અખનૂર12 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાનમાંથી ઘૂસણખોરી કરીને આવેલા આતંકવાદીઓએ કાશ્મીર ક્ષેત્રમાં 2 સપ્તાહમાં 7 હુમલા કર્યા છે. તેમાં 2 જવાન સહિત 13 લોકોએ જીવ ગુમાવ્યા છે પણ અખનૂરના બટ્ટલ ગામમાં 3 આતંકવાદીએ કરેલો હુમલો બે રીતે સાવ અલગ હતો. પહેલી- તેમણે ભારે હથિયારો સાથે મંદિર પર કબજો કર્યો હતો. બીજી- અથડામણનો વિસ્તાર એલએસીથી સાવ નજીક હતો. એટલે સોમવારે સેનાએ નવી વ્યૂહરચના સાથે આતંકવાદીઓને ધૂળધાણી કરવાની યોજના ઘડી હતી.
વાસ્તવમાં પહેલી વાર જમ્મુ-કાશ્મીરમાં કોઈ આતંકવિરોધી અભિયાન માટે એલએસજી કમાન્ડો અને 4 બીએમપી-2 ‘સરથ’ ટૅન્કને મેદાનમાં ઉતારવાથી સૌ ચકિત હતા. આ સવાલના જવાબમાં એક સૈન્ય અધિકારીએ ભાસ્કરને કહ્યું કે સોમવારે સવારે 6 વાગ્યે ત્રણેય આકંતવાદી બટ્ટલ ગામના અસન મંદિરમાં ઘૂસ્યા ત્યારે ત્યાં પૂજા થતી હતી. અનેક સ્થાનિક લોકો ત્યાં હતા. આતંકવાદીઓએ લોકોને ત્યાંથી જતા રહેવા કહ્યું. લોકો બહાર નીકળતા હતા ત્યારે જ સેનાની એમ્બુલન્સ ત્યાંથી નીકળી એટલે આતંકવાદીઓ ગભરાઈ ગયા અને ગોળીબાર કર્યો. થોડી વારમાં જવાનોએ આખો વિસ્તાર ઘેરી લીધો પણ આતંકવાદીઓએ મંદિરમાં કેટલાક લોકોને બંદી બનાવ્યા છે, એવી અમને શંકા હતી. આતંકવાદીઓ પાસે ઘણા હથિયાર હતા એટલે જાનહાનિ રોકવા માટે એનએસજી કમાન્ડોને બોલાવાયા હતા કારણ કે આવી સ્થિતિ થાળે પાડવામાં એ લોકો કુશળ હોય છે.
કમાન્ડો બપોરે 12 વાગ્યા સુધી સ્થળ પર પહોંચ્યા અને તેમણે ઓપરેશન શરૂ કર્યું. બપોરે 2 વાગ્યા પહેલાં આતંકવાદીને મોતને ઘાટ ઉતારીને કમાન્ડો મંદિરમાં ઘૂસી ગયા. તેમને જોઈને બાકીના બે આતંકવાદી એલઓસી તરફ જંગલમાં ભાગ્યા. મંદિરમાં સર્ચ પછી કાંઈ ન મળ્યું અને તે પછી એનએસજીનું ઓપરેશન પૂરું થયું. આગળની લડાઈની કમાન 9 પેરા એસએફ અને 9 પંજાબ રેજિમેન્ટના કમાન્ડોના હાથમાં આવી. સૈન્યના અધિકારીઓના કહેવા પ્રમાણે જંગલ ગાઢ હતું અને આતંકવાદીઓ એલઓસીથી માત્ર 5 કિલોમીટર દૂર હતા. જો કમાન્ડો આગળ વધ્યા હોત તો આતંકવાદીઓને બચાવવા પાકિસ્તાની સેના ગોળીબાર કરી શકે તેમ હતું. એનાથી જાનહાનિની શંકા પણ હતી. એટલે પાકને તાત્કાલિક જવાબ આપવા માટે ઓપરેશન રોકી દેવાયું અને થલસેનાની મૅકેનાઇઝ્ડ યુનિટ પાસેની બીએમપી-2 ટૅન્ક બોલાવાઈ, જેથી વિના વિલંબે પાકને જડબાતોડ જવાબ આપી શકાય.