અમદાવાદ, શનિવાર
વિદેશમાં વિઝા અને નોકરીના બહાને લોકો સાથે છેતરપીડીના બનાવો વધી રહ્યા છે, ગોમતીપુરમાં રહેતી શ્રમજીવીને સિંગાપોરના વિઝા અને નોકરીની લાલચ આપીને મહિલાએ રૃા. ૨ લાખ પડાવ્યા હતા. ૧૫ દિવસમાં વિઝા અને બે ત્રણ દિવસમાં નોકરીની લોગીન આઇડી આવી જવાની વાત કરી હતી પરંતું ત્રણ મહિના સુધી કોઇ કામગીરી ન થતાં મહિલાએ યુવકનો મોબાઇલ ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
૧૫ દિવસમાં વિઝા આવી જશે, બે-ત્રણ દિવસમાં નોકરીની લોગીન આઇડી પણ આવી જશે તેમ કહ્યું, ત્રણ મહિના સુધી કામ ન થતાં ફોન ઉપાડયો નહી
ગોમતીપુરમાં રહેતા યુવકે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નરોડામાં રહેતી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે યુવકને વિદેશ જવાનું હોવાથી સંબંધી મહિલાને વાત કરી હતી. ત્યારબાદ મહિલા તેમની સોસાયટીમાં રહેતા હોવાથી ઘરે ગયો હતો, તે સમયે તેઓએ તેમની બહેનપણી આરોપી મહિલા વિદેશમાં નોકરી અપાવવાનું કામ કરતા હોવાની વાત કરી હતી જેથી સબંધી મહિલા પાસેથી આરોપી મહિલાનો ફોન નંબર લઇને વાતો કરી હતી. જેથી આરોપી મહિલાએ સિંગાપોરમાં નોકરી છે તમારે ત્યાં જવા ત્રણ લાખ આપવા પડશે. જેમાં બે લાખ એડવાન્સ અને બાકીના વિઝા આવ્યા બાદ આપવા પડશે.
જેથી યુવકે રૃા. ૨ લાખ ટુકડે-ટુકડે આપ્યા હતા બાદમાં પાસપોર્ટ કઢાવીને ડોક્યુમેન્ટ મહિલાને મોકલ્યા હતા. જેને લઇને આરોપી મહિલાએ ૧૫ દિવસમાં વિઝા આવી જશે અને બે-ત્રણ દિવસમાં નોકરીની લોગીન આઇડી પણ આવી જશે તેમ જણાવ્યું હતું. પરંતુ ત્રણ મહિના થવા છતા પણ વિઝા કે આઇડી આવી ન હતી અને મહિલાએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતુ. ત્યારબાદ મહિલાએ રૃપિયા પરત આપવાનું કહીને એક યુવક પાસે ચેક મોકલ્યો હતો. જે બેન્કમાં ભરતા રિર્ટન થતાં ઠગાઇની જાણ થઇ હતી.