વડોદરા : અહીના બેસીએ સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીની પ્રથમ મેચમાં બરોડાની ટીમે મુંબઇની ટીમને ૮૧ રનથી હાર આપી છે. આ જીત એટલા માટે મહત્ત્વની છે કે ૨૬ વર્ષ બાદ રણજી ટ્રોફીમાં બરોડાની ટીમે મુંબઇની ટીમને હરાવી છે. આ શાનદાર જીતનું શ્રેય ટીમ બરોડાના બેટ્સમેન મિતેશ પટેલ અને બોલર ભાર્ગવ ભટ્ટને જાય છે.
બરોડા ક્રિકેટ એસોસિએશનના નવનિર્મિત સ્ટેડિયમ ખાતે ૧૧ ઓક્ટોબરથી રણજી ટ્રોફી ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો છે, જેમાં પ્રથમ મેચ બરોડા અને મુંબઇ વચ્ચે હતી. ૧૧ થી ૧૪ ઓક્ટોબર દરમિયાન રમાયેલી આ મેચમાં ટીમ કેપ્ટન કૃણાલ પંડયાની કેપ્ટનશિપ હેઠળ બરોડાએ પ્રથમ ઇનિંગમાં ૨૭૭ રન કર્યા હતા, જેમાં મિતેશ પટેલના ૧૫૪ બોલમાં ૮ બાઉન્ડ્રી સાથે ૮૬ રન અને અતિત શેઠે ૧૫૪ બોલમાં ૩ બાઉન્ડ્રી સાથે ૬૬ રનનો સમાવેશ થાય છે.