વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં રેઢિયાળ સિક્યુરિટીના કારણે અને સત્તાધીશોના વિદ્યાર્થીઓ પ્રત્યેના ઉપેક્ષિત વલણના કારણે અસામાજિક અને અટકચાળા તત્વો બેફામ બની રહ્યા છે.
આજે આ વાતની સાબિતી આપતો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.હેપી દિવાલી લખાણ સાથે પોસ્ટ કરવામાં આવેલા આ વિડિયોમા જોઈ શકાતું હતું કે, સાયન્સ ફેકલ્ટીથી આર્ટસ ફેકલ્ટી જવાના રસ્તા પર ઉભી રહેલી કારની બાજુમાં બાઈક પર બેઠેલા બે યુવાનો આવે છે અને સુતળી બોમ્બ કાઢે છે.કારમાં બેઠેલો એક યુવાન બોમ્બ સળગાવે છે અને બાઈક પર બેઠેલા બે યુવકો આ બોમ્બ ફેંકે છે.જ્યારે કારમાં બેઠેલો એક યુવક મોબાઈલ પર વિડિયો શૂટ કરે છે.
વિદ્યાર્થી આલમમાં એવુ ચર્ચાઈ રહ્યું છે કે, આ કાર છેલ્લા બે દિવસથી બેરોકટોક કેમ્પસમાં ફરી રહી છે.વિડિયો પણ આજનો જ હોઈ શકે છે.કારણકે પોસ્ટ કરનારાએ તેના પર હેપી દિવાળી લખ્યું છે.હરકત કરનારા યુવકો યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે કે બહારના છે તે જાણી શકાયું નથી.
આ બનાવે કેમ્પસમાં સિક્યુરિટીની પોલમપોલ છતી કરી દીધી છે.કરોડો રુપિયાનો સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપ્યા પછી પણ કોઈ બેફામ બનીને સુતળી બોમ્બ ફેંકે અને કેમ્પસમાંથી રવાના પણ થઈ જાય તે ખરેખર ચોંકાવનારી ઘટના છે.જોકે કેમ્પસમાં હવે સિક્યુરિટી એટલે વાઈસ ચાન્સેલરની સુરક્ષા અને બાકીનું કેમ્પસ ભગવાન ભરોસે તેવી સ્થિતિ છે.સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ ૩ કરોડ રુપિયા કરતા વધારે રકમનો છે પણ યુનિવર્સિટી હેડ ઓફિસ સિવાય કેમ્પસમાં કોઈ સ્થળ સુરક્ષિત નથી.
૨૧ દિવસ સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ
વડોદરા શહેર જિલ્લાના સાત લાખ ઉપરાંત વિદ્યાર્થીઓના દિવાળી વેકેશનનો પ્રારંભ
વડોદરા શહેર અને જિલ્લાની સ્કૂલો તેમજ કોલેજો અને એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા સાત લાખ કરતા વધારે વિદ્યાર્થીઓના દિવાળી વેકેશનનો આજથી પ્રારંભ થયો છે.
આમ તો વેકેશનની સત્તાવાર શરુઆત તા.૨૮ ઓકટોબરથી થવાની છે પરંતુ રવિવારની રજા હોવાથી આજે સ્કૂલો અને કોલેજો છૂટયા બાદ વિદ્યાર્થીઓએ ઉજવણી પણ કરી હતી.વડોદરા શહેર અને જિલ્લાની સ્કૂલોમાં પ્રથમ કસોટી ચાલી રહી હતી અને એ પરીક્ષાઓ પણ આજે સમાપ્ત થઈ હતી.
એમ.એસ.યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓનો દિવાળી વેકેશન પહેલાનો છેલ્લો દિવસ હતો.હવે સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટી કેમ્પસ ૨૧ દિવસ સુધી બંધ રહેશે.