ન્યૂયોર્ક2 કલાક પેહલા
- કૉપી લિંક
અમેરિકામાં એક મહિના પછી રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. મૂળ ભારતીયો ચૂંટણીને લઈ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે, કારણ કે જો ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ જીતશે તો અમેરિકામાં પ્રથમ ભારતીય મૂળનાં પ્રમુખ હશે. બીજી તરફ, પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારતીય સમર્થકો પણ ઉત્સાહિત છે કારણ તેમનું કહેવું છે કે ટ્રમ્પ પ્રશાસનમાં ભારતીયોનું પ્રતિનિધિત્વ સૌથી વધુ છે. ટ્રમ્પના કાર્યકાળમાં 80થી વધુ ભારતીયોને ઉચ્ચ પદે નિયુક્ત કરાયા હતા.
કમલા હેરિસ અને ટ્રમ્પની પ્રચાર ટીમ અનુસાર રાષ્ટ્રપતિ પદના બંને ઉમેદવારોએ તેમના શેડો કેબિનેટની રૂપરેખા તૈયાર કરી છે. જેમાં ભારતીય-અમેરિકનોનું વર્ચસ્વ રહેવાની ધારણા છે. કમલા હેરિસની શેડો કેબિનેટમાં ભારતીય મૂળના 5 અને ટ્રમ્પની કેબિનેટમાં પણ 4થી 5 ભારતીયોનો સમાવેશ થાય તેવી શક્યતા છે.
કમલા પ્રશાસન: ડો. અમી બેરા, રો ખન્ના સહિત 5 ભારતવંશી સામેલ હેરિસ પ્રશાસનમાં જે ભારતવંશી નેતાઓનો કેબિનેટમાં સ્થાન મળવાની સંભાવના છે તેમાં અમેરિકી કોંગ્રેસના 5 નેતા સૌથી આગળ છે. અમેરિકી કોંગ્રેસના સભ્ય ડો. અમી બેરા, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ, શ્રી થાનેદાર અને પ્રેમિલા જયપાલનાં નામ સૌથી મોખરે છે. બાઇડેન-કમલા હેરિસ પ્રશાસનમાં વરિષ્ઠ ભૂમિકાઓ માટે નામાંકિત ભારતીય અમેરિકનોમાં મહિલાઓની સંખ્યા અડધાથી વધુ છે અને ઓબામા પ્રશાસન દ્વારા નિયુક્ત કરાયેલા કેટલાકને જાળવી રાખવાની અપેક્ષા છે.
ટ્રમ્પ પ્રશાસન: વિવેક સ્વામી અને નિક્કીનું કેબિનેટમાં સ્થાન સંભવ ટ્રમ્પ કેબિનેટમાં વિવેક રામાસ્વામી અને નિક્કી હેલી સૌથી આગળ છે. બંને ઉમેદવારો ટ્રમ્પ સાથે રિપબ્લિકન ટિકિટની રેસમાં સામેલ હતાં અને બાદમાં ટ્રમ્પને સમર્થન આપીને રેસમાંથી ખસી ગયાં હતાં. બંનેને કેબિનેટમાં સ્થાન મળવાનું સંભવ છે. અમેરિકી સિક્યોરિટી કાઉન્સિલના અધિકારી અને પ્રોફાઈલ વકીલ કાશ પટેલ મંત્રીપદની રેસમાં છે. રિપબ્લિકન હિન્દુ ગઠબંધનના સ્થાપક શલભ કુમાર ટ્રમ્પ માટે ભારતીય મતો મેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે ટ્રમ્પ માટે 3485 કરોડ આપ્યા છે.
નીરા ટંડન અને વિવેક મૂર્તિ પદ પર યથાવત્ રહેશે યાદીમાં સૌથી મોખરે નીરા ટંડન છે, જે વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટના ડિરેક્ટર છે. આ ઉપરાંત પૂર્વ સર્જન જનરલ ડો.વિવેક મૂર્તિ પણ રહેશે. ન્યાય વિભાગમાં પૂર્વ એસોસિયેટ એટર્ની જનરલ વનિતા ગુપ્તા, નાગરિક સંરક્ષણમાં પૂર્વ અન્ડર સેક્રેટરી ઉજરા જેયા, એશિયન અમેરિકન્સ પરના રાષ્ટ્રપતિના સલાહકાર આયોગના પૂર્વ સભ્ય અજય જૈન ભુટોરિયા, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં દક્ષિણ એશિયા માટે પૂર્વ વરિષ્ઠ નિર્દેશક સુમોના. ગુહાની નિમણૂક કરાશે.
રાજ શાહ, અજિત પઈ અને નેઓમીને પણ પદ ટ્રમ્પના પૂર્વ મુખ્ય નાયબ પ્રેસ સચિવ રાજ શાહ, યુનાઇટેડ સ્ટેટ્સ ફેડરલ કોમ્યુ. કમિશનના અધ્યક્ષ અજિત પઇ અને વ્હાઇટ હાઉસમાં માહિતી અને નિયમનકારી બાબતોના કાર્યાલયના પ્રબંધક નેઓમી રાવનો સમાવેશ થાય છે. સેન્ટર્સ ફોર મેડિકેર એન્ડ મેડિકેડ સર્વિસીસના પૂર્વ એડમિનિસ્ટ્રેટર સીમા વર્મા, આર્થિક અને વ્યવસાયિક બાબતોના રાજ્યના સહાયક સચિવ મનીષા સિંઘ અને બૌદ્ધિક સંપદા અમલીકરણ સંયોજક વિશાલ અમીનની પણ નિમણૂક થવાની શક્યતા છે.
નોંધનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાનાં 8 વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતીય મૂળના 60થી વધુ ભારતીયોને વરિષ્ઠ પદો પર નિયુક્ત કર્યા હતા. વર્તમાન પ્રમુખ જો બાઈડેને ભારતીય મૂળના 130 નેતાઓને વરિષ્ઠ હોદ્દા પર નામાંકિત કર્યા હતા. આગામી ચૂંટણીનાં પરિણામો પછી ટ્રમ્પ કે કમલા હેરિસ જીતે 150થી વધુ ભારતીય-અમેરિકનોને વરિષ્ઠ પદો પર નિયુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે.