ગત 28 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના નવરંગપુરામાં 3 શખ્સોએ ભેગા મળીને એક નકલી આંગડિયા પેઢી ઊભી કરી હતી. ત્યારબાદ એક જ્વેલર્સના શો-રૂમમાંથી 2100 ગ્રામ સોનું રોકડમાં ખરીદવાનું કહીને જ્વેલરી શો-રૂમના માલિકને 1.30 કરોડની અનુપમ ખેરના ફોટોવાળી નકલી નોટો પધરાવી
.
આ બનાવ બાદ આરોપી ફરાર થઈ ગયા હતા પરંતુ, પોતપોતાનો ભાગ લેવા જ્યારે પરત આવ્યા ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આરોપી દીપક રાજપુત, નરેન્દ્ર જાદવ અને કલ્પેશ મહેતાની ધરપકડ કરી હતી. આ આરોપીઓ પૈકી દીપકે બનાવ સમયે સરદારજીનો વેશધારણ કર્યો હતો.
ફિલ્મના શૂટિંગના નામે ઝેરોક્ષની દુકાને નકલી નોટ છપાવી આરોપીઓ પૈકી કલ્પેશ મહેતાએ નકલી નોટની ડિઝાઇન તૈયાર કરી હતી. પોતાના છેતરપિંડીના પ્લાનને અંજામ આપવા માટે સી. જી. રોડ પર આવેલી એક ઝેરોક્ષની દુકાનમાં આરોપીઓ 1.60 કરોડની નકલી નોટ છપાવવા માટે ગયા હતા અને આ નકલી નોટ પર અનુપમ ખેરનો ફોટો છપાવ્યો હતો. આરોપીઓ નોટ છપાવવા ગયા ત્યારે તેમણે ઝેરોક્ષના દુકાનદારને એવું જણાવ્યું હતું કે, બોલીવુડના ફિલ્મના શૂટિંગ માટે નકલી નોટની જરૂરિયાત પડી છે. ફિલ્મમાં વિલન આ નકલી નોટો ઉડાવશે તે માટે આટલી મોટી સંખ્યામાં નકલી નોટો છાપવાની છે.
ફિલ્મમાં વિલન નકલી નોટ ઊડાવશે
દેવાની ભરપાઈ કરવા માટે નકલી આંગડિયા પેઢી ઊભી કરી આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, દીપક અન્ય આરોપીને સેન્ટ્રલ જેલમાં મળ્યો હતો. દીપક જામીન પર બહાર આવ્યા બાદ તેણે અન્ય બે આરોપીઓને પણ જામીન પણ છોડાવ્યા હતા. ત્રણેયને આર્થિક દેવું હતું જેથી, ત્રણેય જણે આ પ્રકારે પૈસા કમાવવાનો પ્લાન બનાવ્યો હતો. જે માટે નવરંગપુરામાં તેઓએ એક ઓફિસ ભાડેથી લીધી હતી. આ ઓફિસમાં તેઓએ નકલી આંગડિયા પેઢી ઊભી કરી હતી. આ ઉપરાંત અલગ-અલગ આરોપીઓનો રોલ નક્કી કરીને છેતરપીંડીનો પ્લાન પણ બનાવી લીધો હતો.
દેવું વધી જતાં પૈસા કમાવવા શોર્ટકટ અપનાવ્યો
1.60 કરોડનું સોનુ પડાવવા બોગસ આંગડિયા ઓફિસ ખોલી મળતી માહિતી મુજબ આરોપીઓએ 2100 ગ્રામ સોનું ખરીદવા માટે 1 કરોડ 60 લાખની ડીલ નક્કી કરી હતી અને તે રૂપિયા લેવા માટે બોગસ આંગડિયા પેઢી પર બોલાવવામાં આવ્યા હતા. સોનીની દુકાનના કર્મચારીઓ સોનું લઈને ત્યાં પહોંચ્યા ત્યારે અગાઉથી હાજર બે શખસે તેને બોલીવુડ અભિનેતા અનુપમ ખેરના ફોટોવાળી 1 કરોડ 30 લાખની નોટ બતાવી હતી અને કહ્યું કે, તમે મને સોનુ આપો. હું નીચેની દુકાનમાંથી બીજા 30 લાખ લઈને આવું ત્યાં સુધી તમે આ મશીનમાં નોટો ગણી લો. દિપક સોનુ લઈને દુકાનમાંથી નીકળી ગયો હતો અને નરેન્દ્ર બાઇક ચાલુ કરીને ઉભો હતો, જેની ઉપર દીપક બેસીને ત્યાંથી બંને ફરાર થઈ ગયા હતા. બીજી તરફ કર્મચારીઓ નોટો ગણતા રહ્યા પણ તે લોકો ભાગી ગયા. સોનું પણ ગયું અને જ્યારે તે નોટો ગણાતી હતી ત્યારે ખબર પડી કે, તે લોકો જે નોટો ગણી રહ્યા છે તે નકલી હતી. છેતરપિંડી થયા બાદ આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
ક્રાઇમ બ્રાન્ચે 18 સોનાના બિસ્કીટ કબ્જે કર્યા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ આ મામલે તપાસ કરવામાં આવી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે અમદાવાદમાંથી જ આ ગુનાના આરોપી દીપક રાજપુત, નરેન્દ્ર જાદવ અને કલ્પેશ મહેતાની ધરપકડ કરી હતી. આ આરોપીઓ પૈકી દીપકે બનાવ સમયે સરદારજીનો વેશધારણ કર્યો હતો. નરેન્દ્ર દીપકને પોતાના બાઇક પર બેસાડીને ભાગી ગયો હતો. અન્ય આરોપીઓની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચે 18 સોનાના બિસ્કીટ કબ્જે કર્યા છે, જેની કિંમત 1.37 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત અનુપમ ખેરના ફોટાવાળી 300 નોટ અને મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે.
અનુપમ ખેરના ફોટાવાળી 300 નોટ અને મોબાઈલ ફોન મળ્યા
4 આરોપીઓ હજુ પણ ફરાર છે આ ગુનામાં ભુપેશ સુરતી, વિજેન્દ્ર ભટ્ટ, અરવિંદ ડામોર અને પ્રભુ નામનો અન્ય એક આરોપી એમ ચાર આરોપી હજુ ફરાર છે. તેમના પણ આ ગુનામાં અલગ-અલગ રોલ છે. આરોપી દીપકના વિરુદ્ધમાં વાડજ, પાલડી, વડોદરા છોટાઉદેપુર, રાજસ્થાન સહિતના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુના નોંધાયેલા છે. રાજસ્થાનમાં દીપકના વિરોધમાં જીપીઆઇડી એક્ટ અંતર્ગત પણ ગુનો નોંધાયો છે. જ્યારે આરોપી નરેન્દ્ર વિરૂદ્ધમાં પાલડી પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે.