અમદાવાદ
ગુજરાતભરમાં રંગોના પર્વ ધુળેટીની ઉજવણી તા.૨૧મી માર્ચે આનંદ-ઉલ્લાસપૂર્વક કરાશે. આ દિવસની વિશિષ્ટ ઉજવણી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં ગુરુવારે ધુળેટીના દિવસે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, સારંગપુર તીર્થ ખાતે સાંજે ૪.૪૫ વાગ્યાથી મંદિર પરિસર પાસે આવેલા વિશાળ ફૂલદોલ ગ્રાઉન્ડમાં પુષ્પદોલોત્સવનો અનેરો લાભ મળશે. આ પહેલાં નિજ મંદિર ખાતે સવારે શાસ્ત્રોક્ત મહાપૂજા થશે અને ત્યારબાદ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના નિત્ય પૂજા-દર્શનનો લાભ મળશે.
આ વર્ષે ફૂલદોલ ઉત્સવની મુખ્ય વિશેષતા તો એ છે કે આ ઉત્સવ પાણીના ઉપયોગ વગર ઉજવાશે. આ વર્ષે વરસાદની ખેંચને લઈ પાણીની અછત જણાતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે મહોત્સવના આયોજકોને લોકહિતાર્થે પાણીની બચત કરવા જણાવ્યું હતું. એટલે તેના વિકલ્પરૂપે ‘ફૂલો કી હોલી’ એટલે કે ભગવાનના પ્રસાદીભૂત ફૂલોના છંટકાવ ઉપર તેઓએ મંજૂરીની મહોર મારી હતી. માટે આ વર્ષે પધારનાર સંતો-ભક્તોને પાણીથી નહીં, પણ પ્રસાદીભૂત પુષ્પ-પાંખડીઓથી ભક્તિભીના થવાનો લાભ મળશે. મહોત્સવના મુખ્ય આકર્ષરૂપ એવો ૧૦૦ ફૂટ લાંબો, ૪૦ ફૂટ પહોળો ભવ્ય અને કલાત્મક સભામંચ રચવામાં આવ્યો છે. ૧૦ લાખ ચોરસ ફૂટ મેદાનમાં સભાવ્યવસ્થા અને ૧૭ લાખ ચોરસ ફૂટ મેદાનમાં વાહનોના પાર્કિંગનું માઈક્રો પ્લાનિંગ કરાયું છે. સાથે જ ૧૦,૦૦૦ સ્વયંસેવકો જોડાયા છે.
ભગવાન સ્વામિનારાયણે આજથી સવા બસો વર્ષ પૂર્વે શરૂ કરેલા આ પુષ્પદોલોત્સવને આજે પણ તેઓના અખંડ ધારક ગુણાતીત સત્પુરુષ દ્વારા સારંગપુરમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે સારંગપુરના આંગણે પુષ્પદોલોત્સવ ઉજવાઈ રહ્યો છે. વિશ્વના પાંચેય ખંડોથી હરિભક્તોનો પ્રવાહ, સારંગપુર ભણી વળી રહ્યો છે.
જ્યારે બુધવારે ફાગણી પૂનમનાં પવિત્ર દિને વહેલી સવારે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પૂજા-દર્શન અને આશીર્વચનનો લાભ આપ્યો હતો. ત્યારબાદ ભગતજી મહારાજ જન્મોત્સવની મુખ્ય સભા સંપન્ન થઈ હતી અને સાંજે મહંત સ્વામી મહારાજના દિવ્ય ગુણોને વર્ણવતી વિશિષ્ટ સભા અને રાત્રે સંગીતજ્ઞ સંતો-ભક્તોએ કીર્તન આરાધના દ્વારા સભાને રંજન કરી દીધી હતી.
આજે જગન્નાથજી મંદિર ખાતે ફૂલ-દોલોત્સવ ઉજવાશે
જગન્નાથજી મંદિર ખાતે મહંત દિલીપદાસજી મહારાજની નિશ્રામાં ફૂલ-દોલોત્સવનું આયોજન સવારે ૧૦.૦૦ વાગ્યાથી થશે. જેમાં મોટી સંખ્યામાં વિવિધ પુષ્પો સાથે ફૂલોથી ધુળેટીની ઉજવણી કરવામાં આવશે. આ સાથે જ અનેક મંદિરોમાં પણ પુષ્પદોલોત્સવ અને રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે તા.૨૧મી માર્ચે જ હરેકૃષ્ણ મંદિર, ભાડજ અને ઇસ્કોન મંદિર, એસ.જી.હાઈવે ખાતે ‘ગૌર પૂર્ણિમા’ની ઉજવણી થશે.
આજે કાર્તિક સ્વામી મંદિરથી વિશાળ કાવડયાત્રા નીકળશે
દક્ષિણ ભારતીય સમુદાયની પરંપરાગત વિશાળ કાવડયાત્રાનો તા.૨૧મી માર્ચે કાર્તિક સ્વામી મંદિર-શ્રીબાલમુરુગન દેવસ્થાનમ્ ટ્રસ્ટ, હાટકેશ્વર સર્કલથી સવારે ૭.૦૦ વાગ્યાથી થશે. આ ૫૩મા મહોત્સવમાં કાર્તિક સ્વામીના શણગારાયેલા રથો સાથે ૪૦૧ કાવડીયાઓ તેમજ ૧૦૧ દૂધ ભરેલા કુંભ લઈને મોટી સંખ્યામાં દક્ષિણ ભારતીયો સાથે તામિલ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાશે. આ યાત્રા હાટકેશ્વર સર્કલથી નીકળીને ખોખરા, મદ્રાસી મંદિર થઈ ને અમરાઈવાડીથી હાટકેશ્વર સર્કલ પાસેના નિજ મંદિરે પરત આવશે.