વડોદરાના બહુચર્ચિત ગેંગરેપ કેસમાં પોલીસે ત્રણેય આરોપીઓને જેલભેગા કરી દીધા. અંધારી રાત્રે થયેલા દુષ્કર્મના કેસને ઉકેલવા માટે વિવિધ કક્ષાના 65થી પણ વધુ પોલીસકર્મીઓ કામે લાગ્યા હતા. ગાંસડીમાંથી સોય શોધવા જેવું કામ વડોદરા ક્રાઇમ બ્રાંચે 48 કલાકમાં જ કેવી
.
વાંચો, ACP રાઠોડના એમના જ શબ્દોમાં ઇન્વેસ્ટિગેશનની ઇનસાઇડ સ્ટોરી. એચ.એ.રાઠોડે જણાવ્યું, આ બનાવ વડોદરા ગ્રામ્ય પોલીસના વિસ્તારમાં બન્યો હતો. એટલે શરૂઆતના તબક્કે વડોદરા ગ્રામ્ય પોલીસ તપાસ કરતી હતી. પછી અમને ઉપરી અધિકારની સૂચના મળી કે તમે તપાસ કરો. ગ્રામ્ય પોલીસ પાસે ઓછા સંસાધનો હોય, ઓછા અધિકારીઓ હોય. ક્રાઇમ બ્રાંચ પાસે પૂરતી ટીમ હોય અને ટેક્નોલોજી પણ સારી હોવાથી કેસ ઝડપી ઉકેલી શકાય.
વડોદરા ક્રાઈમ બ્રાંચે કુલ આઠ ટીમ બનાવી હતી. જેમાં 2 પીઆઈ, 8 પીએસઆઈ, 55 પોલીસકર્મી મળીને કુલ 65 લોકો સામેલ હતા. ACP તરીકે હું સુપરવિઝન કરતો હતો.
અમે પીડિતાની માતાનું નિવેદન લીધું. તેમણે કહ્યું હતું, “રાત્રે 12:30 વાગ્યાના અરસામાં મેં મારી છોકરીના નંબર પર ફોન કર્યો હતો. એ વખતે મોબાઇલ આરોપી પાસે હશે. એટલે આરોપીએ એક વખત ફોન ઉપાડીને લગભગ ત્રણેક સેકન્ડમાં કટ કરી દીધો. બેકગ્રાઉન્ડમાં ઢોલનો અવાજ પણ આવતો હતો.” પીડિતાના માતાએ અમને આ વિગત જણાવી.
બીજું બાજુ, જ્યાં બનાવ બન્યો હતો એ જગ્યા પરથી અમને ચશ્મા મળ્યા હતા. જેની અંદાજિત કિંમત 50 રૂપિયા હોય એમ લાગતું હતું. એટલે આ કોઈ મજુર માણસો હશે એવું અમે અનુમાન લગાવ્યું હતું.
ત્રીજી કડી આરોપીઓના દેખાવ અને તેમના વ્હીકલને લગતી મળી હતી. પીડિતાએ કહ્યું હતું કે આરોપીએ કાનમાં કડી પહેરી છે. કદ-કાઠી વિશે પણ જાણકારી આપી હતી. આવું જ વર્ણન પીડિતાના મિત્ર પાસેથી પણ પોલીસે જાણ્યું હતું.
પીડિતા અમને એવું કહ્યું હતું કે આ બનાવ 11:30 વાગ્યાની આસપાસના સમયગાળામાં બન્યો હતો. જ્યારે પીડિતાની માતાએ પોલીસને જ્યાં જાણકારી આપી હતી એ પ્રમાણે 12:30 વાગ્યે તેમણે દીકરીને ફોન કર્યો હતો, જે આરોપીએ ઉપાડ્યો હતો. મતલબ કે કોઈનો ફોન મળ્યો હોય અથવા આરોપીએ પોતે જ ફોન ઉપાડ્યો હોય આ વાત કન્ફર્મ કરવાની હતી.
પીડિતાનો ફોન કયા વિસ્તારમાંથી રિસિવ કરવામાં આવ્યો હતો એ લોકેશન અમે શોધી લાવ્યા. આ પછી ઘટનાસ્થળની આસપાસ એક્ટિવ હોય એવા શંકાસ્પદ નંબરના કોલ ડિટેલ રેકોર્ડ (CDR) કઢાવ્યા. એમાંથી અલગ-અલગ પ્રકારે તપાસ કરીને કેટલાક નંબર તારવ્યા હતા.
આ ઉપરાંત આજુબાજુના વિસ્તારમાં આવેલ લગભગ 1100થી પણ વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. એમાંથી પણ કેટલીક માહિતી મેળવીને વેરિફાઇ કરી. આ દરમિયાન અમને એક વ્યક્તિ પર શંકા ગઈ. જેની ગતિવિધિ ટ્રેસ કરતા આ વ્યક્તિનું લોકેશન વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલ એકતાનગરનું હોવાનું જાણવા મળ્યું હતું.
તપાસ ટીમને જ્યારે આ જાણકારી મળી ત્યારે રાત પડી ગઈ હતી. પોલીસ રાત્રે એક વાગ્યાની આસપાસ એકતાનગરમાં આરોપીના ઘરે પહોંચી હતી. પોલીસે દરવાજો ખટખટાવ્યો તો મોટી ઉંમરના બેન બહાર આવ્યા. જે આરોપીના માતા હતા.
અમારી ટીમે તેમને પૂછ્યું કે મુન્ના બંજારા ક્યાં છે? તેની માતાએ કહ્યું, દીકરો તો સાસરીમાં ગયો છે. પરંતુ પોલીસ પાસે જે ટેક્નિકલ પૂરાવા હતા એ પ્રમાણે આરોપીનું લોકેશન એકતાનગરનું જ આવતું હતું. એટલે આજુ-બાજુના ઘરોમાં અમે તપાસ કરી.
મુન્ના તેના ઘરથી બે-ત્રણ મકાન દૂર સૂતો હતો. અમે તેને ઊંઘમાંથી ઉઠાડ્યો. તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, થોડી ઝપાઝપી થઈ પરંતુ ઝડપાઈ ગયો.
રાત્રે 1:00 વાગે આરોપીને ઝડપીને પોલીસ સ્ટેશન લાવીને કડક પૂછપરછ કરી. બાકીના બે આરોપી કોણ છે અને ક્યાં છે એની વિગતો મેળવી. આરોપી મુન્નાએ કહ્યુ, મારી સાથે આફતાબ બંજારા અને શાહરૂખ બંજારા હતા. આ બન્ને પણ તાંદલજા વિસ્તારમાં જ રહે છે. મુન્નાએ આપેલી વિગતો પ્રમાણે પોલીસે રાત્રે જ આફતાબ અને શાહરૂખને પણ ઝડપી પાડ્યા.
આરોપીઓની પૂછપરછમાં સામે આવેલી વિગતો પ્રમાણે મુન્ના બંજારા, આફતાબ બંજારા અને શાહરુખ ત્રણેય ઉત્તર પ્રદેશમાં રહેવાસી છે. છેલ્લા દસ વર્ષ કરતા પણ વધારે સમયથી વડોદરા ખાતે રહે છે. ત્રણેય પીઓપીનું કામ કરે છે. એટલે મિત્રો બન્યા હતા.
4 ઓક્ટોબરની રાત્રનો આખો ઘટનાક્રમ પોલીસે આરોપીના મોઢે સાંભળ્યો. આરોપીઓએ પોલીસ સમક્ષ કરેલી કબૂલાત મુજબ, તાંદલજા વિસ્તારમાંથી કુલ પાંચ યુવકો બાઈક લઈને રખડવા નીકળ્યા હતા. જેમાં એક બાઈક પર ત્રણ જણા અને બીજા બાઈક પર બે લોકો સવાર હતા. ભાઈલી કેનાલ રોડ ઉપર જ્યાં આ ઘટના બની એ અવવારું જગ્યા છે. ત્યાંથી પાંચેય લોકો પસાર થઈ રહ્યા હતા. ત્યાં ડીવાઇડર પર પીડિતા અને તેનો મિત્ર બેઠાં હતા. તેમના પર આરોપીઓની નજર પડી હતી.
જે બાઈક પર ત્રણ લોકો સવાર હતા એ પાછા વળ્યા અને બીજી બાઇક પર સવાર બે લોકોએ “આવું ના કરો, જવા દો” એમ કહીને ત્યાંથી નીકળી ગયા હતા.
ત્રણ આરોપીઓએ પીડિતા અને તેના મિત્ર પાસે આવ્યા. પીડિતાના મિત્રને પકડી રાખ્યો અને સગીરા સાથે દુષ્કર્મ કર્યું. ત્યાર પછી પીડિતાનો મોબાઇલ લઈને ભાગી ગયા હતા. જેથી પીડિતા પોલીસ કે અન્ય કોઈને ફોન ન કરી શકે.
દુષ્કર્મ કર્યા બાદ પણ આરોપીઓ અલગ-અલગ વિસ્તારમાં ફરતા રહ્યા. અડધી રાત્રે તેમણે એક જગ્યાએ આરામથી ચા-પાણી પણ કર્યું. આ દરમિયાન આરોપીઓએ પીડિતાનો મોબાઇલ કોઈક જગ્યાએ સંતાડી દીધો હતો. ચાર વાગ્યાની આસપાસ પોતપોતાના ઘરે જઈને આરોપીઓ સૂઈ ગયા હતા.
જાણે કંઈક બન્યું ન હોય એ રીતે તેમણે બીજા દિવસે વર્તન કર્યું. આરોપીઓ પોતપોતાના ઘરની બહાર નહોતા નીકળ્યા રાત્રે પણ ઘરે જ રહ્યા હતા. પરંતુ મુન્ના નામનો આરોપીઓ પોતાના ઘરે સૂવાને બદલે આજુબાજુના ઘરે જઈને સૂઈ જતા હતા.
આરોપીના પ્રાથમિક નિવેદન પ્રમાણે એ સમયમાં મગજમાં વિકૃતિ, ખરાબ વિચાર આવી ગયા હતા.
વડોદરા ગ્રામ્યના એસપીએ કહ્યુ, પીડિતાએ આ બનાવ પછી તેના મિત્રોને જાણ કરી હતી. એટલે તેઓ દોડી આવ્યા હતા. ત્યાર બાદ તમામ લોકો પીડિતાના ઘરે પહોંચ્યા અને માતા-પિતાને જાણ કરી હતી.
ઘટનાના સમયે વડોદરા ઝોન- 4 DCP પન્ના મોમાયાની નાઈટ શિફ્ટ હોવાથી તેઓ પ્રથમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. દુષ્કર્મ બાદ ગભરાયેલી સગીરાએ સાથે રહેલા સગીર મિત્રના ફોનથી પરિવારનો સંપર્ક કરી બાદમાં પોલીસનો સંપર્ક કર્યો હતો. DCP પહોંચતાં પીડિતાએ તેની પર જબરજસ્તી થઈ હોવાનું જણાવ્યું હતું.
પીડિતાની માતાને ઘટનાની જાણકારી મળતા બદનામીના ડરે પોલીસ ફરિયાદ કરવાનો ઈનકાર કર્યો હતો. ત્યારે DCP એ નરાધમોને કડક સજા થાય, બીજી કોઈ સગીરા સાથે આવું ન થાય એ માટે ફરિયાદ કરવા 1 કલાક સુધી સમજાવટ કરી નામ ગુપ્ત રાખવા ખાતરી આપી હતી. તે પછી પીડિતા અને માતા ફરિયાદ કરવા તૈયાર થયાં હતાં. બાદમાં તાલુકા પોલીસની હદ લાગતી હોવાથી પોલીસ સ્ટેશન સુધી સલામત રીતે મૂકી આવ્યાં હતાં.