20 મિનિટ પેહલા
- કૉપી લિંક
પીએમ મોદીએ સિંગાપોર પ્રવાસના બીજા દિવસે સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગ સાથે મુલાકાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે 2 દિવસની મુલાકાતે સિંગાપોર પહોંચ્યા હતા. મુલાકાતના બીજા દિવસે તેઓ સંસદ પહોંચ્યા જ્યાં પીએમ લોરેન્સ વોંગ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
PM મોદીએ સિંગાપોરના PMને કહ્યું- તમે વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ આ અમારી પ્રથમ મુલાકાત છે. મારા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન. સિંગાપોર માત્ર સહાયક દેશ નથી પરંતુ દરેક વિકાસશીલ દેશ માટે પ્રેરણારૂપ છે. અમે ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગીએ છીએ. મને ખુશી છે કે અમે આ દિશામાં સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ.
ભારત અને સિંગાપોરે સેમિકન્ડક્ટર, ડિજિટલ ટેક્નોલોજી, સ્વાસ્થ્ય સહયોગ અને સ્કિલ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ MoUs પર હસ્તાક્ષર કર્યા. કરાર અનુસાર, બંને દેશો સેમિકન્ડક્ટર, ક્લસ્ટર ડેવલપમેન્ટ, સેમિકન્ડક્ટર ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ પર ફોક્સ કરશે.
સિંગાપોરના સંસદ ભવન ખાતે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
PM મોદીએ સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગ અને પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી.
ભારત અને સિંગાપોરના PM વચ્ચે અનેક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ભારત અને સિંગાપોર વચ્ચે અનેક સમજુતી થઈ
PM મોદીએ ગુરુવારે લોરેન્સ વોંગ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. આ દરમિયાન PM મોદી સાથે વિદેશ મંત્રી જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.
આ પછી બંને દેશના નેતાઓ સંસદમાં એકબીજા દેશના મંત્રીઓ અને પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા હતા. બંને દેશોના વડાપ્રધાનોની હાજરીમાં MoUs પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આજે સિંગાપોરના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
PM મોદી આજે સિંગાપોરના રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમ, વરિષ્ઠ મંત્રીઓ અને અન્ય મહાનુભાવો સાથે પણ બેઠક કરશે. બેઠક દરમિયાન PM મોદી સિંગાપોરના વડાપ્રધાન સાથે સેમિકન્ડક્ટર ફેસિલિટી AEMની પણ મુલાકાત લેશે. સુવિધાની મુલાકાત લીધા બાદ તેઓ સિંગાપોરની કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે.
વડાપ્રધાન મોદીની આ મુલાકાત ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી પર ભાર આપવાના સંદર્ભમાં ખૂબ જ ખાસ છે. આ પ્રવાસ દ્વારા ભારત અને સિંગાપોર વચ્ચે આર્થિક અને ટેકનોલોજી અંગેના સંબંધોને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં બંને વચ્ચે પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપવું એ પણ આ પ્રવાસનો એક મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય છે.
જ્યારે પીએમ મોદીએ ડ્રમ વગાડ્યું ત્યારે કલાકારો તે ધૂન પર નાચતા જોવા મળ્યા હતા.
PM મોદી 6 વર્ષ પછી સિંગાપોર પહોંચ્યા
આ પહેલા બુધવારે સિંગાપોર પહોંચેલા મોદીનું ભારતીય સમુદાયના લોકોએ સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ઢોલ પણ વગાડ્યો હતો. મોદીનું સ્વાગત કરવા પહોંચેલા કલાકારો ઢોલના તાલે નાચતા જોવા મળ્યા હતા. લોકોએ પીએમ મોદીને કેસરી રંગનો ખેસ પણ અર્પણ કર્યો હતો.
તેઓએ ‘રામચંદ્ર કી જય’ અને ‘ગણપતિ બાપ્પા મોરીયા’ ના નારા લગાવ્યા. આ દરમિયાન એક મહિલાએ તેમને રાખડી પણ બાંધી હતી. તેમની સિંગાપુર મુલાકાત દરમિયાન મોદી રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમ સહિત અનેક વરિષ્ઠ નેતાઓને મળશે. પીએમ મોદી સિંગાપોરના વેપારી સમુદાયના નેતાઓને પણ મળશે.
વડાપ્રધાન મોદી 6 વર્ષ બાદ સિંગાપોરની મુલાકાતે આવ્યા છે. અગાઉ તેઓ નવેમ્બર 2018માં સિંગાપુર ગયા હતા.
PM મોદી સિંગાપુર પહેલા બ્રુનેઈના પ્રવાસે હતા
સિંગાપોર પ્રવાસ પહેલા PM મોદીએ 3 અને 4 સપ્ટેમ્બરે બ્રુનેઈની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, બુધવારે PMએ બ્રુનેઈના સુલતાન બોલ્કિયા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓ વચ્ચે સંરક્ષણ, વેપાર, શિક્ષણ, ટેકનોલોજી અને આરોગ્ય જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
ડેલિગેશન સ્તરની બેઠક બાદ ભારત અને બ્રુનેઈ વચ્ચે MoU પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમણે બંદર સેરી બેગવાન અને ચેન્નાઈ વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરવાના નિર્ણયને આવકાર્યો હતો.
આ ઉપરાંત બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન તેઓ આસિયાન દેશોના વિકાસ માટે કામ કરવા માટે સંમત થયા હતા. બ્રુનેઈના સુલતાને વિશ્વના સૌથી મોટા મહેલ ‘ઈસ્તાના નુરુલ ઈમાન’માં પીએમ મોદીના સન્માનમાં લંચનું પણ આયોજન કર્યું હતું.
પીએમ મોદીએ કહ્યું, બ્રુનેઈમાં મારું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના માટે હું રાજવી પરિવારનો આભાર માનું છું. ભારતીય પીએમની બ્રુનેઈની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. અહીં અનુભવાયેલી પોતાનાપણાએ મને બંને દેશો વચ્ચેના સદીઓ જૂના સંબંધોનો અહેંસાસ કરાવ્યો છે.
બ્રુનેઈના સુલતાન બોલકિયાએ પેલેસમાં પીએમ મોદીનું સ્વાગત કર્યું.
બંને નેતાઓ વચ્ચે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી.
બ્રુનેઈનો સુલતાન વૈભવી જીવન જીવે છે
બોલ્કિયા બ્રુનેઈના 29મા સુલતાન છે. 1984માં અંગ્રેજોની વિદાય બાદ તેઓ બ્રુનેઈના વડાપ્રધાન પણ રહ્યા છે. રાણી એલિઝાબેથ દ્વિતીય પછી બોલ્કેયા સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાજા છે. તેમણે 2017માં 50 વર્ષના શાસનની સુવર્ણ જયંતિની ઉજવણી કરી હતી.
બ્રુનેઈ જેવા નાના દેશમાં સુલતાન સૌથી શક્તિશાળી વ્યક્તિ હોવાની સાથે સૌથી ધનિક રાજાઓમાંનો એક છે. 1980 સુધીમાં તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા. ફોર્બ્સ અનુસાર, 2008માં બોલ્કેયાની કુલ સંપત્તિ 1.4 લાખ કરોડ રૂપિયા હતી.
સુલતાનની લક્ઝરીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાજા બન્યા બાદ તેણે 50 અબજ રૂપિયાનો મહેલ બનાવ્યો હતો. આ મહેલ “ઇસ્તાના નુરુલ ઇમાન” તરીકે ઓળખાય છે. આ સિવાય સુલતાન પાસે 7 હજાર કાર છે.