ઈઝરાયલ જેના જોરે તાડુકી રહ્યું હતું એ આયરન ડોમ સિસ્ટમ હવે નબળી પડી છે. ગયા વર્ષે હમાસે કરેલા હુમલા અને આ વર્ષે ઈરાને કરેલા હુમલામાં આ સિસ્ટમ એવું કામ ન આપી શકી, જેવું આપવું જોઈએ. ઈઝરાયલ માટે આ જ ચિંતાનો વિષય છે. આજે ઈઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ આયરન ડો
.
નમસ્કાર,
ઈરાને ઈઝરાયલ પર ધડાધડ 180 મિસાઈલ છોડી. ઇઝરાયલે દાવો કર્યો કે અમારી તરફ આવી રહેલી ઘણી મિસાઇલોમાંથી માત્ર થોડી જ ઇઝરાયલની ધરતી પર પહોંચી અને બાકીની હવામાં નાશ પામી, પરંતુ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ દાવો કર્યો છે કે 90 ટકા મિસાઈલો અમે ટાર્ગેટ પર છોડી છે ને સફળ પણ થયા છીએ. હવે બંને દેશો પાસે પોતપોતાનાં તથ્યો છે. આ દરમિયાન એન્ટી મિસાઈલ સિસ્ટમમાં ખૂબ જ ખતરનાક માનવામાં આવતા આયરન ડોમને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આમાં બે સવાલ થાય છે.
1. શું ઈઝરાયલનું સુરક્ષાચક્ર મનાતી આયરન ડોમ સિસ્ટમ હવે ફેલ થઈ ગઈ છે?
2. શું ભારત પાસે ઈઝરાયલની એન્ટી મિસાઈલ સિસ્ટમ જેવું કાંઈ છે?
પહેલાં જાણો આયરન ડોમ સિસ્ટમ છે શું? આ સિસ્ટમ ટૂંકા અંતરથી છોડવામાં આવેલા રોકેટ અથવા મિસાઇલને રોકી શકે છે. આયરન ડોમ ચાર કિલોમીટરથી 70 કિલોમીટરના અંતરથી છોડવામાં આવેલાં રોકેટ અથવા મિસાઈલને અટકાવી શકે છે. એ મિસાઈલોને ખૂબ સારી રીતે ટ્રેક કરે છે. એ આવી રીતે કામ કરે છે-
- પહેલા આયરન ડોમ સિસ્ટમ રોકેટ કે મિસાઈલની ઓળખ કરે છે.
- આ પછી મિસાઈલ કઈ દિશામાં જઈ રહી છે અને પડે એમ છે કે નહીં એ ચેક કરે છે.
- આ પછી વોર્નિંગ સાયરન વગાડવામાં આવે છે.
- સાયરન બાદ નાગરિકો પાસે બંકરમાં જવા માટે 30થી 90 સેકન્ડનો સમય હોય છે.
- આ પછી આયરન ડોમની AI સિસ્ટમ કમાન્ડ મુજબ ઓપરેટર્સ કાઉન્ટર મિસાઇલ લોન્ચ કરે છે અને રોકેટને હવામાં જ નષ્ટ કરે છે.
આયરન ડોમ સિસ્ટમને આવી રીતે સમજો…
- આયરન ડોમ એક મોબાઈલ એર ડિફેન્સ સિસ્ટમ છે.
- એને ઈઝરાયલની સરકારી ડિફેન્સ એજન્સી ‘રાફેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમ્સ’એ વિકસાવી છે.
- આયરન ડોમને ડિફેન્સ મિસાઈલ બેટરી પણ કહેવામાં આવે છે.
- આખા ઈઝરાયલમાં આવી સાત ડિફેન્સ મિસાઈલ બેટરી લગાવવામાં આવી છે.
- દરેક બેટરી ઇન્ટરસેપ્ટ મિસાઇલ કેપેસિટીથી સજ્જ છે. એ સેફ વાયરલેસ કનેક્શન દ્વારા સંચાલિત થાય છે.
- આયરન ડોમમાં રડાર યુનિટ, મિસાઈલ કંટ્રોલ યુનિટ અને મલ્ટીપલ લોન્ચર્સ છે.
2006ના લેબનન સાથેના યુદ્ધ પછી ઈઝરાયલને આયરન ડોમ બનાવવાનો વિચાર આવ્યો 2006માં ઈઝરાયલે એવી જાહેરાત કરી હતી કે આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ ઇઝરાયલી ફર્મ રાફેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમ અને ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી સાથે મળીને ડેવલપ કરશે. 2006ના ઇઝરાયલ-લેબનન યુદ્ધ દરમિયાન હિઝબુલ્લાહે ઇઝરાયલ પર હજારો રોકેટ છોડ્યાં હતાં. આ પછી ઈઝરાયલે નવી એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ બનાવવાની જાહેરાત કરી હતી. ઈઝરાયલે અબજો રૂપિયાના ખર્ચે એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવી અને એને આયરન ડોમ નામ આપ્યું. આને બનાવવામાં લાંબો સમય લાગ્યો. અંતે 2011થી આ સિસ્ટમ એક્ટિવ થઈ.
અમેરિકાએ આયરન ડોમ બનાવવા માટે 20 કરોડ ડોલર આપ્યા હતા આ સિસ્ટમ બનાવવામાં અમેરિકાએ ઈઝરાયલને ટેક્નિકલ અને ફાઇનાન્શિયલ મદદ કરી છે. અમેરિકાએ 20 કરોડ ડોલરની મદદ ઈઝરાયલને કરી હતી. આ શોર્ટ રેન્જ ગ્રાઉન્ડ-ટુ-એર ડિફેન્સ સિસ્ટમમાં રડાર અને તામિર નામની ઇન્ટરસેપ્ટર મિસાઈલ છે. જે કોઈપણ રોકેટ કે મિસાઈલને ટ્રેક કરે છે અને એને હવામાં જ ખતમ કરી નાખે છે. આ સિસ્ટમે ગાઝામાંથી છોડેલાં મોટા ભાગનાં રોકેટનો નાશ કર્યો હતો. આયરન ડોમમાં પણ બે અલગ-અલગ સિસ્ટમ છે, જે મીડિયમ રેન્જ અને લોન્ગ રેન્જ માટે કામ કરે છે. આયરન ડોમ સિસ્ટમ રોકેટ, આર્ટિલરી, મોર્ટાર, મિસાઈલ, એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને ડ્રોન-એટેકનો સામનો કરી શકે છે.
આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે કેટલો ખર્ચ થયો? આ સિસ્ટમની યુનિટ કોસ્ટ 50 મિલિયન ડોલર (લગભગ 368 કરોડ રૂપિયા) છે. એમાં ફિટ કરેલી એક ઇન્ટરસેપ્ટર તામિર મિસાઇલની કિંમત લગભગ 80 હજાર ડોલર (59 લાખ રૂપિયા) છે. એમાં ફિટ એક રોકેટની કિંમત 1 હજાર ડોલર (લગભગ 74 હજાર રૂપિયા) છે. આ સિસ્ટમમાં દુશ્મનના રોકેટને અટકાવવા માટે બે તામિર મિસાઈલ છે. એનો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે કોઈ દુશ્મને રોકેટ છોડ્યાં હોય અને એ રોકેટ કોઈ શહેરમાં પડવાનાં હોય. ત્યાં સુધી આ સિસ્ટમ આમ જ પડી રહે છે. એના મેઈન્ટેનન્સનો ખર્ચો પણ ખૂબ આવે છે. ઈઝરાયલના જ કેટલાક નેતાઓ અવારનવાર કહી ચૂક્યા છે કે હવે આપણે આયરન ડોમના બદલે નવી સિસ્ટમ ઊભી કરવાની જરૂર છે.
આયરન ડોમ સિસ્ટમ ક્યારે ક્યારે નિષ્ફળ ગઈ?
- 7 ઓક્ટોબર 2023એ હમાસે 20 મિનિટમાં 5 હજાર રોકેટ ઝીંક્યાં ત્યારે આ સિસ્ટમ એ રોકેટોને રોકી શકી નહીં.
- 20 મે 2023એ પણ ઈઝરાયલના દક્ષિણી વિસ્તારમાં હમાસે મિસાઈલ ઝીંકી ત્યારે પણ સિસ્ટમ નિષ્ફળ રહી.
- 1 ઓક્ટેબર 2024એ ઈરાને 180 જેટલી મિસાઈલ ઝીંકી ત્યારે પણ આ સિસ્ટમ સરખું કામ કરી શકી નહીં.
ઈઝરાયલ પાસે આયરન ડોમ સિવાય કઈ-કઈ સિસ્ટમ છે? ઈઝરાયલ માત્ર આયરન ડોમના ભરોસે જ નથી, પણ એવી ઘણી સિસ્ટમ્સ પણ છે, જેનાથી તે મિસાઈલને હવામાં જ નષ્ટ કરી શકે છે. ઇઝરાયલ પાસે ઘણી એર ડિફેન્સ સિસ્ટમ છે. આ સિસ્ટમ અલગ અલગ ઊંચાઈ અને ડિસ્ટન્સે મિસાઈલોને અટકાવવા માટે બનાવવામાં આવી છે. આ સિસ્ટમ વિશે પણ જાણો…
- ડેવિડ્સ સ્લિંગ : મીડિયમ રેન્જથી મારવા માટે પર્ફેક્ટ સિસ્ટમ. ડેવિડ્સ સ્લિંગ ઓછી ઊંચાઈ પર ટૂંકા અંતરની, મીડિયમ રેન્જની અને લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઈલોને તોડી પાડવા માટે બનાવવામાં આવી છે.
- એરો-2 : એને 50 કિલોમીટરથી ઉપરથી પસાર થતી શોર્ટ રેન્જ અને મીડિયમ રેન્જની મિસાઇલોને નષ્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. એ 500 કિલોમીટર દૂરથી મિસાઈલને શોધી શકે છે.
- એરો-3 : આ સિસ્ટમ લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલોને રોકવા માટે બનાવવામાં આવી છે.
આ તમામ ઈઝરાયલની ખાસ એર ડિફેન્સ સિસ્ટમ છે, જેના કારણે 90 ટકા મિસાઈલો જમીન સુધી પહોંચી શકતી નથી. ઈરાનના મિસાઈલ હુમલા પછી ઈઝરાયલે દાવો કર્યો છે કે ઈરાનની દર 10 મિસાઈલમાંથી માત્ર 1 જ જમીન સુધી પહોંચી શકી છે. બાકીની મિસાઈલને હવામાં નષ્ટ કરવામાં આવી છે.
ફોર્મર US આર્મી રેન્જરે કહ્યું, આયરન ડોમે ઈરાનની મિસાઈલો કેમ ન તોડી એ જ નવાઈ છે પોડકાસ્ટર ડેની હાઈપહોંગના પોડકાસ્ટમાં ફોર્મર US આર્મી રેન્જર ગ્રેગ સ્ટોકરે કહ્યું કે ઈરાને એવી રીતે હુમલો કર્યો કે ઈઝરાયલે તાત્કાલિક ઈમર્જન્સી મિટિંગ બોલાવવી પડી. એનું કારણ છે આયરન ડોમનું ફેલ્યોર. ઈરાને જે મિસાઈલ મારો કર્યો એ થોડી જ મિનિટોમાં 180 મિસાઈલો છોડી. આ મિસાઈલ એવી જગ્યાએ પડી કે જે ખુલ્લી જમીન હતી એટલે મોટી ખુંવારી ન થઈ અને કેટલીક મિસાઈલ માનવ વસતિમાં પડી, જેમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા. ઈરાને એકાએક એટલી મિસાઈલો ઝડપથી છોડી કે ઈઝરાયલનું સુરક્ષાચક્ર મનાતી આયરન ડોમ સિસ્ટમ પણ કામ ન કરી શકી, એટલે જ ઈઝરાયલ વધારે મૂંઝાયું છે. આયરન ડોમમાં AI કંટ્રોલ સિસ્ટમ હતી, એ પણ ફેલ થઈ ગઈ છે.
ઈઝરાયલની આ સિસ્ટમ અત્યારસુધી બહુ સારું કામ કરતી હતી. આયરન ડોમ સિસ્ટમ એ એક પ્રકારનું રડાર છે, એ કોઈપણ મિસાઈલને ઈન્ટરસેપ્ટ કરીને એ જાણી લેતી કે આ મિસાઈલ પડશે કે નહીં. જો પડે ેમ હોય તો AI સિસ્ટમ એક્ટિવ થઈ જતી અને એન્ટી મિસાઈલ છૂટતાં દુશ્મનીન મિસાઈલ ખતમ થઈ જતી, પણ આવું બીજીવાર થયું છે કે ઈઝરાયલની એરડોમ સિસ્ટમ હાંફી રહી હોય. આ પહેલાં હમાસે પણ એકસાથે મિસાઈલ મારો ચલાવ્યો હતો ત્યારે પણ ઈઝરાયલની આ સિસ્ટમે જોઈએ એટલો સાથ આપ્યો નહોતો.
ગયા વર્ષે હમાસે 5,000 રોકેટ છોડ્યાં ત્યારે જ આયરન ડોમ સિસ્ટમ નબળી પડી હોવાની ખબર પડી 7 ઓક્ટોબર,2023ની સવારે હમાસે ઈઝરાયલ પર 20 જ મિનિટમાં એક પછી એક 5000 રોકેટ છોડ્યાં હતાં. આયરન ડોમ નામની ઈઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ આ હુમલાઓને રોકી શકી નથી. 5 મહિનામાં આ બીજી વખત છે જ્યારે આયરન ડોમ સિસ્ટમ ફેલ થઈ છે.
જ્યારે હમાસે 10 મે, 2023ના રોજ ઈઝરાયલના દક્ષિણી વિસ્તારમાં મિસાઈલ છોડી હતી, એ પણ નિષ્ફળ ગઈ હતી. ઈઝરાયલે હવાઈહુમલા સામે રક્ષણ આપવા માટે 2011માં આયરન ડોમ તૈયાર કર્યો હતો. ત્યાર બાદ એને વિશ્વની સૌથી ભરોસાપાત્ર એર ડિફેન્સ સિસ્ટમ તરીકે વર્ણવવામાં આવી હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે એનો સક્સેસ રેટ 94% છે.
હુમલા સમયે હાર્ડવેર તેના સોફ્ટવેર સાથે ઘણી વખત કનેક્ટ થયું નહોતું. એ પછી મે-2024માં હમાસના હુમલા વધ્યા પછી તપાસમાં જાણવા મળ્યું કે આયરન ડોમનું હાર્ડવેર 2011થી અપડેટ કરવામાં આવ્યું નહોતું. જ્યારે સોફ્ટવેરને વારંવાર અપડેટ કરવામાં આવ્યું હતું. જેરુસલેમ પોસ્ટે એક લેખમાં એવો પણ દાવો કર્યો હતો કે મે મહિનાના હુમલામાં આયરન ડોમનો સક્સેસ રેટ માત્ર 60% હતો. આયરન ડોમ પર બ્રોક યુનિવર્સિટીના સહયોગી પ્રોફેસર માઈકલ આર્મસ્ટ્રોંગ સમજાવે છે કે કોઈપણ મિસાઈલ સિસ્ટમ સંપૂર્ણપણે ભરોસાપાત્ર નથી. હવે હુમલાનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે.
હવે એ જાણીએ કે ભારત પાસે કઈ સિસ્ટમ છે? હવે વાત કરીએ ભારતની. ભારત પાસે ખૂબ જ મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ છે અને હવે એને સંપૂર્ણપણે સ્વદેશી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઈઝરાયલના આયરન ડોમની રેન્જ લગભગ 70 કિલોમીટર છે, જ્યારે ભારત પાસે પણ પોતાની લેન્ડ ટુ એર અને એર ટુ એર એટેક કરવાની મિસાઈલ સિસ્ટમ છે. આ એક એવી સિસ્ટમ છે, જે 25 કિલોમીટરની રેન્જમાં ચાર એર ટાર્ગેટને હિટ કરી શકે છે.
- S-400 : વિશ્વની સૌથી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમમાંથી એક ગણવામાં આવે છે. S-400 એ એન્ટી-એક્સેસ અને એરિયા ડિનાયલના ક્ષેત્રમાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ એરક્રાફ્ટ, યુએવી, બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઈલને મારવામાં સક્ષમ છે. આ સિસ્ટમમાં અનેક મિસાઈલોનું કોમ્બિનેશન છે, જે વિવિધ રેન્જ પર ટાર્ગેટ કરી શકે છે, જેમાં 40 કિમીની રેન્જ સાથે 9M96E, 120 કિમીની રેન્જ સાથે 9M96E2, 250 કિલોમીટરની રેન્જવાળી 48N6 અને 400 કિમીની રેન્જવાળી 40N6E મિસાઈલ છે. ભારત રશિયા પાસેથી આ સિસ્ટમ લઈ રહ્યું છે.
- MRSAM : જો આપણે 70 કિલોમીટરની રેન્જવાળી સિરીઝની વાત કરીએ તો ભારતીય સેના પાસે મીડિયમ રેન્જની જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ MRSAM છે. જે ભારત અને ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવી છે. MRSAM દુશ્મનના મિસાઈલ, એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને એર બોમ્બનો નાશ કરવામાં સક્ષમ છે. આ એક સુપરસોનિક મિસાઈલ છે, જે સૌથી ઝડપી છે. એનું વજન 275 કિલો છે અને એની રેન્જ 70 કિલોમીટર છે.
- Igla-S : ભારતીય સેનાને તાજેતરમાં મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ સાથે 10 મિસાઇલ મળી છે, જે રશિયાએ બનાવી છે. ઇગ્લા-એસ એ હાથથી પકડવાની એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ છે. દુશ્મનના એરક્રાફ્ટને ટાર્ગેટ કરીને નીચે લાવવા માટે ફાયર કરી શકાય છે. હવે ભારતીય સેના LBRG (લેઝર બીમ રાઇડર ગાઇડન્સ) સિસ્ટમ પર પણ કામ કરી રહી છે.
- BMD : BMD એટલે બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ. ભારતે હાલમાં જ DRDO સાથે બેલિસ્ટિક મિસાઈલ સંરક્ષણને લઈને ઘણાં પરીક્ષણો કર્યાં છે. BMD પૃથ્વીના વાતાવરણની અંદર અને બહાર બંને બેલિસ્ટિક મિસાઇલોને ટ્રેક કરવા અને એનો નાશ કરવા માટે બનાવાય છે. BMD બે સ્તરે કામ કરે છે. એક, 3000 કિલોમીટર સુધીની રેન્જ ધરાવતી મિસાઇલોને અટકાવે છે, જ્યારે બીજા તબક્કાનો હેતુ 5000 કિલોમીટરથી વધુની રેન્જ ધરાવતી મિસાઇલોને અટકાવે છે. ભારતમાં DRDO અત્યારે આ મિસાઈલ પર કામ કરી રહ્યું છે.
છેલ્લે,
ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યો અને હવે ઈઝરાયલ પણ વળતો પ્રહાર કરવાના મિજાજમાં છે. આવા સમયે G-7 દેશોની ઈમર્જન્સી મિટિંગ મળી હતી. G-7ના દેશો ઈટાલી, અમેરિકા, કેનેડા, બ્રિટન, ફ્રાંસ, જર્મની અને જાપાને આ મિટિંગમાં ઈરાન પર પ્રતિબંધ મૂકવા વિચારણા કરી છે. બીજી તરફ, આ જ મિટિંગમાં હાજર રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પહેલીવાર ઈઝરાયલથી મોઢું ફેરવ્યું છે. તેમણે કહ્યું હતં કે ઈઝરાયલ જો ઈરાનનાં પરમાણુ ઠેકાણાં પર હુમલા કરશે તો અમેરિકા તેને સાથ નહીં આપે.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ : યશપાલ બક્ષી )