ગાંધીનગરના પીડીપીયુ રોડ પર આવેલ શ્રીજી મહેલ નામનાં ફ્લેટમાં પ્રવેશી અંદરથી લેપટોપ તેમજ દાગીના મળીને કુલ રૂ. 52 હજારનો મુદ્દામાલ તસ્કરો ચોરીને ફરાર થઈ ગયા હતા. જેથી ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
.
ગાંધીનગરના રાયસણ પી.ડી.પી.યુ રોડ પર આવેલ શ્રીજી મહેલ ફ્લેટ નંબર – બી/302 માં પ્રિયંકા કિશોરભાઈ સીંધી તેની મિત્ર પૃષ્ટિ સચિનભાઈ વાવયૈ, બિનાલી દિનેશભાઈ પેધરીયા અને ક્રિયા અરવિંદભાઈ સોરઠિયા ભાડેથી રહે છે. કલોલની સ્વર્ણિમ સ્ટાર્ટઅપ – ઈનોવેશન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી પ્રિયંકાએ ગત તા. 3 ઓક્ટોબરના રોજ રાત્રીના ઘરના હોલના ટેબલ ઉપર લેપટોપ મૂક્યું હતું.
નવરાત્રિનો સમય હોવાથી પ્રિયંકાને લેપટોપની જરૂર નહીં હોવાથી તેને ત્યાં પડી રહેવા દીધું હતું. બાદમાં 12 મી ઓક્ટોબર પ્રિયંકાએ લેપટોપ લેવા બેગ ખોલી તો લેપટોપ મળી આવ્યું નહોતું. આથી તેણે તેની બહેનપણી ક્રિયા સાથે લેપટોપની આખા ઘરમાં તપાસ કરી હતી. ત્યારે ગત તા. 13 મી ઓક્ટોબરે અન્ય બહેનપણીઓ પૃષ્ટી તથા બિનાલીએ તેમના રૂમના કબાટમાં તપાસ કરતા તેઓની સોનાની બુટ્ટી અને સોનાની એક નથણી પણ ચોરાઈ ગઈ હોવાનું માલુમ પડયું હતું. આ અંગે પ્રિયંકાએ ફરીયાદ નોંધાવી છે કે, ફ્લેટની ચાવી તેની પાસે રહેતી હતી. પરંતુ અમુક સમયે બહાર જવાનું થાય એ વખતે ફ્લેટને લોક કરતી ન હતી. આ અંગે ઈન્ફોસિટી પોલીસને જાણ કરતા પોલીસે લેપટોપ તેમજ દાગીના મળીને કુલ રૂ. 52 હજારનો મુદ્દામાલની ચોરી અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.