Attempted Theft At Pavagadh Temple: દિવાળીના તહેવાર ટાણે વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિર રોજબરોજ લાખો લોકો દર્શન કરતાં હોય છે, ત્યારે મંદિરમાં ચોરીનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવ્યા બાદ આજે વહેલી સવારથી મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. જોકે પોલીસ દ્વારા સમગ્ર તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હોવાનો ખુલાસો થયો છે. આ ઘટનાની જાણ થતાં પાવાગઢ પોલીસ કાફલો મંદિર પહોંચી ગયો હતો અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ કર્યા બાદ માતાજીના શૃંગારની ચોરી ન થઈ હોવાનું જાણવા મળતા મંદિરના વહીવટી તંત્ર સહિત પોલીસ તંત્રએ પણ હાશકારો લીધો છે.
આ પણ વાંચો: સરકાર સામેનો આક્રોશ ડામવાનો પ્રયાસ?, PMની ગુજરાત મુલાકાતને લઈને વિરોધીઓને કરાયા નજરકેદ: કોંગ્રેસ
મંદિરમાં રાત્રે આવેલા વ્યક્તિની શોધખોળ
ઘટનાને લઈ જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે, CCTVના ફૂટેજ મુજબ, મંદિરના દાદારાની પાસે આવેલ અને ખીણમાં જતી પાઈપનો ઉપયોગ કરીને રાત્રે દોઢ વાગ્યાની આસપાસ મંદિરમાં એક વ્યક્તિ આવ્યો હતો. આ વ્યક્તિ ચોરી કરવાના ઇરાદાથી મંદિરમાં આવ્યો હતો. જોકે મંદિરના સભ્યોએ કહ્યું છે કે, મંદિર કે ગર્ભગૃહમાંથી કોઈપણ ચીજ વસ્તુઓ ચોરાઈ નથી. હાલ પોલીસ દ્વારા રાત્રે પ્રવેશેલા વ્યક્તિની શોધખોળ હાથ ધરાઈ છે. બીજી તરફ મંદિરના વહીવટી તંત્ર દ્વારા મંદિરમાં ચોરીનો પ્રયાસ થયો હોવાની ફરિયાદ નોંધાવામાં આવી છે. ચોરીની આશંકાને પગલે સવારે મંદિર બંધ કરવામાં આવ્યું હતું, જો કે પોલીસ દ્વારા સમગ્ર તપાસ કરવામાં આવ્યા બાદ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યું છે. મંદિરમાં કોઈપણ પ્રકારની ચોરી ન થઈ હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે.
ગર્ભ ગૃહમાં સામાન વેર-વિખેર જોવા મળ્યો હતો
ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ પાવાગઢના નિજ મંદિરના ગર્ભ ગૃહમાં માતાજીના દાગીના સહિતનો સામાન વેર-વિખેર જોવા મળ્યો હતો, જેથી મંદિર પ્રશાસને ચોરીની આશંકા જતાં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો મંદિર પહોંચ્યો હતો અને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે મંદિર બંધ રખાવી શ્રદ્ધાળુઓનું ચેકિંગ કર્યું હતું. જો કે, પ્રાથમિક તપાસમાં કોઈ ચોરી થઈ નહીં હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો: આજે તેઓ જીવતા હોત તો આજે ખુશ હોત, મોદી-સાંચેઝે ઉદઘાટન વખતે રતન ટાટાને યાદ કર્યા