વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં પીએચડીની ૫૨૮ બેઠકો પર ૨૧૮ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યા છે.તેમાં પણ યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં પહેલી વખત ૫૩ ઉમેદવારોને પીએચડી માટે પ્રવેશ મળ્યો છે.
મળતી વિગતો પ્રમાણે પીએચડી માટે યુનિવર્સિટીમાં ફોર્મ ભરનારા ઉમેદવારોના ડોક્યુમેન્ટસની ચકાસણી બાદ ૪૪૧ ઉમેદવારો ક્વોલિફાઈડ થયા હતા.આ તમામ ઉમેદવારોને વિવિધ ફેકલ્ટીઓમાં પ્રેઝન્ટેશન માટે બોલાવવામાં આવ્યા હતા.આ પૈકીના ૩૧૩ વિદ્યાર્થીઓએ પ્રેઝન્ટેશન કર્યું હતુું અને તેમાંથી ૨૧૮ ઉમેદવારોને વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.
હવે પછીના તબક્કામાં આ ઉમેદવારોએ તા.૧૮ નવેમ્બર સુધીમાં ફી ભરવાની રહેશે અને તેની સાથે સાથે તેમણે જે તે રિસર્ચ ગાઈડ સાથે ચર્ચા કરીને પીએચડી માટેનો વિષય પસંદ કરવાનો રહેશે.આ માટે ઉમેદવારોને તા.૨૬ નવેમ્બર સુધીની મુદત આપવામાં આવી છે.
આ વખતે યુનિવર્સિટીએ પહેલી વખત પીએચડીની પ્રવેશ પ્રક્રિયાને સેન્ટ્રલાઈઝડ કરી હતી અને તેના કારણે દરેક ફેકલ્ટીમાં એક જ ટાઈમ ટેબલ પ્રમાણે પ્રવેશની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
ફેકલ્ટી પ્રમાણે જોવામાં આવે તો પીએચડી માટે સૌથી વધારે ૧૨૬ જગ્યાઓ કોમર્સ ફેકલ્ટીમાં ઉપલબ્ધ હતી.જ્યારે સૌથી ઓછી ૩ જગ્યાઓ સંસ્કૃત મહાવિદ્યાલયમાં હતી.જ્યારે યુનિવર્સિટીની લો અને જર્નાલિઝમ ફેકલ્ટીમાં પીએચડી ગાઈડના અભાવે પીએચડી કરી શકાય તેવી સ્થિતિ નથી.ફાઈન આર્ટસમાં પીએચડીની ચાર બેઠકો સામે એક પણ ઉમેદવારે રસ બતાવ્યો નહોતો.એટલે આ બેઠકો ખાલી જ રહી છે.
કઈ ફેકલ્ટીમાં કેટલાને પ્રવેશ
ફેકલ્ટી બેઠકો કેટલાને પ્રવેશ
આર્ટસ ૭૪ ૪૩
સંસ્કૃત મહાવિદ્યાલય ૩ ૨
કોમર્સ ૧૨૬ ૫૩
એજ્યુકેશન ૧૦ ૧૦
હોમસાયન્સ ૨૩ ૪
ફાઈન આર્ટસ ૪ ૦
મેનેજમેન્ટ ૧૦ ૨
પરફોર્મિંગ આર્ટસ ૧૨ ૪
ફાર્મસી ૯ ૪
સાયન્સ ૧૫૨ ૫૯
સોશ્યલ વર્ક ૪ ૨
ટેકનોલોજી ૧૩૨ ૩૨