અમદાવાદ, ગુરૂવાર
વિઝા ફ્રોડના નામે અનેક એજન્ટો નિર્દોષ લોકો સાથે છેતરપિંડી આચરીને લાખો રૂપિયા પડાવે છે. આ પ્રકારના ગુનામાં ભોગ બનનાર પુરાવા એકઠા કરીને પોલીસ સ્ટેશનમાં અરજી આપે છે. ત્યારે મોટાભાગના કેસમાં પોલીસની અરજી અરજીની રમતનો ભોગ નિર્દોષ લોકો બને છે. બોપલમાં રહેતા એક મહિલાને વર્ક પરમીટ વિઝાના નામે નવ લાખ રૂપિયાનો ફ્રોડ થયો હતો અને એજન્ટની ઓફિસ સરખેજ પોલીસ સ્ટેશનની હદમા ંઆવેલા મકરબા વિસ્તારમાં આવેલી હતી. જેથી છેતરપિંડીના કેસની તપાસ માટેની અરજી સરખેજ પોલીસ મથકે આપતા ગુનો નોંધવાની ખાતરી આપવામાં આવી હતી. જો કે અચાનક સરખેજ પોલીસે અરજી અરજીની રમત શરૂ કરીને મહિલાની અરજી બોપલ પોલીસને મોકલી આપતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે.