શારજાહ2 કલાક પેહલા
- કૉપી લિંક
અફઘાનિસ્તાને કોઈપણ ફોર્મેટમાં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો છે. શારજાહના મેદાન પર બુધવારે રમાયેલી પ્રથમ વન-ડેમાં ટીમે દક્ષિણ આફ્રિકાને 106 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ત્યારબાદ 26 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
અફઘાનિસ્તાન તરફથી ફાસ્ટ બોલર ફઝલહક ફારૂકીએ 4, અલ્લાહ ગઝનફરે 3 અને રાશિદ ખાને 2 વિકેટ લીધી હતી. બેટિંગમાં ગુલબદ્દીન નઇબે 34 રન અને અઝમતુલ્લા ઓમરઝાઈએ 25 રન બનાવ્યા જેના કારણે ટીમને સરળતાથી જીત અપાવી. આ સાથે અફઘાનિસ્તાને 3 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
અફઘાનિસ્તાનની ઐતિહાસિક જીત અફઘાનિસ્તાને ત્રણેય ફોર્મેટમાં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. આ પહેલા બંને ટીમ વચ્ચે 3 T-20 અને 2 ODI રમાઈ હતી. સાઉથ આફ્રિકાએ તમામ જીત મેળવી હતી. અફઘાનિસ્તાને હવે ઇતિહાસ બદલી નાખ્યો અને સાઉથ આફ્રિકાને હરાવ્યું.
અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાને 2 વિકેટ લીધી હતી.
T20 વર્લ્ડકપમાં હારનો બદલો લીધો બંને ટીમ છેલ્લે આ વર્ષે 26 જૂને ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં સામસામે આવી હતી. ત્યારે સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 56 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. સા. આફ્રિકાએ તે મેચ માત્ર 9 ઓવરમાં મેચ જીતી લીધી હતી. અફઘાનિસ્તાને હવે સ્કોર બરાબર કરી લીધો અને વન-ડેમાં દક્ષિણ આફ્રિકાને 106 રનમાં આઉટ કરી દીધું. ત્યારબાદ માત્ર 26 ઓવરમાં મેચ જીતી લીધી હતી.
વેઇન મુલ્ડર ફિફ્ટી ફટકારી ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે 36 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. ટોની ડીજ્યોર્જ માત્ર 11, કાયલ વેરિયન 10 અને રીઝા હેન્ડ્રીક્સ માત્ર 9 રન બનાવી શક્યા હતા. 3 બેટર્સ ખાતું પણ ખોલી શક્યા નહોતા, જ્યારે કેપ્ટન એડન માર્કરમ માત્ર 2 રન બનાવી શક્યો હતો.
આ પછી વેઇન મુલ્ડરે ફિફ્ટી ફટકારી અને ટીમને 100 રનથી આગળ લઈ ગયો. તેની સાથે બોર્ન ફોર્ચ્યુને 16 રન બનાવ્યા હતા. નાન્દ્રે બર્જરે એક રન બનાવ્યો, જ્યારે લુંગી એન્ગિડી ખાતું પણ ખોલી શક્યો નહીં. ટીમ 33.3 ઓવરમાં 106 રન જ બનાવી શકી હતી.
ફઝલહક ફારૂકીએ પાવરપ્લેમાં જ 3 વિકેટ લીધી હતી.
ફારૂકીની 4 વિકેટ અફઘાનિસ્તાન તરફથી ફાસ્ટ બોલર ફઝલહક ફારૂકીએ 35 રનમાં 4 વિકેટ ઝડપી હતી. ઓફ સ્પિનર અલ્લાહ ગઝનફરે માત્ર 20 રનમાં 3 વિકેટ લીધી હતી. જ્યારે રાશિદ ખાને 30 રનમાં 2 વિકેટ લીધી હતી. એક બેટર રનઆઉટ થયો હતો.
અફઘાનિસ્તાનની શરૂઆત પણ ખરાબ રહી 107 રનના ટાર્ગેટ ચેઝ કરતા અફઘાનિસ્તાને 35 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. રિયાઝ હસન માત્ર 16 રન અને રહમત શાહ માત્ર 8 રન બનાવી શક્યા હતા, રહેમાનુલ્લા ગુરબાઝ પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા. ટીમનો સ્કોર માત્ર 50 રનને પાર કરી ગયો હતો જ્યારે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી પણ 16 રન બનાવીને આઉટ થયો હતો.
અફઘાનિસ્તાને 60 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી.
ઓમરઝાઈ-ગુલબદીને જીતનો આંકડો પાર કર્યો 60 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવ્યા બાદ અઝમતુલ્લા ઓમરઝાઈ અને ગુલબદ્દીન નઇબે અફઘાનિસ્તાનની કમાન સંભાળી હતી. બંનેએ ટીમને 100 રનથી આગળ લઈ જઈને 26 ઓવરમાં જીત મેળવી હતી. ઓમરઝાઈ 25 રન બનાવ્યા પછી અણનમ રહ્યો અને નઇબ 34 રન બનાવ્યા પછી અણનમ રહ્યો. દક્ષિણ આફ્રિકા તરફથી બોર્ન ફોર્ચ્યુને 2 વિકેટ લીધી હતી. જ્યારે એઈડન માર્કરમ અને લુંગી એન્ગીડીને 1-1 સફળતા મળી હતી.
20 સપ્ટેમ્બરે બીજી વન-ડે પ્રથમ વન-ડેમાં જીતની સાથે જ અફઘાનિસ્તાને 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ પણ મેળવી લીધી છે. શ્રેણીની બીજી મેચ 20 સપ્ટેમ્બરે શારજાહમાં જ રમાશે. ત્યારબાદ ત્રીજી મેચ 22 સપ્ટેમ્બરે શારજાહમાં જ રમાશે.