48 મિનિટ પેહલા
- કૉપી લિંક
દેશનો સૌથી મોટો સિંગિંગ રિયાલિટી શૉ ‘ઇન્ડિયન આઇડોલ’ ફરી એકવાર ધૂમ મચાવવા અને દેશના ખૂણેખૂણામાંથી ટેલેન્ટ શોધવા માટે આવી રહ્યો છે. છેક 2004થી કરોડો ભારતીયોની પસંદ રહેલા આ શૉની 15મી સિઝન 26 ઓક્ટોબરથી સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન પર દર શનિ-રવિ રાત્રે 9 વાગ્યે પ્રસારિત થશે. આ વખતે શૉ નવાં રંગ-રૂપ સાથે તો આવશે જ, સાથોસાથ તેમાં એક નવા જજની પણ એન્ટ્રી થઇ છે. આ શૉના જજ તરીકે ખ્યાતનામ સિંગર શ્રેયા ઘોષાલ, સંગીતકાર અને ગાયક વિશાલ દદલાની તો હશે જ, તે ઉપરાંત ‘ઇટ્સ યોર બોય બાદશાહ’ તરીકે ઓળખાતા રૅપર બાદશાહની પણ સ્વેગ સાથે એન્ટ્રી થશે. યાને કે હવે આ શૉમાં ટેલેન્ટ અને ગ્લેમરની સાથોસાથ નવો સ્વેગ પણ ઉમેરાશે.
આદિત્યની પણ રિ-એન્ટ્રી થશે એક કાબેલ સિંગર અને સુપ્રસિદ્ધ ગાયક ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણની પણ ‘ઇન્ડિયન આઇડોલ’ની આ 15મી સિઝનથી શૉના એન્કર તરીકે રિ-એન્ટ્રી થશે. આદિત્ય અગાઉ ઇન્ડિયન આઇડોલની 11, 12 અને 13મી સિઝન એન્કર કરી ચૂક્યો છે. ગયા વર્ષે 14મી સિઝનના હોસ્ટ તરીકે હુસૈન કુવાજેરવાલા હતો.
‘ઇન્ડિયન આઇડોલ’ શૉએ દેશને અનેક સિંગિંગ ટેલેન્ટ આપ્યા છે. જેમાં અભિજિત સાવંત, સંદીપ આચાર્ય, પ્રશાંત તમાંગ, સુરભિ દેબવર્મા, શ્રીરામ ચંદ્ર મ્યાનમપતિ, સલમાન અલી, સની હિન્દુસ્તાની, પવનદીપ રાજન, રિશિ સિંઘ, વૈભવ ગુપ્તા વગેરેનો સમાવેશ થાય છે.
પ્લેફ્રન્ટ કન્સેપ્ટઃ આવો દર્શકો પર છવાઇ જાઓ સિઝન 15 ઇનોવેટિવ “પ્લેફ્રન્ટ”નો કન્સેપ્ટ લઇને આવે છે, જે એક ગેમ ચેન્જિંગ ટ્વિસ્ટ સાબિત થશે, અને પર્ફોર્મન્સના ઇવેલ્યુએશનને પણ નવેસરથી વ્યાખ્યાયિત કરશે. માત્ર ગાયકીની ક્ષમતાનું પ્રદર્શન કરવાના દિવસો ગયા; સ્પર્ધકોએ હવે ઇલેક્ટ્રિફાઇંગ સ્ટેજ પ્રેઝન્સ, કરિશ્મા અને શોમેનશિપથી દર્શકોને મોહિત કરવા પડે છે. આ ફોરવર્ડ થિંકિંગ એપ્રોચ એ વાત સ્વીકારે છે કે પ્રેક્ષકો સાથે એક કનેક્શન સાધવું અને યાદગાર અનુભવ આપવો એ મનોરંજન ક્ષેત્રમાં હવે ગાયકીની પ્રતિભા જેટલું જ જરૂરી છે.
શ્રીજન પોરૈલ
શ્રીજનનું ‘નોન-ગર્લફ્રેન્ડ ઓર્ગેનાઇઝેશન’ ઇન્ડિયન આઇડોલ-15નાં ઑડિશનના વીડિયો ઓલરેડી આઉટ છે અને તેમાં રહેલા ટેલેન્ટથી ચાહકોની ઉત્તેજના પળેપળે વધી રહી છે. તેમાંનો એક છે શ્રીજન પોરૈલ. તેણે ‘લાઇફ ઇન અ મેટ્રો’ ફિલ્મનું ‘અલવિદા’ ગીત ગાઇને પોતાના અદભુત પર્ફોર્મન્સથી જજીસને સ્તબ્ધ કરી દીધા હતા. શ્રીજને પોતાના પાસ્ટમાં થયેલા રિલેશનશિપ બ્રેકઅપ વિશે વાત કરતાં હળવા સૂરે વાત કરી હતી કે એણે પોતાના મિત્રોને ભેગા કરીને ‘નોન-ગર્લફ્રેન્ડ ઓર્ગેનાઇઝેશન’ (NGO) શરૂ કર્યું છે, જેમાં તે સૌને શપથ લેવડાવે છે કે, ‘મૈં, શ્રીજન પોરૈલ, યે શપથ લેતા હૂં કિ આજ સે કોઇ ભી રિલેશનશિપ યા પ્યાર વ્યાર કે ચક્કર સે દૂર રહૂંગા ઔર અપને સાથ મેરે દોસ્તોં કો ભી દૂર રખુંગા. હમારા સિર્ફ કામ રહેગા, અપને કરિયર પર ફોકસ કરુંગા ઔર કુછ નહીં.’ આ સાંભળીને ઇમ્પ્રેસ થયેલા જજ બાદશાહે કહ્યું, ‘આમેન, અને હું પણ આમાં સામેલ છું.’
સલોની સાઝ
યુનિક વોઇસની માલિકણ સલોની સાઝ દિલ્હીની 23 વર્ષની યુવા ટેલેન્ટ સલોની સાઝ તેના અવાજ પ્રમાણે જ અનોખો અવાજ, વ્યક્તિત્વ અને આભા સાથે આ વખતના ઇન્ડિયન આઇડોલમાં એન્ટર થઇ છે. સલોનીએ ફિલ્મ ‘ધન ધના ધન ગોલ’ના ‘બિલ્લો રાની’ સોંગ પર જે પર્ફોર્મન્સ આપ્યું તેનાથી જજીસ સલોનીના હટકે અને હસ્કી વોઇસ પર મોહી પડ્યા. સલોનીએ એવો પણ ખુલાસો કર્યો કે ઘણા લોકો તેના અવાજને પુરુષો જેવો ગણાવીને તેની ટીકા કરે છે. ઇવન, તેના સોશિયલ મીડિયા આવતી મોટાભાગની કમેન્ટ્સ પણ નેગેટિવ હોય છે. આ સાંભળીને વિશાલ પોતાનો ગુસ્સો રોકી ન શક્યા અને કહ્યું કે, ‘ઝમાના ગધા હૈ. કેટલાક લોકો તમને ક્યારેય નહીં સમજી શકે, પણ જે લોકો સંગીતના ક્ષેત્રમાં કામ કરે છે તેઓ આ સમજી શકશે, તેઓ તારા દુર્લભ અવાજની અને તારી આગવી ઓળખની હંમેશાં પ્રશંસા કરશે. જ્યાં સુધી તારો અવાજ એક યોગ્ય દિશા નહીં પકડે ત્યાં સુધી કોઇ આ વાત નહીં સમજે, એવા ઘણા લોકો છે જે તને દિશા બતાવી શકે. એટલે ડોન્ટ વરી.’
આવાં અનેક હિડન જેમ્સને લઇને ‘ઇન્ડિયન આઇડોલ’ની 15મી સિઝન 26 ઓક્ટોબરથી દર શનિ-રવિ રાત્રે 9 વાગ્યે સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન પર જોવા મળશે. તક ચૂકશો નહીં.