એક દેશમાંથી બીજા દેશમાં મોટા ભાગે સોનાની કે ડ્રગ્સની દાણચોરી અંગે સાંભળવા મળે છે. પરંતુ સુરતમાંથી કતાર અને દુબઈમાં પ્રતિબંધિત એવી એબોર્શનની દવાની દાણચોરીનું રેકેટ સામે આવ્યું છે. આ રેકેટ ચલાવવા માટે મુંબઈમાં બેસેલો અન્ના નામનો શખ્સ ડોલર અને કોસ્મેટિક
.
આ મામલે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી પાસે બે અરજી આવી છે. આ કામ માટે ગરીબ ઘરની મહિલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ સમગ્ર મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તપાસ સોંપવામાં આવી છે. રેકેટમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
ધરપકડ કરાયેલી યુવતીની બહેન અને માતા.
એક ટ્રીપના 15થી 20 હજાર રૂપિયા નક્કી થતાં આ રાષ્ટ્રવ્યાપી રેકેટ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કતારની જેલમાં કેદ બે મહિલામાંથી એકની બહેને જણાવ્યું હતું કે, બન્ને બહેનો સુરતના સૈયદપુરા-રામપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં માતા સાથે રહે છે. પોતે સીવણ કામ કરે છે અને માતા શાકભાજીનું વેચાણ કરે છે. ઘરની પરિસ્થિતિ ખરાબ છે. છેલ્લા ત્રણ મહિનાથી વીજળીનું બીલ અને ભાડા ભરવા માટે પણ પૈસા નહોંતા. આ વચ્ચે તેમના નાનપણની બહેનપણી શબનમે તેમને જણાવ્યું હતું કે, તેમના એક ઓળખીતા અન્નાભાઈ કે જેઓ મુંબઈ રહે છે, તેઓ ગરીબ મહિલાઓને કતાર મોકલે છે અને 15 હજાર રૂપિયા આપે છે.
પૈસાની જરૂર હોવાથી યુવતી કતાર જવા તૈયાર થઈ તેમણે વધુમાં કહ્યું કે, આ મહિલાઓને માત્ર ત્યાં કતાર જઈને જે ડોલર તેમને આપવામાં આવ્યા છે, તે ત્યાં સુપ્રત કરવાના હોય છે. આ માટે તેઓને 15 હજાર રૂપિયા આપે છે, પણ તમને 20 હજાર આપશે. આ માટે પાસપોર્ટ અને વિઝા તમામની વ્યવસ્થા અન્નાભાઈ કરીને આપે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ કામ માટે શબનમબેને કતારની જેલમાં કેદ મહિલા અને તેની માતાને કહ્યું હતું, પરંતુ તે સમયે બન્નેએ ના પાડી દીધી. જે બાદ ઘરની આર્થિક પરિસ્થિતિ વધુ ખરાબ થતાં આફરિન આ કામ માટે તૈયાર થઈ ગઈ હતી.
એરપોર્ટ પરથી કતાર જઈ રહેલી સુરતની મહિલા.
યુવતી સુરતથી મુંબઈ અને મુંબઈથી કતાર પહોંચતા ધરપકડ જેલમાં કેદ મહિલા કતાર જવા માટે તૈયાર થતાં પાસપોર્ટ અને વિઝા સહિતની તમામની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. તેણી 7 સપ્ટેબર, 2024ના રોજ સુરતથી મુંબઈ ગઈ હતી અને મુંબઈ એરપોર્ટથી કતાર જવા માટેની ટિકિટ હતી. 9 સપ્ટેબરે તે મુંબઈથી કતાર માટે રવાના થઈ હતી. જ્યારે તે કતાર એરપોર્ટ પહોંચી, ત્યારે ત્યાંની પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસની તપાસ બાદ આ મહિલાને જાણ થઈ કે તે જે બેગમાં ડોલર સમજીને પાર્સલ લઈને આવી હતી તેમાં અબોર્શનની દવા હતી, જે કતારમાં પ્રતિબંધિત છે.
મુખ્ય સુત્રધાર બેગ સાથે વીડિયોમાં કેદ આ મહિલાની બહેને જણાવ્યું કે, ત્રણ દિવસ બાદ અમારી પર મારી બહેનનો ફોન આવ્યો હતો અને ત્રણ દિવસ પછી અમને ખબર પડી કે તેની સાથે શું થયું છે. અમારા પરિચિત અને નાનપણની બહેનપણી શબનમે તેને મોકલી હતી. મેં તેને ફોન કર્યો ત્યારે તેણીએ કહ્યું હતું કે, તે આવી જશે. જો કે, તેને એક મહિનો થઈ ગયો છે, હજુ સુધી નથી આવી. અહીંની પોલીસ પણ અમારી ફરિયાદ લેતી નથી. અન્ના નામનો વ્યક્તિ મારી બહેનને એરપોર્ટ પર છોડવા માટે આવ્યો હતો તેનો વીડિયો પણ મારી પાસે છે. આ વીડિયોમાં બેગ પણ તેની પાસે છે એ સ્પષ્ટપણે જોવા મળે છે.
અન્ય જેલમાં કેદ મહિલા એક દીકરીની માતા આવી જ રીતે સુરત શહેરના ચોક ભાગળ વિસ્તારમાં રહેતી એક મહિલા પણ કતાર ગઈ હતી અને તેની પણ ધરપકડ કરવામાં આવી છે. તેને એક નાની દીકરી છે. આ અંગે તેના પતિએ જણાવ્યું હતું કે, મારી સાથે ફ્રોડ થયો છે. સલીમ હૈદરખાન પઠાણ સહિતના લોકો સ્કેમ કરે છે. આ લોકો સુરતની દીકરીઓને ફસાવે છે. તે લોકો કતાર અને દુબઈ મોકલે છે. આ અંગે અમે લાલ ગેટ પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે પણ ગયા હતા, પરંતુ તેઓએ ફરિયાદ લીધી નથી. જેથી અમે પોલીસ કમિશનરને પણ અરજી કરી છે.
ન્યાય માટે મેદાને પડેલા પરિવારજનો.
એક મહિલા રોજ ખોટું આશ્વાસન આપે છેઃ ઉસ્માન તેઓએ વધુમાં કહ્યું કે, અમને ખોટું આશ્વાસન આપીને કહેવાયું હતુ કે, અહીંથી ડોલર લઈ જઈ ત્યાંથી કોસ્મેટીક લાવવાનું છે. આ અંગે મને જાણ નહોંતી. આ અંગે મને મારી પત્નીએ જાણ કરી હતી, પણ તે ત્યાં ગઈ ત્યારે મને ખબર પડી કે તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યાંની જે એક મહિલા છે તે મને રોજ ખોટું આશ્વાસન આપે છે કે, તમે ચિંતા ન કરો, હું વર્ષોથી આ ધંધો કરું છું અને મારી સાથે ઘણા લોકો સંકળાયેલા છે.
‘સુરતની કેટલીક છોકરીઓ ત્યાં ફસાયેલી છે’ કતારમાં જેલમાં કેદ મહિલાના પતિએ આગળ કહ્યું કે, મારી સરકારને નમ્ર વિનંતી છે કે, ત્યાંથી મહિલાઓ કે જેની ધરપકડ કરવામાં આવી છે તેમને પરત લાવવામાં આવે. આ આખી ટોળકી છે અને મારી પાસે તમામ પુરાવા અને ફોટોગ્રાફ્સ છે, જે મેં પોલીસને આપ્યા છે. સુરતની કેટલીક છોકરીઓને ત્યાં મોકલી છે. આ પ્રકરણમાં શમીમ શેખ, ગુલનાઝ શેખ, મુબારક શેખ અને મલેક નામના શખસો શામેલ છે. શમીમે જ મારી પત્નીને કહ્યું હતું કે, મેં સાંભળેલ છે કે તમે દુબઈથી બુરખા લાવવાનું કામકાજ કરો છો. જેથી અમે તમને કોસ્મેટિક લેવા માટે કતાર મોકલીશું. તમે ડોલરની જગ્યાએ કોસ્મેટિકસ લઈને આવજો આ માટે તમને 20 હજાર રૂપિયા આપવામાં આવશે.
મુંબઈમાં બેસી રેકેટ ચલાવતો મુખ્ય સૂત્રધાર મુન્ના.
મુંબઈના મુખ્ય સૂત્રધાર અન્નાના ગુજરાતમાં એજન્ટો આ તમામ રેકેટમાં અન્ના નામના શખસનું નામ આવે છે, જે હાલ મુંબઈ રહે છે. ગુજરાત સહિત અલગ-અલગ શહેરમાં ગરીબ મુસ્લિમ મહિલાઓને આ લોકો ટાર્ગેટ કરે છે. જે લોકો આર્થિક રીતે પછાત છે, તેમને રૂપિયાની લાલચ આપી તેમને કતાર અને અન્ય દેશોમાં મોકલવામાં આવે છે અને એમની જાણ બહાર ગેરકાયદે રીતે સ્મગલિંગ કરાવવામાં આવે છે. ભલે તે દવાઓ હોય કે દાણચોરી હોય આ મહિલાઓને ખબર પણ હોતી નથી કે, જે બેગ આરોપીઓ આપી રહ્યા છે તેની અંદર શું છે? સુરતમાં અન્નાના એજેન્ટો રહે છે કે, જેઓ અહીંથી મહિલાઓને કતાર મોકલે છે. આ લોકો પહેલા ગરીબ મહિલાઓને શોધે છે અને ત્યારબાદ તેમને કતાર મોકલવા માટે માનસિક રીતે તૈયાર કરે છે. જ્યારે મહિલાઓ તૈયાર થઈ જાય ત્યારે તેમના પાસપોર્ટ અને વિઝા બનાવે છે.
CPએ એસઓજીને તપાસ સોંપી આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જાણ થતાં આ સમગ્ર કેસની ગંભીરતા જોઈ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તપાસ સોંપી છે. કેસમાં જે પણ આરોપીઓ જણાવવામાં આવ્યા છે, તેઓ મોટા રેકેટ સાથે સંકળાયેલા હોઈ શકે છે. આ માટે આ તમામની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપવામાં આવી છે.