સ્પોર્ટ્સ ડેસ્ક58 મિનિટ પેહલા
- કૉપી લિંક
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે શનિવારે એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. આ મેચ હુલુનબુર સ્થિત મોકી હોકી ટ્રેનિંગ બેઝ પર રમાઈ હતી. ટૂર્નામેન્ટમાં ભારતની આ સતત પાંચમી જીત છે. ભારત તરફથી બંને ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા. પાકિસ્તાન તરફથી અહેમદ નદીમે ગોલ કર્યો હતો.
ભારત 5 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. જ્યારે પાકિસ્તાન 5માંથી 2 મેચ જીતીને બીજા સ્થાને છે. બંને ટીમો પહેલાથી જ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી ચૂકી છે.
હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો મેચ દરમિયાન પહેલા ક્વાર્ટરમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. મેચનો પ્રથમ ગોલ પાકિસ્તાનના અહેમદ નદીમે પ્રથમ ક્વાર્ટરની 7મી મિનિટે કર્યો હતો. ત્યાર પછી 13મી મિનિટમાં ભારતે પેનલ્ટી કોર્નરને બોલમાં કન્વર્ટ કરીને બરાબરી કરી લીધી. હરમનપ્રીત સિંહે ગોલ પોસ્ટના રાઈટ કોર્નર પર ડ્રેગ ફ્લિક કરીને ગોલ કર્યો. બીજા ક્વાર્ટરની શરૂઆતમાં ભારતને કેપ્ટન હરમનપ્રીતે લીડ અપાવી.
પાકિસ્તાન પર ભારતની 8મી જીત
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે ભારતની આ 8મી જીત છે. બંને ટીમ વચ્ચે આ 12મી મેચ હતી. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાન માત્ર 2 મેચ જીતવામાં સફળ રહ્યું છે. 2 મેચ ડ્રો રહી છે.
16મીએ સેમીફાઇનલ રમાશે
આ ટુર્નામેન્ટમાં ભારતની સાથે ચીન, કોરિયા, જાપાન, મલેશિયા અને પાકિસ્તાન ભાગ લઈ રહ્યા છે. ટુર્નામેન્ટની સેમીફાઈનલ 16મીએ અને ફાઈનલ 17મી સપ્ટેમ્બરે રમાશે.
ભારત સૌથી સફળ ટીમ
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 13 વર્ષ પહેલા 2011માં થઈ હતી. ભારતીય હોકી ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ભારત ચાર વખત અને પાકિસ્તાન ત્રણ વખત ટાઈટલ જીત્યું છે. જ્યારે 2021માં દક્ષિણ કોરિયાએ ખિતાબ જીત્યો હતો.