અમદાવાદ,બુધવાર,9 ઓકટોબર,2024
અમદાવાદમાં આ વર્ષે ૧૯ હજારથી વધુ વિવિધ રોડ ઉપર ચોમાસામાં
પડેલા ખાડા મ્યુનિ.તંત્ર તરફથી પુરવામાં આવ્યા હતા.સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ શહેરના
વિવિધ વોર્ડમાં આવેલા રોડ રીગ્રેડ કરી નવા બનાવવા ચાર કોન્ટ્રાકટરોને અંદાજિત
રકમથી વધુ રુપિયા ૩૩ કરોડ ચુકવવા દરખાસ્ત મંજુરી માટે મુકાઈ છે.કોન્ટ્રાકટરોને
૨૪.૫૦ થી લઈ ૩૧.૫૦ ટકા સુધીનો ભાવવધારો ચુકવવા મંજુરી અપાશે.
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા વિવિધ વોર્ડમાં આવેલા રસ્તા
રીગ્રેડ કરી રીસરફેસ કરવા, રોડ ઉપર પેચવર્ક
કરવા ઉપરાંત પૂર્વ ઝોનમાં આવેલા વિવિધ વોર્ડના રસ્તાઓ રીગ્રેડ કરી રીસરફેસ કરી નવા
બનાવવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મંજુરી માટે મુકાઈ છે.ઉત્તરઝોનના વિવિધ
વોર્ડમાં આવેલા રસ્તા એન્યુઅલ રેટ કોન્ટ્રાકટ ટેન્ડર મંજુર કરી રીસરફેસ
કરાશે.મધ્યઝોનના વિવિધ વોર્ડમાં આવેલા રસ્તાઓ પણ એન્યુઅલ રેટ કોન્ટ્રાકટ પધ્ધતિથી
કોન્ટ્રાકટરને કામ આપી રીગ્રેડ કરી રીસરફેસ કરાવાશે.વિપક્ષનેતાએ કરેલા આક્ષેપ મુજબ,સ્ટેન્ડિંગ કમિટી
સમક્ષ મંજુરી માટે મુકાયેલી દરખાસ્ત મુજબ રોડની કામગીરી કરાવવા રુપિયા ૧૦૫.૨
કરોડનો અંદાજ મુકવામાં આવ્યો છે. અંદાજ કરતા વધુ રુપિયા ૩૨.૮૯ કરોડ ઉપરાંત
જી.એસ.ટી.અલગથી ચુકવવા સાથે ઈજનેર વિભાગે રજુ કરેલી દરખાસ્ત મંજુર કરાશે તો
કોન્ટ્રાકટરોને ફાયદો થશે. આ તમામ દરખાસ્ત મંજુર કરવાના બદલે કામગીરી કરાવવા
રી-ટેન્ડર કરવા જોઈએ.
કયા કોન્ટ્રાકટરને રોડની કામગીરી માટે કેટલી રકમ ચુકવાશે
કોન્ટ્રાકટર અંદાજીત
રકમ(કરોડ) ટેન્ડર રકમ(કરોડ) કેટલા ટકા વધુ
આશિષ ઈન્ફ્રાકોન ૪૬.૩૦ ૫૭.૬૫ ૨૪.૫૦
મારુતી કન્સ્ટ્રકશન ૧૫.૯૯ ૨૧.૭૫ ૨૪.૫૦
એપેક્ષ પ્રોટેક ૩૦.૦૦ ૪૦.૧૯ ૨૪.૫૦
મારુતી કન્સ્ટ્રકશન ૧૨.૭૧ ૧૮.૩૧ ૩૧.૫૦
કુલ ૧૦૫.૦૨ ૧૩૭.૯૨ ——