ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ જીઆઇડીસી ખાતે કાર્યરત વિન્ડસર મશીન્સ લીમીટેડ દ્વારા ભારતમાં સૌ પ્રથમ ઇન્જેકશન મોલ્ડીંગ મશીનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મશીનને રાજયના શ્રમ-રોજગાર અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ
.
વિન્ડસર મશીન્સ લિમિટેડ કંપનીના ડાયરેકટર વિનય બંસોડે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મ નિર્ભર ભારતના ઉમદા અભિગમ અંતર્ગત અમારી કંપની દ્વારા ઇન્જેકશન મોલ્ડીંગ મશીન કે.એલ. 3200નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રકારનું મશીન ભારતમાં સૌ પ્રથમવાર વિન્ડસર મશીન્સ લિમિટેડ બનાવ્યું છે. જેને ભારત સરકારે પેન્ડેટ કર્યું છે.
આ મશીન બનાવવા માટે કોઇપણ પ્રકારનો સ્પેર-પાર્ટસ વિદેશથી મંગાવવામાં આવ્યો નથી. પરંતુ આ મશીનના તમામ સ્પેર પાર્ટસ સ્થાનિક કક્ષાએ ઉત્પાદન કરવામાં આવ્યા છે. તેમજ તેની ડિઝાઇન પણ સ્થાનિક નવયુવાનો દ્વારા કરવામાં આવી છે.
વિન્ડસર કંપનીના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, પહેલા આ પ્રકારનું મશીન બનાવવા માટે વિદેશથી અમુક પાર્ટસ મંગાવવામાં આવતા હતા. જેથી તેનો ખર્ચ વધતો હતો. મશીનમાંથી થયેલ ઉત્પાદનની કિંમત પણ થોડીક વધુ રહેતી હતી. હવે, ઘર આંગણે આ મશીનનું ઉત્પાદન થવાથી વિદેશી મૂડીનો ખર્ચ ઘટશે, ઉત્પાદન થતી ચીજવસ્તુઓની કિંમત પણ થોડીક ઘટશે.
આ મશીન દ્વારા ગાડીઓ, કુલર જેવી અનેક ચીજ વસ્તુઓમાં વપરાતા તમામ પ્રકારના ઉચ્ચ ગુણવત્તાવાળા પ્લાસ્ટિકનું ઉત્પાદન કરવામાં આવશે. સ્થાનિક કક્ષાએ કાર્યરત ઓટોમોબાઇલ્સ કંપનીઓને આ મશીન ખૂબ જ ઉપયોગી બની રહેશે. ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે મશીનનું ઉદ્ધાટન કર્યા બાદ સમગ્ર મશીન અંગેની માહિતી વિન્ડસર કંપનીના ટેકનિકલ વ્યક્તિ પાસેથી મેળવી હતી.