વડોદરા,અમરેલીમાં રહેતા દિવ્યાંગ વ્યક્તિના નામના ખોટા દસ્તાવેજો રજૂ કરી ભેજાબાજે વડોદરાની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ત્રણ એકાઉન્ટ ખોલાવી ૫૦ લાખની લોન લઇ લીધી હતી. જે અંગે અકોટા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનાહાલરીયા ગામે રહેતા શ્રમજીવી રમેશભાઇ દેવાભાઇ દાફડાએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું દ્રષ્ટિહીન પ્રકારની દિવ્યાંગતા ધરાવું છું. મારી વિકલાંગતાની ટકાવારી ૮૦ ટકા છે. મેં ટી.વાય. બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે. દિવ્યાંગ હોવાના કારણે હું છૂટક મજૂરી કામ કરૃં છું અને માતા સાથે રહું છું.ગત તા. ૮ મી જુલાઇએ સવારે અગિયાર વાગ્યે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ચલાલા શાખામાં મારૃં એકાઉન્ટ ખોલાવવા માટે ગયો હતો. બેંકના નિયમ મુજબ ફોર્મ ભરી પુરાવાઓ રજૂ કર્યા હતા. બેંક સ્ટાફે એકાઉન્ટ ખોલવાની કાર્યવાહી કરતા જાણવા મળ્યું હતું કે, મારા નામના ત્રણ બેન્ક એકાઉન્ટ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના વડોદરામાં છે. તેમજ તે એકાઉન્ટમાં લોન લેવામાં આવી છે. જે પૈકી કોઇ લોન ભરપાઇ થઇ નથી. જેથી, હું નવું એકાઉન્ટ ખોલાવી શકું નહીં. ચલાલા શાખાની બેન્ક દ્વારા અગાઉ મારા નામે ખૂલેલા એકાઉન્ટની વિગતો આપવામાં આવી હતી. તે મુજબ તા. ૦૮ – ૦૬ – ૨૦૧૯ થી તા. ૦૬ – ૦૯ – ૨૦૧૯ દરમિયાન ત્રણ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. આ તમામ એકાઉન્ટમાં મારા નામ પર લોન લેવામાં આવી હતી. કોઇ અજાણ્યા વ્યક્તિએ બેન્કમાં જઇ મારા નામના ખોટા અને બનાવટી આધાર પુરાવાઓ રજૂ કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ૫૦ લાખની લોન લેવામાં આવી હતી. તેણે લોન ભરપાઇ કરી નહીં હોવાથી હું મારૃં સાચું એકાઉન્ટ ખોલાવી શકતો નથી.