જામનગર શહેરમાં જાહેર રોડ પર અનેક સ્થળે ફટાકડાના વેચાણ કેન્દ્ર શરૂ થયા છે, દરમિયાન પોલીસની તપાસમાં બે વિક્રેતાઓ લાઇસન્સ મેળવ્યા વિના ફટાકડાનું વેચાણ કરતાં ઝડપાયા છે. જેની સામે ગુનો દાખલ કરાયો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર સિદ્ધિવિનાયક પાર્ક સોસાયટીના ખૂણા પાસે ચેતન ઘનશ્યામભાઈ વશિયર નામના વેપારી દ્વારા જાહેર રોડ સ્ટોલ ઉભો કરીને ફટાકડા નું વેચાણ શરૂ કરાયું હતું, જે સ્થળે સિટી એ. ડિવિઝનના પોલીસ કર્મચારી ખોડુભા જાડેજાએ પૂછપરછ કરતાં તેની પાસે કોઈ પણ પ્રકારનું ફટાકડા વેચાણનું લાયસન્સ ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી પોલીસે ફટાકડાનું વેચાણ બંધ કરાવ્યું હતું, અને ફટાકડાનો જથ્થો કબજે કરી લઇ વિક્રેતા ચેતન વશિયર સામે જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસમાં બીએનએસ કલમ 288 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત તે જ વિસ્તારમાં જાહેરમાં ફટાકડા નું વેચાણ કરી રહેલા વિપુલ પ્રભુભાઈ ગંઢા નામના વેપારીની પૂછપરછ કરતાં તેની પાસે પણ ફટાકડાનું વેચાણ કરવા માટેનું લાયસન્સ મેળવેલું ન હતું, તેમ છતાં ફટાકડાનું વેચાણ કરતો હોવાથી તેમનું વેચાણ બંધ કરાવ્યું હતું અને તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.