- Gujarati News
- Lifestyle
- Are You Also Going To Buy A New Car During The Festive Season? Festive Discounts Are Expensive
47 મિનિટ પેહલાલેખક: સંદીપ સિંહ
- કૉપી લિંક
ઘણા લોકો દિવાળીએ નવું વાહન ખરીદવાને શુભ માને છે. આ સમયે, ઓટોમોબાઈલ કંપનીઓ અને ડીલરશિપ કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર લાવે છે. જો તમે આ તહેવારોની સિઝનમાં નવી કાર ખરીદવાની તૈયારી કરી રહ્યા છો, તો આ એક સારી તક છે. બજારમાં તમામ પ્રકારની પાવરટ્રેન સાથેનાં વાહનો ઉપલબ્ધ છે જેમ કે ઈલેક્ટ્રિક, CNG, પેટ્રોલ અને ડીઝલ, જેને તમે તમારી જરૂરિયાત મુજબ ખરીદી શકો છો.
મધ્યમ વર્ગ માટે નવી કાર ખરીદવી એ એક સિદ્ધિ સમાન છે. એકવાર કાર ખરીદી લીધા પછી લોકો તેને વર્ષો સુધી બદલવા વિશે વિચારતા નથી. તેથી, કાર ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી ભવિષ્યમાં તમારે પસ્તાવું ન પડે.
તો આજે કામના સમાચારમાં વાત કરીશું કે આ તહેવારોની સિઝનમાં કાર ખરીદતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ? તમે એ પણ જાણી શકશો કે-
- તહેવારોના વેચાણ દરમિયાન ડીલરો કેવા પ્રકારની છેતરપિંડી કરી શકે છે?
- નવી કાર ખરીદતા પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
નિષ્ણાત: ટૂટૂ ધવન, ઓટો એક્સપર્ટ (નવી દિલ્હી)
પ્રશ્ન: તહેવારોના વેચાણ દરમિયાન કાર વેચતી વખતે ડીલરો કેવા પ્રકારની છેતરપિંડી કરી શકે છે? જવાબ: દિવાળીના તહેવાર દરમિયાન નવી કારની માગ સૌથી વધુ હોય છે. આવી સ્થિતિમાં ઓટોમોબાઈલ ડીલરો શક્ય તેટલા વધુ સ્ટોકનો નિકાલ કરવા માગતા હોય છે. લોકોને આકર્ષવા માટે, તેઓ તહેવારોની સિઝન દરમિયાન બમ્પર ડિસ્કાઉન્ટ અને કેશબેક ઓફર કરે છે. જો કે, કેટલાક ડીલરો તેમના ગ્રાહકો સાથે છેતરપિંડી પણ કરી શકે છે. તહેવારોની મોસમની ઓફરની આડમાં, ખામીયુક્ત કાર ગ્રાહકોને વેચી દેવામાં આવે તેવું પણ બની શકે છે, જેના માટે પાછળથી ગ્રાહકોએ શોરૂમના ધક્કા ખાવાનો વારો આવી શકે છે.
તહેવારોની સિઝનમાં ડીલરો કેવા પ્રકારની છેતરપિંડી કરી શકે છે તે નીચેના ગ્રાફિક પરથી સમજો.
પ્રશ્ન: નવી કાર ખરીદતા પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જવાબ: ઓટો એક્સપર્ટ ટૂટૂ ધવન કહે છે કે આજના યુગમાં કાર ખરીદવી એ મોંઘું રોકાણ છે. તેથી, દરેક વ્યક્તિ એવી કાર ખરીદવા માગે છે જેમાં સારી માઇલેજ, નવીનતમ સુવિધાઓ, ઓછી જાળવણી હોય અને કિંમત તેના બજેટમાં હોય.
કાર ખરીદતા પહેલાં આ તમામ બાબતોનું પ્રી-પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે. માર્કેટમાં કારના સેંકડો વિકલ્પો ઉપલબ્ધ છે, તેથી ક્યારેક નિર્ણય લેવો ખૂબ મુશ્કેલ બની જાય છે. તેથી, કાર ખરીદતા પહેલાં, નીચે આપેલા ગ્રાફિકમાં આપવામાં આવેલી આ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.
ચાલો ગ્રાફિકમાં આપેલા કેટલાક મુદ્દાઓને વિગતવાર સમજીએ.
નિશ્ચિત બજેટનું ધ્યાન રાખો સામાન્ય પરિવારની કારની કિંમત 3 થી 4 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેથી, કાર ખરીદતા પહેલા, તમારું બજેટ નક્કી કરો કે તમે કેટલો ખર્ચ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે વાહનની એક્સ-શોરૂમ કિંમત માત્ર તેની શરૂઆતની કિંમત છે. આ પછી RTO, વીમો, રોડ ટેક્સ, લોજિસ્ટિક્સ ચાર્જ, નંબર પ્લેટ ચાર્જ જેવા ખર્ચ પણ છે. આ કારની ઓન-રોડ કિંમતમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.
તમારી જરૂરિયાતોને સમજો કાર ખરીદતા પહેલાં, તમારી જરૂરિયાતો શું છે તે નક્કી કરો. ઉદાહરણ તરીકે, જો તમારા પરિવારમાં 6 થી 7 લોકો છે, તો તમારા માટે SUV જેવી મોટી કાર ખરીદવી શ્રેષ્ઠ રહેશે. જો તમારો પરિવાર નાનો છે તો તમે તે પ્રમાણે નાની કાર ખરીદી શકો છો. હંમેશા ધ્યાનમાં રાખો કે કાર જેટલી મોટી હશે તેટલો જ તેની જાળવણી ખર્ચ વધારે હશે. તેથી, ઑફર્સ અને ડિસ્કાઉન્ટનો શિકાર ન થાઓ અને ફક્ત તમારી જરૂરિયાતોને પ્રાધાન્ય આપો.
વીમા પૉલિસી વાંચો કંપનીઓ કાર ખરીદતી વખતે અનેક પ્રકારના એડ ઓન ઈન્સ્યોરન્સ ઓફર કરે છે. આ એડ ઓન ઓફર્સ ફક્ત તમારા પ્રીમિયમ ખર્ચમાં વધારો કરે છે. તેથી, તમારી જરૂરિયાતો અનુસાર વીમા પૉલિસી ખરીદો. આ સિવાય, વીમા પોલિસીમાં શું આવરી લેવામાં આવ્યું છે તે કાળજીપૂર્વક વાંચો અને તમારા ડીલર પાસેથી તેને વિગતવાર સમજો.
EMI પર કાર ખરીદતી વખતે તમારા બજેટને ધ્યાનમાં રાખો જો તમે EMI પર કાર ખરીદવા માગો છો, તો પહેલા નાણાકીય કરારના નિયમો અને શરતોને ધ્યાનથી વાંચો. ડાઉન પેમેન્ટ, માસિક EMI, વ્યાજ દર સહિત લોનની મુદત વિશે સ્પષ્ટપણે સમજો.
નિષ્ણાતો કહે છે કે કારની EMI તમારી માસિક આવકના 10%થી વધુ ન હોવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમારી માસિક આવક 2 લાખ રૂપિયા છે તો EMI લગભગ 20 હજાર રૂપિયા હોવી જોઈએ. આ સિવાય કોશિશ કરો કે કાર લોન 4 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
પ્રશ્ન: કાર ખરીદતા પહેલાં કેવા પ્રકારનાં સેફ્ટી ફીચર્સનું ધ્યાન રાખવું જોઈએ? જવાબ- ઓટો એક્સપર્ટ ટૂટૂ ધવન કહે છે કે નવી કાર ખરીદતી વખતે મોટાભાગના લોકો ડિઝાઇન, મોડલ, લુક અને પાવરટ્રેન જેવી બાબતો પર ધ્યાન આપે છે. જ્યારે કારમાં કયાં સેફ્ટી ફીચર્સ સામેલ છે તે જોવું સૌથી જરૂરી છે. અકસ્માતના કિસ્સામાં, વાહનની સલામતી સુવિધાઓ આપણું રક્ષણ કરે છે. જો તમે આ દિવાળીમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા ડીલરને કારના આ સેફ્ટી ફીચર્સ વિશે ચોક્કસ પૂછો.