કચ્છના વાતાવરણમાં આજે રવિવાર બપોરે ફરી પલટો આવ્યો હતો. જિલ્લા મથક ભુજ સહિત આસપાસના વિસ્તારમાં જોરદાર વરસાદના ઝાપટા પડ્યા હતા. જ્યારે જિલ્લાના માંડવી, મુન્દ્રા અને અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદની માર પડતા ખેડૂત વર્ગમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. ખાસ કરીને મગફળી અને કપાસના તૈયાર પાક માટે વરસાદ વેરી સાબિત થઈ રહ્યો હોવાનું માલુમ પડ્યું હતું. ભુજ શહેરમાં આજે રવિવાર બપોરે 3.40 મિનિટે વરસાદ શરૂ થયો હતો જે અડધો કલાક અવિરત રહેવા પામ્યો હતો. વરસાદી ઝાપટાના કારણે એસટી માર્ગે રાબેતા મુજબ પાણી ભરાયા હતા. બીજી તરફ અબડાસા, માંડવી અને મુન્દ્રા તાલુકામાં પણ માવઠું થયું હોવાના અહેવાલ સાંપડ્યા હતા. આસો માસમાં પણ ઉકળાટના દિવસો સહન કરતા લોકોને વરસાદથી ઠંડક થતા રાહત મળી હતી. અંજાર તાલુકાના રત્નાલ ગામના વાડી વિસ્તારમાં મગફળીના મોટા જથ્થા ને એકત્રીકરણ ની પ્રક્રિયા દરમિયાન અચાનક વરસાદ આવી ચડતા ખેડૂતની હાલત કફોડી બની ગઇ હતી. ખેતરમાં હલર ચલાવતા સમયે મગફળીનો પાક કમોસમી વરસાદમાં પલળી જતા નુકસાન પામ્યો હોવાનું ગામના વેપારી રણછોડ ત્રિકમ સુજાણીએ કહ્યું હતું.
Source link