10 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલની મિલિટરી ઈન્ટેલિજન્સે દાવો કર્યો છે કે, હમાસના નેતા યાહ્યા સિનવારનું મૃત્યુ થઈ ગયું છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના જણાવ્યા અનુસાર સિનવાર છેલ્લા કેટલાક સમયથી ગુમ છે. તેણે કોઈની સાથે કોઈ સંપર્ક કર્યો નથી.
આવી સ્થિતિમાં, ઇઝરાયલની સેના ગાઝા પરના હુમલામાં સિનવાર માર્યા ગયાની સંભાવનાની તપાસ કરી રહી છે. સિનવારના મૃત્યુ અંગે હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. જો કે, ઘણા મોટા ઇઝરાયલ મીડિયા હાઉસના અહેવાલોમાં હમાસ નેતાના મૃત્યુ અંગે અનુમાન લગાવવામાં આવ્યું છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)ના જણાવ્યા અનુસાર, તેઓએ થોડા દિવસો પહેલા ગાઝામાં એક શાળા પર હુમલો કર્યો હતો. હમાસનું અહીં કમાન્ડ સેન્ટર હતું. આ હુમલામાં 22 લોકો માર્યા ગયા હતા. આવી સ્થિતિમાં એવી આશંકા છે કે આ હવાઈ હુમલામાં સિનવારનું પણ મોત થયું છે.
આ ફોટો 10 ઓક્ટોબર, 2023નો છે, જ્યારે સિનવાર ગાઝામાં એક ટનલમાં છુપાયેલો હતો.
સિનવારના મૃત્યુના કોઈ પુરાવા નથી
ઇઝરાયલી મીડિયા હારેટ્ઝના જણાવ્યા અનુસાર, ઇઝરાયલે તાજેતરમાં ગાઝાની સુરંગો પર હુમલો કર્યો છે જ્યાં સિનવાર છુપાયેલો હોવાનું માનવામાં આવતું હતું. જો કે, અત્યાર સુધી હુમલામાં સિનવારના મૃત્યુને લગતા કોઈ સુરાગ મળ્યા નથી.
આ પહેલીવાર નથી જ્યારે સિનવાર અચાનક ગાયબ થઈ ગયો હોય. આ પહેલા પણ ઘણી વખત સિનવાર થોડા સમય માટે ગાયબ થયા બાદ યુદ્ધવિરામ અથવા અન્ય કોઈ સંદેશ સાથે પરત ફર્યા છે. બીજી તરફ ઇઝરાયલની આંતરિક સુરક્ષા એજન્સી શિન બેટે સિનવારના મૃત્યુ અંગેની અટકળોને ફગાવી દીધી છે.
હમાસના ટોચના નેતૃત્વમાં માત્ર સિનવાર જ બાકી
ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર થયેલા હુમલામાં ત્રણ મહત્વના કલાકારો હતા. તેમાં રાજકીય વડા ઇસ્માઇલ હનીયેહ, લશ્કરી વડા મોહમ્મદ દૈફ ઉપરાંત ગાઝામાં હમાસના નેતા યાહ્યા સિનવારનો સમાવેશ થાય છે. 31 જુલાઈએ ઈરાનમાં હનીયેહના મૃત્યુ પછી સિનવાર સંસ્થાના નવા વડા બન્યા.
દરમિયાન હમાસના સૈન્ય વડા મોહમ્મદ દૈફ 13 જુલાઈએ હવાઈ હુમલામાં માર્યા ગયા હતા, જેની પુષ્ટિ 1 ઓગસ્ટના રોજ થઈ હતી. આવી સ્થિતિમાં હમાસના ટોચના નેતૃત્વમાં હવે માત્ર સિનવાર જ બચ્યું છે. તેથી, આ સમયે ઇઝરાયલનું સમગ્ર ધ્યાન સિનવારને શોધવા અને તેને મારી નાખવા પર છે.
ગાઝા કેમ્પમાંથી બહાર આવ્યા બાદ યાહ્યા સિનવાર હમાસનો નેતા બન્યો
યાહ્યા સિનવાર ગાઝામાં હમાસનો નેતા છે. તે ઇઝરાયલમાં સૌથી વધુ વોન્ટેડ લોકોમાંથી એક છે. 61 વર્ષના યાહ્યા સિનવારને લોકો અબુ ઈબ્રાહિમના નામથી પણ ઓળખે છે. તેનો જન્મ ગાઝા પટ્ટીના દક્ષિણ વિસ્તારમાં ખાન યુનિસ શરણાર્થી શિબિરમાં થયો હતો.
યાહ્યાના માતા-પિતા એશકેલોનના હતા, પરંતુ જ્યારે 1948માં ઇઝરાયલની સ્થાપના થઈ અને હજારો પેલેસ્ટિનિયનોને તેમના પૂર્વજોના ઘરોમાંથી હાંકી કાઢવામાં આવ્યા ત્યારે યાહ્યાના માતા-પિતા પણ શરણાર્થી બન્યા. પેલેસ્ટિનિયનો તેને ‘અલ-નકબા’ એટલે કે વિનાશનો દિવસ કહે છે.
બીબીસીના જણાવ્યા અનુસાર, યાહ્યા સિનવારની ઇઝરાયલ દ્વારા 1982માં પહેલીવાર ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેની ઉંમર 19 વર્ષની હતી. યાહ્યા પર ‘ઈસ્લામિક પ્રવૃત્તિઓ’માં સામેલ હોવાનો આરોપ હતો. 1985માં તેની ફરી ધરપકડ કરવામાં આવી હતી.
આ સમયની આસપાસ યાહ્યાએ હમાસના સ્થાપક શેખ અહેમદ યાસીનનો વિશ્વાસ જીતી લીધો. 1987માં હમાસની સ્થાપના થયાના બે વર્ષ પછી, યાહ્યાએ તેના કુખ્યાત ખતરનાક આંતરિક સુરક્ષા સંગઠન, અલ-મજદની સ્થાપના કરી. ત્યારે સિનવર 25 વર્ષનો હતો.