- Gujarati News
- Business
- Nifty May Fall To 24000, Small Cap Index Falls 3.27 Percent, Midcap 1.85 Percent As Traders Square Off Positions In FND
મુંબઈ57 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય શેરમાર્કેટમાં ઘટાડાનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલીની અસર ઉપરાંત તાજેતરમાં સેબીએ એફએન્ડઓ પરના આકરા નિયમો લાગુ કર્યા હોવાથી ટ્રેડર્સ પોઝિશન સ્ક્વેર ઓફ કરી રહ્યાં છે જેના કારણે સ્મોલ અને મિડકેપમાં આક્રમક ઘટાડો આવતા રોકાણકારોની મૂડી વધુ 9 લાખ કરોડ ઘટીને 452 લાખ કરોડ પહોંચી છે.
છેલ્લા છ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની મૂડીમાં સરેરાશ 26 લાખ કરોડનો ઘટાડો થયો છે. સેન્સેક્સ 638.45 પોઈન્ટ ઘટીને 81050 રહ્યો છે ઇન્ટ્રા-ડેમાં 962.39 પોઈન્ટ ઘટીને 81000 પોઇન્ટની સપાટી ગુમાવી 80726.06 પર પહોંચ્યો હતો. નિફ્ટી 218.85 પોઈન્ટ ઘટીને 24795.75 પર બંધ રહ્યો હતો. જે રીતે માર્કેટમાં નગેટિવ ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેને જોતા એનાલિસ્ટો નિફ્ટી 24000 પોઇન્ટ સુધી ઘટી શકે તેવો નિર્દેશ કરી રહ્યાં છે.
ચીનના સ્ટીમ્યુલસ પેકેજના કારણે વિદેશી રોકાણકારો તે તરફ ડાઇવર્ટ થયા છે. ભારતીય શેરમાર્કેટમાંથી છેલ્લા છ દિવસમાં સરેરાશ 45000 કરોડથી વધુના શેર્સની વેચવાલી કરી છે. સેન્સેક્સ પેકમાં અદાણી પોર્ટ્સ, એનટીપીસી, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પાવરગ્રીડ, ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, ટાઇટન અને અલ્ટ્રાટેક સિમેન્ટ સૌથી વધુ ઘટ્યા હતા. મિડકેપ ઇન્ડેક્સ 1.85 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 3.27 ટકા ઘટ્યો હતો.
સેક્ટોરલ ઇન્ડેક્સમાં યુટિલિટીઝમાં 3.63 ટકાનો જ્યારે પાવર 3.14 ટકા અને સર્વિસિસ 3.12 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત કોમોડિટીઝ 2.54 ટકા, ટેલિકોમમાં 2.49 ટકા,એનર્જીમાં 2.46 ટકા, ઓઇલ એન્ડ ગેસમાં 2.38 ટકાનો ઘટાડો થયો હતો. બુધવારે જાહેર થનારી RBIની નાણાકીય નીતિ પર પણ નજર છે.
…આ સપ્તાહે છ કારણો નિર્ણાયક, કોર્પોરેટ અર્નિંગ્સ ઉપરાંત ક્રૂડની તેજી બજારને અસરકર્તા બની રહેશે
- રિઝર્વ બેન્કની પોલિસી- વ્યાજદર અંગે અને પોલિસી સ્ટેન્ડ અંગેનો ખુલાસો બુધવારે થશે, જે બેન્કિંગ અને વ્યાજદર સેન્સિટીવ શેરો માટે મહત્ત્વનું બનશે.
- ક્રૂડના ભાવ- ઓગસ્ટ 2024 પછીના સૌથી ઊંચા સ્તરે પહોંચ્યા હોવાથી હવે 80 ડોલરને ક્રોસ થાય છે કે તેની પર નજર રહેશે.
- ડોલર ઇન્ડેક્સ- છેલ્લા એક મહિનાથી વ્યાજદર ઘટવા પાછળ સુસ્ત રહેલા આંકમાં ફરીથી વધવાની સ્થિતિ જોવાઈ છે, જે ઇમર્જીંગ માર્કેટ માટે નકારાત્ક રહેશે.
- આઇટી કંપનીઓના પરિણામ- આ સપ્તાહમાં આઇટી કંપનીઓના પરિણામથી રિઝલ્ટની મોસમની શરૂઆત થશે, જે વેલ્યૂએશનનું ચિત્ર સ્પષ્ટ કરશે.
- આઇઆઇપી- ફુગાવાના ડેટા- આ સપ્તાહના અંતે મેક્રો ડેટાની જાહેરાત પર નજર રહેશે કેમકે છેલ્લા કેટલાક સમયથી ડેટા નબળા રહ્યા છે.
- જીયો પોલિટીકલ- ઇરાન અને ઇઝરાયલ વચ્ચે સીધુ યુદ્ધ ફાટી નીકળે છે કે પોક્સી વોર આગળ વધે છે તેની પર બજારમાં સ્થિરતા પાછી ફરવાનો આધાર રહેશે.
FIIની 8293 કરોડની વેચવાલી સામે DIIની 13245 કરોડની ખરીદીનો સપોર્ટ માર્કેટબ્રેડ્થ નેગેટીવ રહેવા સાથે સેન્ટીમેન્ટ સલામતી તરફીનું રહ્યું છે. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 4178 પૈકી 636 સ્ક્રીપ્સમાં સુધારો અને 3422 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતી તરફીનું રહ્યું છે. સેન્સેક્સ પેકમાં 7 સ્ક્રિપ્સ વધી હતી. FIIની 8293.41 કરોડની જંગી વેચવાલી સામે DII દ્વારા 13245.12 કરોડની ખરીદીનો સપોર્ટ રહ્યો હતો.
ઓલા ઇલેક્ટ્રિક બેટરી ડાઉન, શેર ટોચથી 40 ટકાથી વધુ તૂટ્યો ઓલા ઇલેક્ટ્રિકના શેરમાં દોઢ માસમાં જ બેટરીનો પાવર ડુલ થવા લાગ્યો છે… કંપનીએ લિસ્ટિંગ 9 ઓગસ્ટના રોજ થયું હતું. તેની ઇશ્યૂ કિંમત 76 રૂપિયા હતી. લિસ્ટીંગ બાદ શેરે વેગ પકડ્યો હતો અને થોડાક જ દિવસોમાં શેરના ભાવ ડબલ થઇ રૂ.157.53ની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો હતો. ત્યાર પછી દોઢ માસના અત્યંત ટુંકાગાળામાં ટોચથી સરેરાશ 40 ટકાથી વધુ ઘટીને અત્યારે રૂ.90.82 બંધ રહ્યો છે.