અમદાવાદ6 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય મહિલા ટીમે ત્રણ મેચની વન-ડે સિરીઝની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 59 રને હરાવ્યું હતું. ગુરુવારે સ્મૃતિ મંધાનાએ હરમનપ્રીત કૌરની ગેરહાજરીમાં ભારતીય ટીમની કમાન સંભાળી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ભારતીય ટીમ 44.3 ઓવરમાં 227 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 228 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 40.4 ઓવરમાં 168 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારત તરફથી દીપ્તિ શર્માએ 41 રન બનાવ્યા અને 1 વિકેટ લીધી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરી હતી.
મહિલા T20 વર્લ્ડ કપ પછી બંને ટીમ વચ્ચે કોઈપણ ફોર્મેટની આ પ્રથમ મેચ હતી. ન્યૂઝીલેન્ડે આ મહિને રમાયેલી ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
તેજલે સૌથી વધુ 42 રન બનાવ્યા ભારત તરફથી તેજલ હસબનિસે સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. તેણે આ ઇનિંગ 64 બોલમાં 3 ફોરની મદદથી રમી હતી. આ સિવાય દીપ્તિ શર્માએ 51 બોલમાં 41 રન, યાશિકા ભાટિયાએ 33 બોલમાં 37 રન, જેમિમાહ રોડ્રિગ્સે 36 બોલમાં 35 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડની એમેલિયા કેરે 4 મહત્વની વિકેટ લીધી હતી.
રાધા યાદવે 3 વિકેટ લીધી ટાર્ગેટને ચેઝ કરતી વખતે ન્યૂઝીલેન્ડે બીજી ઓવરમાં જ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. સુઝી બેટ્સ 4 બોલમાં 1 રન બનાવી સાયમા ઠાકોરનો શિકાર બની હતી. ન્યૂઝીલેન્ડ માટે બ્રુક હેલીડેએ 54 બોલમાં સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. તે જ સમયે, મેડી ગ્રીન 32 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો.
ભારત તરફથી રાધા યાદવે 3 અને સાયમા ઠાકોરે 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય દીપ્તિ શર્મા અને અરુંધતિ રેડ્ડીએ 1-1 વિકેટ લીધી હતી. ત્રણ બેટર્સ રન આઉટ થયા હતા.
બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત: સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, ડી હેમલથા, જેમિમાહ રોડ્રિગ્ઝ, તેજલ હસબનીસ, દીપ્તિ શર્મા, અરુંધતિ રેડ્ડી, રાધા યાદવ, સાયમા ઠાકોર અને રેણુકા સિંહ.
ન્યૂઝીલેન્ડ: સોફી ડેવાઇન (કેપ્ટન), સુઝી બેટ્સ, જ્યોર્જિયા પ્લિમર, લોરેન ડાઉન, બ્રુક હેલીડે, મેડી ગ્રીન, ઇસાબેલ ગેજ, જેસ કેર, અમેલિયા કેર, મોલી પેનફોલ્ડ અને એડન કાર્સન.