– માધાપરની હોટલમાં કામ કરતો યુવાન ગાંધીધામ શા માટે આવ્યો? રહસ્ય
– હત્યાના બનાવ બાદ પોલીસે નાકાબંધી કરી, આડેસર નજીક બે શંકાસ્પદો પકડાયા હોવાની ચર્ચા
ગાંધીધામ : દિવાળી નજીક છે જેથી કચ્છની આથક નગરી તરીકે ઓળખાતા ગાંધીધામ મહાનગરમાં કચ્છના છેવાડાનો માનવી પણ ખરીદી કરવા આવતો હોય છે ત્યારે ભુજના દેશલપરમાં રહેતો અને માધાપરની ખાનગી હોટલમાં કામ કરતા યુવાનને કોઈ અજાણ્યા ઇસમોએ બેલ્ટ જેવા હથિયાર વડે ઢોર માર માર્યા બાદ તેઓ નાસી ગયા હતા. જેથી અર્ધબેભાન હાલતમાં મળેલા યુવાનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. દરમિયાન તેનું રસ્તામાં જ અવસાન થઈ ગયું હતું. આ ઘટનામાં સ્થાનિકેથી એવિ વાતો પણ સાંભળવા મળી હતી કે, યુવાન રહે છે દેશલપર, નોકરી કરે છે માધાપર તો તે ગાંધીધામ આવ્યો શા માટે? તો બીજી તરફ બપોરે અંદાજિત ૧૨ વાગ્યે બનેલા આ બનાવમાં આરોપીઓ કચ્છ મૂકીને નાસી ન જાય તે માટે જિલ્લાના પ્રવેશદ્વાર પર નાકાબંધી કરી નાખવામાં આવી હતી. જે દરમિયાન ૨ શંકાસ્પદ ઇસમો પણ પકડાયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
શનિવારે બપોરે ૧૨ વાગ્યા આસપાસ ગાંધીધામ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નજીક એક યુવાન અર્ધ બેભાન અવસ્થામાં હોવાની ૧૦૮ દ્વારા જાણ કરાઇ હતી. જે બાદ યુવાનને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો પરંતુ પ્રાથમિક સારવાર બાદ યુવાનને ભુજ રીફર કરવાની તજવીજ ચાલુ હતી ત્યાં જ યુવાને દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યુ છે કે યુવાનને બેલ્ટ જેવા હથિયાર વડે ઢોર માર મારી તેની હત્યા કરાઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાન ભુજ નજીકના દેશલપર ગામનો રહેવાસી છે અને તેનુ નામ પાર્થ ચંદુલાલ મહેશ્વરી હોવાનુ સામે આવ્યુ છે. યુવાન માધાપર નજીક આવેલી ફાર્મ વિલા હોટલમાં નોકરી કરે છે. પોલીસે પ્રાથમિક તપાસ કરતા યુવાન સવારે ૧૦ વાગ્યે નોકરી પુરી કર્યા બાદ હોટલેથી નિકળ્યો હતો. જેથી ત્યારબાદ તેને માર મારી આ ઘટનાને અંજામ અપાયો હોવાનું પોલીસનું અનુમાન છે. તો બીજી તરફ, સ્થાનીકેથી મળતી વિગતો મુજબ યુવાનના નજીકના પરિજનો પૈકી તેના પિતા વિદેશ હોવાનું જાણવા મળ્યુ છે.
તો બીજી તરફ આ ઘટના અંગે એ ડિવિઝન પોલીસના પી.આઈ. એમ.ડી. ચૌધરીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, હત્યા થયા બાદ યુવકના પરિજનોને જાણ કરાઇ છે પરંતુ તેઓ હજુ પહોંચ્યા નથી. જેથી લાશનું પી.એમ. થઈ શક્યું નથી. યુવકની હત્યા થઈ હોવાની પ્રબળ શક્યતા છે પરંતુ આ કેસમાં હજુ પોલીસ પણ બ્લાઇન્ડ છે. ફરિયાદ નોંધાયા બાદ અને પી.એમ થયા બાદ વધુ વિગતો મળશે તેવું પણ જણાવ્યુ હતું. તો બીજી તરફ આડેસર નજીકથી શંકાસ્પદ આરોપીઓ પકડાયા હોવાની વાત સમર્થન આપ્યું ન હતું.