Luxury Bus : દેશભરમાં પ્રકાશ પર્વના તહેવારની શરૂઆત થઇ ચૂકી છે. આજે ધરતેરસ છે, ત્યારે વતનથી દૂર શહેરોમાં રોજગારી માટે આવેલા લોકો દિવાળીના તહેવારોમાં વતનની વાટ પકડી છે. તહેવારો ટાળે સરકારી બસો, ટ્રેનો સહિત ખાનગી ટ્રેનો હાઉસફૂલ થઇ જતાં લોકો જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે. સુરતથી એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોઇ શકાય છે કે લોકો કચોકચ ભરેલી છે, જગ્યા ન હોવાથી લોકો બસ ઉપર બેસી મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે.
હાલમાં તહેવારોના ટાણે ખુશીનો ઘરમાં માહોલ હોય છે, ત્યારે આ પ્રકારે બેદરકારીભરી મુસાફરીથી ગોજારા અકસ્માત સર્જાય તો તેના માટે કોણ જવાબદાર ગણાશે. અકસ્માતને નોતરુ આપતો હોય તેવું આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. આવા બેફામ ખાનગી બસ ચાલકો ટ્રાફિકના નિયમોનું ભંગ કરવાનું ક્યારે બંધ કરશે? ટ્રાફિક પોલીસ કેમ નજર અંદાજ કરી રહી છે, તેવા અનેક પ્રશ્નો સામાન્ય જનતામાં ચર્ચાનો વિષય બન્યા છે.
આ ખાનગી લક્ઝરીઓ જ્યાંથી પસાર થાય છે ત્યાં પોલીસના પોઈન્ટ અને પોલીસ સ્ટેશનો પણ આવે છે. પરંતુ આવી જોખમી મુસાફરી કરતી ખાનગી બસો સામે કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી. પરંતુ જો કોઇ વ્યક્તિ હેલમેટ ન પહેર્યું હોય તો તેને દંડ ફટકારવામાં આવે છે, કેટલાક કિસ્સાઓમાં ગાડી પણ ડિટેન કરવામાં આવે છે. ત્યારે આ પ્રકારે મોતની મુસાફરીને બંધ કરાવવામાં આવે તો મોટા અકસ્માતને રોકી શકાય એમ છે.
આ પણ વાંચો : મહુડીમાં શ્રી ઘંટાકર્ણ મહાવીરનો હવન 31 ઓક્ટોબરે યોજાશે, જાણો તેનું ચમત્કારિક મહત્ત્વ
મજબૂરીનો લાભ ઉઠાવી ઉઘાડી લૂંટ
વતન જઇ રહેલા લોકોને ખાનગી બસોમાં બેસવા માટે પાર્કિંગથી 15 કિમી દૂર જવું પડે છે. આ ઉપરાંત ખાનગી બસોએ સામાન્ય દિવસોમાં ચાલતા ભાડાને બમણા કરી દીધા છે. ખાનગી બસ ચાલકો વતન જઇ રહેલા લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. ખાનગી ટ્રાવેલ્સમાં લક્ઝરી બસના ડબલ સોફા બોક્સનો અઢીથી ત્રણ હજાર રૂપિયા સુધી પહોંચી ગયો છે. ખાનગી વાહન ચાલકો ફક્ત નાણાં કમાવવાની લાલચે મુસાફરોને ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડીને મુસાફરી કરાવતા હોય છે. જોકે હજુ સુધી 5 નવેમ્બર સુધી વતન તરફ જવા માટે ધસારો રહેશે. જેના લીધે ટ્રેન, સરકારી એસટી બસ અને ખાનગી લક્ઝરી બસોમાં ભારે ભીડ જોવા મળશે.
હજારો રત્નકલાકારો વતન ઉપડયા
સુરતના ડાયમંડ અને અન્ય ઉદ્યોગમાં દિવાળી વેકેશનની શરૂઆત થઈ જતા 26 ઓક્ટોબરથી એસટી દ્વારા એક્સ્ટ્રા બસોની સુવિધા કરવામાં આવી છે. કાપોદ્રા ધારુકાવાળા કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી પ્રથમ બે દિવસમાં 300થી વધુ બસ રવકલાકારોને લઈને માદરે વતન જવા માટે નીકળી ગઈ છે. 13 હજારથી વધુ રત્નકલાકારો વતન ઉપડયા છે. જેથી એસટી વિભાગને અંદાજ 45 લાખથી વધુની આવક થઈ છે.
આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર તરફના મોટાભાગના લોકો રવાના થઈ જશે
ભાવનગર, સાવરકુંડલા, અમરેલી, ધારી, રાજકોટ, ગોંડલ, ગારિયાધાર સહિતના રૂટની બસોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો. આગામી બે દિવસમાં મોટાભાગના લોકો જતા રહેશે. ખાનગી બસમાં 2200થી 3000 રૂપિયા ડબલ સોફાના આપવા પડતા હોય છે. તેની સામે એસટીમાં સિંગલ વ્યક્તિ માટે 390 અથવા તેની આજુબાજુ ટિકિટ થતી હોય છે. ખાનગી બસ કરતાં એસટીમાં 50 ટકા ફાયદો થાય છે.