સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં આવેલા માનદરવાજા ટેનામેન્ટ ખાલી કરાવાયા બાદ તેની સ્ક્રેપ વેલ્યુ નક્કી કરીને બિલ્ડીંગ ઉતારવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા જોકે, આ ટેન્ડર ખુલ્યા બાદ સ્કેપ વેલ્યુ નક્કી કરનારા પાલિકાના અધિકારીઓ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. પાલિકાના અધિકારીઓએ માન દરવાજા ટેનામેન્ટની સ્ક્રેપ વેલ્યુ 49.99 લાખ રાખી હતી. જોકે, ટેન્ડર બહાર પડ્યા તેમાં પાંચ એજન્સીમાંથી એક પણ એજન્સીએ અંદાજ નજીકની રકમ ભરી ન હતી. ચાર એજન્સીએ પાલિકાના અંદાજ કરતાં 431 થી 566 ટકા ઉંચા ટેન્ડર ભર્યા હતા તો પાલિકાએ માત્ર 50 લાખ જેટલી વેલ્યુ કેવી રીતે આંકી તે પ્રશ્ન હવે બહાર આવ્યો છે.
સુરત પાલિકામાં હાલ દિવાળી પહેલાં કૌભાંડના ફટાકડા ફૂટી રહ્યા છે. હજીરાના ઉદ્યોગોને ટર્શરી ટ્રીટમેન્ટ વાળું પાણી આપવાની દરખાસ્ત માં મોટું કૌભાંડ બહાર આવ્યું છે. તેમાં અધિકારીઓની દિવાળી બગડે તેવી ભીતિ છે. ત્યારે ગઈ કાલે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં માનદરવાજા ટેનામેન્ટની સ્ક્રેપ વેલ્યુની દરખાસ્તમાં પણ ધડાકો થયો છે. પાલિકા ની સ્થાયી સમિતિમાં માન દરવાજા ખાતેના ટેનામેન્ટમાં એ, બી અને સી ટાઈપ ટેનામેન્ટનું ડિમોલીશન કરીને માલ સામાન લઈ જવાના કામની દરખાસ્ત રજુ કરવામા આવી હતી. આ પહેલા પાલિકાએ આ ટેનામેન્ટની સ્ક્રેપ વેલ્યુ નક્કી કરી હતી. પાલિકાના અધિકારીઓએ આ બિલ્ડીંગોની સ્ક્રેવ વેલ્યુ 49.49 લાખ નક્કી કરી હતી.
આ ટેન્ડર માટે કુલ 17 એજન્સીના ટેન્ડર આવ્યા હતા અને તેમાંથી 12 ટેન્ડર ડીસ ક્વોલિફાઈ થયા હતા. જ્યારે પાંચ એજન્સી ક્વોલિફાય થઈ હતી. જેમાં એક માત્ર લોએસ્ટ ફાઈવ વાળી એજન્સી હતી તેણે પણ પાલિકાના અંદાજ કરતાં 122 ટકા ઉંચુ એટલે કે 1.11 કરોડનું ટેન્ડર ભર્યું હતું. ત્યારબાદ ટોપ ફોર આવનારી એજન્સીએ 2.65 કરોડથી માંડીને 3.33 કરોડની ઓફર પાલિકાને કરી છે. પાલિકાના અંદાજ કરતાં 566 ટકા ઉંચી ઓફર આવી છે. જે એજન્સીઓએ ઓફર આપી છે તેમાંથી કમાણી જ કરશે તેના આધારે જ ઓફર કરી છે. તો પાલિકાના અધિકારીઓએ આ બિલ્ડીંગો માટેની સ્ક્રેપ વેલ્યુ 49.99 લાખ કઈ રીતે નક્કી કરી તે પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઉપરાંત ભૂતકાળમાં પાલિકાએ સ્ક્રેપ વેલ્યુ નક્કી કરી હતી તેમાં તો નીચા ટેન્ડર આવતા હતા તેથી હવે પાલિકા સ્ક્રેપ વેલ્યુ નક્કી કરે તે અધિકારીઓ સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે અને ઓછી સ્ક્રપે વેલ્યુ નક્કી કરી કૌભાંડ થયું હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યાં છે.