વડોદરા મહાનગર સેવા સદનના વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓએ કાયમી કરવાની માગ સાથે આજે પુનઃ એકવાર મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. બપોરે જમવા માટે જવા નિકળેલા મ્યુનિસિપલ કમિશનરને આંદોલનકારીઓએ માર્ગ ન આપતા ગાડીમાં જ અ
.
કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ VMC ઓફિસે મોરચો માંડ્યો એક સપ્તાહ પૂર્વે એસ.સી. એસ.ટી. કામદાર યુનિયનના અગ્રણી અશ્વિન સોલંકીની આગેવાનીમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ કાયમી કરવાની માગ સાથે મોરચો માંડ્યો હતો અને આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ કર્મચારીઓનો પ્રશ્ન હલ ન થતા આજે પુનઃ મોટી સંખ્યામાં કર્મચારીઓએ કમિશનર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. કર્મચારીઓ કમિશનર ઓફિસમાં ધસી ન જાય તે માટે પાલિકા સિક્યુરિટી દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. ગેટ બંધ કરી દેવામાં આવતા આ ગેટની આવન જાવન કરતા અન્ય અધિકારીઓને બીજા ગેટથી પોતાની ચેમ્બરમાં જવાની ફરજ પડી હતી.
હમારી માગ પૂરી કરો, જય ભીમના સૂત્રોચ્ચાર કર્યા કાયમી કરવાની માગ સાથે મોટી સંખ્યામાં કમિશનર કચેરી ઉપર બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરનું માસ્ક પહેરીને આવી પહોંચેલા કર્મચારીઓ દ્વારા હમારી માગે પુરી કરો, કર્મચારી સંગઠન જિંદાબાદ અને જય ભીમના ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા હતાં. આક્રમક બનેલા કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થા હાથમાં ન લે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આંદોલનકારીઓએ મ્યુ. કમિશનરની ગાડી અટકાવી દીધી આજે બપોરે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા પોતાની ગાડીમાં જમવા માટે ઘરે જવા માટે નીકળ્યા, ત્યારે કર્મચારીઓએ પોલીસની હાજરીમાં તેમની ગાડી ગેટની બહાર નિકળવા ન દેતાં અડધો કલાક ગાડીમાં બેસી રહેવાની ફરજ પડી હતી. પાલિકાના સિક્યુરીટી દ્વારા આંદોલનકારીઓને સમજાવવા છતાં, આંદોલનકારીઓ ટસથી મસ ન થતાં મ્યુનિસિપલ કમિશનર સિક્યુરિટીના બંદોબસ્ત વચ્ચે આંદોલનકારીઓની વચ્ચેથી સડસડાટ નીકળી ગયા હતા.
મ્યુ. કમિશનરને 3 કિમી ચાલીને ઘરે જવાની ફરજ પડી મ્યુનિસિપલ કમિશનર આંદોલનકારીઓ વચ્ચેથી નીકળતા થયેલી ધક્કામુક્કીમાં અનેક મહિલા -પુરૂષ આંદોલનકારીઓ દબાઇ ગયા હતા. કેટલાક આંદોલનકારીઓએ મ્યુનિસિપલ કમિશનર પાછળ સૂત્રોચ્ચાર કરતા પીછો કર્યો હતો. જોકે, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને 3 કિમી સયાજી હોસ્પિટલના ગેટ સુધી ચાલતા જવાની ફરજ પડી હતી. ત્યાંથી બીજી ગાડીમાં જવાની ફરજ પડી હતી. જોકે, સયાજી હોસ્પિટલનાં ગેટ પાસે પણ પીછો કરનાર આંદોલનકારીઓએ ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. સવારે ઓફિસ ટાઇમ સમયે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ઓફિસમાં આવ્યા ત્યારે પણ તેઓને આંદોલનકારીઓની વચ્ચેથી પસાર થઇ ઓફિસમાં જવાની ફરજ પડી હતી.
મારી ગાડી સામે આંદોલનકારીઓ સૂઇ જાય છે આ ઘટના અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ભાજપ કોર્પોરેટર જયશ્રી સોલંકીના પતિ અને SC/ST કામદાર યુનિયનના અગ્રણી અશ્વિન સોલંકી પર આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, અશ્વિન સોલંકી અવારનવાર કર્મચારીઓને લઇ ખોટી રીતે આંદોલન કરાવી રહ્યા છે. સરકારી કામકાજમાં દખલગીરી કરી રહ્યા છે. આ યોગ્ય નથી. મારી ગાડી સામે આંદોલનકારીઓ સૂઇ જાય છે. મારે 3 કિમી સુધી ચાલતા જવું પડે છે. આંદોલનકારીઓ કાયદો હાથમાં લઇ રહ્યા છે.
તમામ 11 મહિના કરાર આધારીત કર્મચારીઓ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આંદોલનકારીઓ ખોટું આંદોલન ચલાવી રહ્યા છે. તમામ 11 મહિના કરાર આધારીત કર્મચારીઓ છે. આથી તેઓની માગ સ્વિકારી શકાય તેમ નથી. કાયદાકીય તે રીતે કોર્પોરેશન દ્વારા કામ કરવામાં આવશે. કર્મચારી સંગઠનના નેતા અશ્વિન સોલંકીએ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ અને કાયમી કર્મચારીઓને ઉશ્કેરી ગેરમાર્ગે દોર્યા છે. મારી કામગીરીમાં વિક્ષેપ ઉભો કર્યો, મને ચાલતા બહાર નીકળવું પડ્યું, મારી ગાડી ન આવવા દીધી. રોડ પરનો ટ્રાફિક પણ અશ્વિન સોલંકીએ અવરોધ્યો છે. નિયમ પ્રમાણે ભરતી કે બઢતીની પ્રક્રિયા થશે. કોર્પોરેશને છેલ્લા ત્રણ વર્ષમાં ન થઈ હોય તેટલી ભરતી એક વર્ષમાં કરી છે.