખવા અને ટીપાં ચાલુ હોય ત્યારે દર બે મહિને ડૉક્ટરને બતાવવું)