2 કલાક પેહલા
- કૉપી લિંક
ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને ઓસ્કાર 2025માં ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી મળી છે. આ ફિલ્મને વિદેશી ફિલ્મ કેટેગરીમાં મોકલવામાં આવી છે. આમિર ખાનના પ્રોડક્શન હાઉસના બેનર પર બનેલી આ ફિલ્મનું ડાયરેક્શન કિરણ રાવે કર્યું છે.
ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા સિલેક્શન કમિટીના ચેરમેન જાહનુ બરુઆએ સોમવારે આ જાહેરાત કરી હતી. આ વર્ષે દેશભરમાંથી 29 ફિલ્મ ઓસ્કારમાં મોકલવાની રેસમાં હતી, જેમાં વિકી કૌશલની ‘સેમ બહાદુર’, રણબીર કપૂરની ‘એનિમલ’ અને કાર્તિક આર્યનની ‘ચંદુ ચેમ્પિયન’નો સમાવેશ થાય છે. 13 સભ્યની જ્યુરીએ આ 29 ફિલ્મમાંથી ‘લાપતા લેડીઝ’ પસંદ કરી છે.
17મી જાન્યુઆરી, 2025ના રોજ 97મા ઓસ્કાર માટે ફાઇનલ નોમિનેશનની જાહેરાત કરવામાં આવશે. ઓસ્કાર એવોર્ડ સમારોહ 2 માર્ચ, 2025ના રોજ યોજાશે.
ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ આ ફિલ્મની પસંદગી અંગે માહિતી આપી હતી.
આ વખતે ઓસ્કર અવોર્ડ્સની ‘બેસ્ટ ફોરેન ફિલ્મ’ની કેટેગરી માટે ભારતની સત્તાવાર એન્ટ્રી બનવાની રેસમાં સામેલ કુલ 29 ફિલ્મમાં દીપિકા-પ્રભાસ સ્ટારર ‘’, ‘ગુડ લક’, મારધાડથી ભરપૂર હિન્દી ફિલ્મ ‘કિલ’, રાજકુમાર રાવની ‘શ્રીકાંત’, અજય દેવગણ સ્ટારર ‘મૈદાન’, યામી ગૌતમની ‘આર્ટિકલ 370’, રણદીપ હુડા સ્ટારર ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’, મનોજ બાજપેયીની ‘જોરમ’ વગેરે હિન્દી ફિલ્મો સામેલ હતી.
ભારતની અન્ય ભાષાની ફિલ્મોમાં વિજય સેતુપતિ સ્ટારર ‘મહારાજા’, તેલુગુ ફિલ્મ ‘હનુ-માન’, મલયાલમ ડ્રામા ફિલ્મ ‘આટ્ટમ’, પૃથ્વીરાજ સુકુમારનની ખૂબ વખણાયેલી મલયાલમ ફિલ્મ ‘આડુજીવિતમઃ ધ ગોટ લાઇફ’, કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ગ્રાં પ્રી’ પુરસ્કાર જીતી લાવનારી મલયાલમ ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’, ‘ઘરાત ગણપતિ’, ‘સ્વરગંધર્વ સુધીર ફડકે’ તથા ‘ઘાત’ જેવી મરાઠી ફિલ્મો પણ સામેલ હતી.
1 માર્ચે ફિલ્મ રિલીઝ થઈ હતી ‘લાપતા લેડીઝ’ ફિલ્મ ‘લાપતા લેડીઝ’ આ વર્ષે 1 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ આમિરની બીજી પૂર્વ પત્ની કિરણ રાવે ડિરેક્ટ કરી હતી. બોક્સ ઓફિસ પર 25 કરોડ રૂપિયાનું લાઈફટાઈમનું કલેક્શન હોવા છતાં આ ફિલ્મને ક્રિટિક્સ અને લોકો બંને દ્વારા ખૂબ વખાણવામાં આવી હતી.
(ડાબેથી જમણે) અભિનેત્રી નિતાંશી ગોયલ, દિગ્દર્શક કિરણ રાવ, અભિનેતા સ્પર્શ શ્રીવાસ્તવ અને પ્રતિભા રંતા અને આમિર ખાન.
શું છે ફિલ્મની સ્ટોરી? ફિલ્મની સ્ટોરી ગ્રામીણ વિસ્તારથી શરૂ થાય છે. ગામમાં લગ્નની સિઝન ચાલી રહી છે. બે યુવક તેમની દુલ્હન સાથે ટ્રેનમાં ચઢે છે. બંને દુલ્હનના ચહેરા પર ઘૂંઘટ છે, જેના કારણે તેમના ચહેરા દેખાતા નથી. યાત્રા પૂરી થયા પછી બંને દુલ્હન નીચે ઊતરીને ક્યાંક ગાયબ થઈ જાય છે. એક યુવક ‘દીપક’ આકસ્મિક રીતે બીજી કન્યા ‘પુષ્પા’ને તેના ઘરે લાવે છે. તેની અસલી પત્ની ‘ફૂલ’ સ્ટેશન પર જ રહે છે. જો કન્યાએ ઘૂંઘટ ન પહેર્યો હોત તો તે કદાચ બદલાઇ ન ગઇ હોત. સ્ત્રીઓને ઘૂમટામાં રાખવાની આ માનસિકતાના આધારે ફિલ્મ લખવામાં આવી છે.