વડોદરા, તા.26 મધ્યપ્રદેશથી વડોદરામાં ઘુસાડવા માટે દારૃનો જથ્થો ભરીને આવેલી એક ટ્રક વડોદરામાં પ્રવેશે તે પહેલાં જ જિલ્લા એલસીબીએ આમલીયારા ગામ પાસેથી ઝડપી પાડી હતી. મુંગા પશુઓને ખવડાવાતા દાણની ગુણોની આડમાં દારૃની પેટીઓ છુપાવીને લઇ જતા બે શખ્સોને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે એક અશોક લેલન ટ્રકમાં દારૃનો જથ્થો ભર્યો છે તેમજ આ ટ્રક જરોદ પસાર કરી વડોદરા તરફ જાય છે તેવી માહિતીના આધારે જિલ્લા પોલીસની ટીમે તાબડતોબ હાલોલ-વડોદરા સ્ટેટ હાઇવે પર આમલીયારા ગામ પાસે જીઇબીના ગેટ નજીક વોચ ગોઠવી હતી. માહિતી મુજબની ટ્રક આવતા તેને કોર્ડન કરી રોક્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ટ્રકની પાછળ ફાલકાના ભાગે બાંધેલી તાડપત્રી ખોલી તપાસ કરતાં દાણ ભરેલી ગુણો જણાઇ હતી. બાતમી મુજબ વધુ તપાસ કરતાં આ ગુણોની વચ્ચે દારૃની પેટીઓ સંતાડેલી જણાઇ હતી. આ અંગે પોલીસે ટ્રકના ડ્રાઇવર દીપક જગદીશ મીણા (રહે.ક્રિષ્ણપુરી કોલોની, મુસાખેડી સર્કલ, ઇન્દોર) અને ક્લિનર દીપકરાવ રવીરાવ (રહે.દુધીયા બીજાસન ટેકરી, થાણા ખુડેલ, તા.જી. ઇન્દોર)ની પૂછપરછ કરતાં ઇન્દોરના પટેલ ટ્રાન્સપોર્ટવાળા જીતુભાઇ તથા મુનિમે ધાર બાયપાસ પાસે આ ટ્રક આપી હતી અને ગોલ્ડન ચોકડી પહોંચી ફોન કરવા જણાવ્યું હતું.
પોલીસે રૃા.૧૪.૨૨ લાખ કિંમતની ૮૬૨૮ નંગ દારૃની બોટલો, દાણની ગુણો, બે મોબાઇલ, ટ્રક મળી કુલ રૃા.૨૪.૯૦ લાખનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવર અને ક્લિનરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.