પૂર્વમાં પોલીસના પેટ્રોલીંગના દાવા વચ્ચે લૂંટફાટના બનાવો વધી રહ્યા છે
મિત્ર સાથે વાત કરતો હતો ત્યારે બાઇકર્સ ગેંગે લૂંટ ચલાવી હતી
Updated: Dec 30th, 2023
અમદાવાદ, શનિવાર
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પોલીસના પેટ્રોલીંગના દાવા વચ્ચે લૂંટફાટના બનાવો વધી રહ્યા છે. બાઇકર્સ ગેંગ દ્વારા એકલ દોકલ જતી મહિલાઓને ટાર્ગટ કરીને તેમના ગળામાં સોનાના દોરા તથા મોબાઇલની લૂટ ચલાવવાના બનાવો વધી રહ્યા છે. આજે વહેલી સવારે શ્રમજીવી યુવક મિત્ર સાથે વાત કરતો હતો ત્યારે બાઇક ઉપર આવેલા શખ્સો યુવકનો મોબાઇલ લૂંટીને ભાગી રહ્યા હતા. આ સમયે યુવકે હિંમતભેર પીછો કરીને આરોપીને પકડીને પોલીસને સુપરત કર્યો હતો. આ બનાવ અંગે ગાયકવાડ હવેલી પોલીસે આરોપી સામે ગુનો નોધીને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વહેલી સવારે ફૂલબજાર પાસે શ્રમજીવી યુવક મિત્ર સાથે વાત કરતો હતો ત્યારે બાઇકર્સ ગેંગે લૂંટ ચલાવી હતી
બહેરામપુરામાં રહેતા યુવકે ગાયકવાડ હલેવી પોલીસ સ્ટેશનમાં સરખેજમાં રહેતા કયુબ તથા બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક આજે વહેલી સવારે નોકરી ઉપર જવા રિક્ષામાં બેસીને આવ્યો હતો અને જમાલપુર ફુલબજાર ઉતર્યા હતા. ત્યારબાદ ત્યાં ઉભા રહીને તેના મિત્રને ફોન કરતા હતા તે સમયે બાઇક પર આવેલ બે અજાણ્યા શખ્સોએ તેમના હાથમાંથી મોબાઇલ ઝુંટવી લીધો હતો. આ સમયે યુવકે બુમાબુમ કરતા આસપાસના લોકો અને તેનો મિત્ર તેમની પાછળ દોડયા હતા.
ત્યારે ફરિયાદીએ બાઇકની પાછળ બેસેલ શખ્સને પકડી લેતા તે પડી ગયો હતો. જેથી લોકોએ તેને ઝડપી લીધો હતો અને નામ પૂછતા કયુબ સરખેજનો રહેવાસી હોવાનું કહ્યું હતુ તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ગાયકવાડ હવેલી પોલીસે બે શખ્સો સામે ગુનો નોધીને આરોપીની ધરપકડ કરીને અન્ય શખ્સની શોધખોળ હાથધરી છે.