PM Modi Vadodara Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે વડોદરામાં રોડ શો યોજ્યો હતો. ત્યારબાદ બંને નેતાઓએ આજે વડોદરામાં C295 વિમાનના ફાઇનલ એસેમ્બલી લાઇન પ્લાન્ટનું ઉદઘાટન કર્યું.
TATA ના પ્લાન્ટનું કર્યું ઉદઘાટન
વડોદરામાં પીએમ મોદીએ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL)માં સી-295 વિમાનના નિર્માણ હેતું ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યું. સ્પેન અને ભારત વચ્ચે 56 એરક્રાફ્ટ બનાવવા માટે કરાર કરવામાં આવ્યો છે. પ્રથમ 16 એરક્રાફ્ટ સ્પેનમાં બનાવવામાં આવશે. બાકીના 40 ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) દ્વારા બનાવવામાં આવશે. દેશમાં પ્રથમ વખત ખાનગી કંપની સૈન્ય માટે વિમાન બનાવશે. અમરેલીમાં વડાપ્રધાન મોદી લગભગ 4900 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદઘાટન તથા શિલાન્યાસ કરશે.
આ પણ વાંચો: સ્પેનના વડાપ્રધાનને ભોજનમાં ચટાકેદાર ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે, વાંચો સ્વાદિષ્ટ મેનૂ
‘રતન ટાટાની આત્મા જ્યાં પણ હશે, આજે ખૂબ ખુશ હશે’
વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં રતન ટાટાને યાદ કરતા કહ્યું કે, ‘તાજેતરમાં જ આપણે દેશના મહાન સપૂત રતન ટાટાજીને ગુમાવ્યા છે. જો આજે તે આપણી વચ્ચે હોત તો તેમને ખુશી થાત, પરંતુ તેમની આત્મા જ્યાં પણ હશે, તે ખુશ હશે. આ C-295 વિમાન ફેક્ટરી નવા ભારતની નવી કાર્ય સંસ્કૃતિને દર્શાવે છે.’
વડાપ્રધાને આગળ કહ્યું કે ‘હું ગુજરાતમાં સીએમ હતો, ત્યારે વડોદરામાં ટ્રેનના કોચ બનાવવા માટે એક ફેક્ટરી લગાવવાનો નિર્ણય કર્યો હતો. રેકોર્ડ સમયમાં ફેક્ટરીને ઉત્પાદન માટે તૈયાર પણ કરી દીધી. આજે આપણે તે ફેક્ટરીમાં બનેલા મેટ્રો કોચ બીજા દેશોને નિકાસ કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં આ ફેક્ટરીમાં બનેલા વિમાન પણ બીજા દેશોમાં નિકાસ કરવામાં આવશે.’
આ પણ વાંચો: C-295 એરક્રાફ્ટની જાણો વિશેષતા જેને સ્પેનની કંપની ગુજરાતના વડોદરામાં કરશે તૈયાર
આ પ્રોજેક્ટથી ભારત-સ્પેનની દોસ્તી વધુ મજબૂત બની
સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રગતિશીલ નેતૃત્વની પ્રશંસા કરવાની સાથે જણાવ્યું કે ‘સી 295 એરક્રાફટ ઉત્પાદનનો પ્રોજેક્ટ ઇન્ડસ્ટ્રિયલ એક્સેલન્સનું પ્રતીક છે અને આ પ્રોજેક્ટથી ભારત-સ્પેનની મિત્રતા વધુ મજબૂત બની છે. હવે ભવિષ્યમાં ભારત સાથે ટેકનોલોજી ટ્રાન્સફરના દ્વાર પણ ખૂલશે. એટલું જ નહીં, આ ઔદ્યોગિક સહયોગથી ઇજનેરો અને ટેક્નિશિયનોની તાલીમ અને ઘડતરના દ્વાર ખુલ્યા છે. સ્પેનમાં ભારતીય અને ભારતમાં સ્પેનિશ કંપનીઓ વધી રહી છે. તેનાથી રોજગારી સર્જન અને સંશોધનને વેગ મળ્યો છે. આ પ્રોજેક્ટ એમએસએમઇ ના વિકાસને વેગ આપશે.’
મધ્યમ અને લઘુ ઉદ્યોગોને ખૂબ અગત્યના ગણાવતા સાંચેઝે જણાવ્યું કે ‘અમારા દેશમાં 99 ટકા કંપનીઓ એમએસએમઇ છે અને દેશના વિકાસમાં તેમનું ખૂબ યોગદાન છે. ભારત – સ્પેનના સંગીત સહિતના સાંસ્કૃતિક સંબંધોનો ઉલ્લેખ કરવાની સાથે તેમણે ભારતીય સંગીતકાર પંડિત રવિશંકરને અને સ્પેનિશ ગિટાર અને ભારતીય સિતાર વચ્ચેની એકરૂપતાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.’
આ પણ વાંચો: PM મોદી અને પેડ્રો સાંચેઝે અચાનક અટકાવ્યો કાફલો, નીચે ઉતરી કર્યું આ કામ, લોકો થયા ગદગદિત…
વિકાસના નવા દ્વાર ખુલશે
સાંચેઝે કહ્યું કે ‘મારા માટે આ ખૂબ સન્માનની વાત છે. આ પ્રોજેક્ટ ભારતના એરો સ્પેસ ઉદ્યોગની પ્રગતિનું પ્રતીક છે અને વિકાસના નવા દ્વાર ખુલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને ઇન્ડસ્ટ્રિયલ પાવર હાઉસ બનાવ્યું છે. ભારત – સ્પેન દાયકાઓથી એકબીજાના વિશ્વસનીય મિત્ર રહ્યા છે અને આ પ્રોજેક્ટથી ઔદ્યોગિક સંબંધોની મજબૂતીને નવો આયામ મળ્યો છે.’
આ દરમિયાન સાંચેઝે રતન ટાટાને મહારથીઓના પણ મહારથી ગણાવીને પ્રશંસા કરી હતી. ગુજરાતના વિવિધતાસભર ઔદ્યોગિક વિકાસનો પણ તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો.